કોરોનાનો રિપોર્ટ નેગેટિવ છતાં સિવિલ તંત્રએ 9 દિવસ સુધી વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાં દાખલ રાખ્યા

ટપા ટપ લોકોના મોત જોયા બાદ વૃદ્ધનું પણ મોત થયું

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોત થતા લાપરવાહ બનેલા સિવિલ તંત્ર સામે વારંવાર આક્ષેપો થઇ રહ્યાં છે. ત્યારે સિવિલના તબીબોની ગુનાઇત બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોરોનાના લક્ષણો બાદ દાખલ થયેલા વૃદ્ધનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતા તેમને 9 દિવસ કોવિડ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા હતા. ત્યારે ટપા ટપ લોકોના મોત જોયા બાદ ગભરાઇ ગયેલા વૃદ્ધનું પણ ગઇકાલે રાત્રે મોત નિપજ્યું છે. ત્યારે મૃતકના સગાએ આક્ષેપ કર્યો છેકે, કોવિડ રીપોર્ટ નેગેટિવ આવ્યો છતા તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા જેના કારણે જ તેમના સગાનું મોત થયું છે.

શહેરના અસારવા વિસ્તારમાં રહેતા ઇન્દીરાબહેન જ્યંતિભાઇ પટેલને કોરોનાના લક્ષણો જણાતા તેમણે 19 નવે.ના રોજ અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો. જો કે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ મોડી રાત્રે તેમને શ્વાસની તકલીફ થઇ હતી અને ઓક્સીજન લેવલ 60 થઇ ગયું હતું. સવારે રિપોર્ટ નેગેટિવ હોવાથી પરિવારજનોને થયું હતું કે, હાર્ટની બિમારીના કારણે આવું છે. જેથી તેમને તાત્કાલીક યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમનો ઇકો સહિતના ટેસ્ટ કર્યા હતા. તે તમામ ટેસ્ટ પણ યોગ્ય હોવાના રિપોર્ટ આવ્યા હતા.

પરંતુ ઇન્દીરાબહેનને તકલીફ હોવાથી તેમને 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો 20મીના રોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ 21મીએ નેગેટિવ આવ્યો હતો. આ અંગે સગાને જાણ થતા તેમને હોસ્પિટલ સત્તાવાળાને કોવિડ હોસ્પિટલ આઇસીયુમાંથી વૃદ્ધાને નોન કોવિડ હોસ્પિટલ કે વોર્ડમાં શિફ્ટ કરવા રજૂઆત કરી હતી. પરંતુ તબીબોએ એકના બે થયા ન હતા અને સતત નવ દિવસ સુધી તેમને કોવિડ હોસ્પિટલ આઇસીયુમાં રાખ્યા હતા.

બીજી તરફ બે ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલમાં ટપોટપ દર્દીઓ મરી રહ્યાં હતા. તેવામાં ઇન્દીરાબહેનનું પણ ગઇકાલે મોત થયું હતું. આ અંગે તંત્રએ તેમના સગાને જાણ કરી હતી. આમ કોરોના ગ્રસ્ત ન હોવા છતા વૃદ્ધાને ત્યાં રાખ્યા જેના કારણે જ તેમનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

તબીબોને વારંવાર બીજી જગ્યાએ શિફ્ટ કરવા રજૂઆત પરંતુ તેમણે સાંભળ્યું જ નહીં મારા બાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાની જાણ અમને બીજા જ દિવસે થઇ હતી. જેથી પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને બીજી જગ્યાએ શિફ્ટ કરવા વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ તબીબોએ અમારું સાંભળ્યું જ નહીં અને કોરોના ગ્રસ્ત ન હોવા છતા બાને કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં રાખવામાં આવ્યા. જેના કારણે જ તેમનું મોત થયું. (ખુશી પટેલ- મૃતકની પૌત્રી)

શબ આપવા તંત્રની તૈયારી પણ કોવિડ હોસ્પિટલમાં 9 દિવસ રાખ્યા હોવાથી સ્મશાનગૃહમાં લઇ જવા પડ્યાં. ઇન્દીરાબહેનને કોરોના ન હતો. જેથી સિવિલ તંત્રએ લાશ આપવા તૈયારી દર્શાવી હતી. પરંતુ 9 દિવસ કોરોનાગ્રસ્ત દર્દીઓ વચ્ચે તેઓ રહ્યાં હોવાથી તેમના પાર્થિવ દેહને ઘરે લઇ જવામાં આવે તો ચેપ લાગવાની શક્યતાઓ હતી. જેથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરી તેમના પાર્થિવ શરીરને દુધેશ્વર સ્મશાનમાં લઇ જવામાં આવ્યું હતું અને ત્યાં જ અંતિમ વિધી કરવામાં આવી હતી.

આમ તબીબોની બેદરકારીએ જ તેમનો જીવ લીધો હોવાનું સાફસાફ નજર આવે છે. ત્યારે જવાબદાર તબીબો સામે પગલાં લેવા જોઇએ. (સંજય પટેલ, પ્રમુખ, અસારવા યુથ સર્કલ)

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર