મહિલાઓની સુરક્ષા માટે ધરણા પર ઉતરેલા ‘આપ’ના કાર્યકર્તાઓની અટકાયત

મહિલાઓ પર વધી રહેલા બળાત્કાર અને અત્યાચારના વિરોધમાં ‘આપ’ના ધરણા પ્રદર્શન

ગુજરાતની પ્રજાને આજે સી પ્લેનની નહિ પરંતુ, નારી સુરક્ષા વાળા સી પ્લાનની તાતી જરુર..’

ગુજરાતમાં રોજે રોજ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. લોકડાઉન બાદ રાજ્યમાં વધુ દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોધાઇ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક જિલ્લા સ્તરે વધતા જતા દુષ્કર્મના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે રાજ્યમાં વિવિધ શહેરોમાં ધરણા કરી સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કર્યા હતા.

આ સંદર્ભમાં અમદાવાદ શહેરમાં પણ આપ કાર્યકર્તાઓએ સરકાર વિરૂદ્ધ દેખાવો કર્યો હતો. સારંગપુર ખાતે મહિલાઓની રક્ષા કાજે આપના કાર્યકર્તાઓ વિરોધ પર ઉતર્યા હતા. જો કે આ દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. અને સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.

મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા આપ પાર્ટીએ આજે સાળંગપુર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદશન કરી રહ્યા હતા. વિરોધ પ્રદશન કરવાની પરવાની હોવા છતાં પોલીસે અટકાયત કરી હતી. આશરે 500થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જો કે અટકાયત બાદ લાંબા સમય સુધી પોલીસ હિરાસતમાં રાખવામાં આવ્યા હોવાનો પણ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો.

શહેરના પ્રમુખ અમજદખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી રહ્યું. આપ ખુદશાહી શાસનનો અંત લાવવા અપીલ કરી હતી.

કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કોઈ સલામત નથી. દેશના બંધારણનું હનન થઈ રહ્યું છે. 500 વર્ષની ગુલામી બાદ દેશને આઝાદી મળી છે. પરંતુ ભાજપા સરકારમાં લોકોની સ્વંત્રતતા પર તરાપ મારી રહી છે. આવી સરકારને આગામી ચૂંટણીમાં જાકારો આપવા લોકોને અપીલ કરી છે. વધુમાં તેમણે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, વેપારીઓ બેકાર થઈ ગયા છે. લોકો ધંધા વગરના બેકાર બની ગયા છે. ખાનગીકરણના નામે દેશને વેચી દીધું છે.

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અમજદખાન પઠાણ,ભેમાભાઈ ચૌધરી, મહિલા પ્રમુખ ગોરિબેન દેસાઈ, શિલાબેન મેહતા અને કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર સહિત 500 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કાર્યકર્તાઓને શહેર કોટડા પોલીસ સ્ટેટન, કાલુપુર પોલીસ સ્ટેશન અને ઝોન 3ની કચેરી ખાતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

સુરતમાં પણ આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

મહિલાઓ પર થતા અત્યાચાર તેમજ દુષ્કર્મની ઘટનાને લઇ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ દેખાવો કર્યો હતો. સુરત શહેર પ્રભારી રામ ઘડુકે જણાવ્યું હતું કે, નારી તું નારાયણીવાળા ગુજરાતમાં નારી તું રોજ હણાયી જેવો ઘાટ સર્જાયો છે અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે તમામ પ્રકારના કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે. દુષ્કર્મના ભોગ તરીકે જ્યારે યુવાન બહેનો અને માતાઓની સાથે સાથે કુમળી વયની નિર્દોષ ફૂલ જેવી બાળકીઓ પણ પીખાઈ રહી છે અને તેઓનો અવાજ દબાવી દેવા હત્યાઓ પણ થઈ રહી છે, ત્યારે જરૂરી કડક કાયદા અને તેના અસરકારક અમલીકરણના અભાવે નિ:સહાય પ્રજાના આક્રોશનો બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.

રામ ઘડુકે વધુમાં જણાવ્યું હતું કે, સ્ત્રીઓનું વિવિધ પ્રકારે જાતીય શોષણ ગુજરાતમા સામાન્ય થઈ ગયું છે અને સાથે સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યાઓ જેવા ઘાતકી બનાવો બની રહયા છે, તેવા કપરા સંજોગોમાં બેજવાબદાર વિપક્ષની જેમ ગુજરાત રાજ્યની આંખ આડા કાન કરનારી કોંગ્રેસનુ સંવેદનાહીન બેદરકાર રાજકીય વલણ અનેક સવાલો ઉભા કરે છે. પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાને લઈને ભાજપની સુતેલી ગુજરાત સરકારને જગાડવા કટિબદ્ધ છે.

સુરત શહેર પ્રમુખ લક્ષ્મણભાઇ સુખડીયાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે કોરોના જેટલી જ ગંભીર મહામારી છે અને જેમ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં બન્યું, સાબરકાંઠાના હિંમતનગરના વિસ્તારમાં બન્યુ, જામનગરમાં બન્યું, ધ્રોલ વિસ્તારમાં બન્યું, વડોદરા જિલ્લામાં બન્યું તે આ ગાંધી સરદારના રાજ્ય માટે ઘૃણાસ્પદ ઘટના છે છતાં ગુજરાત સરકારના પેટનું પાણી પણ હલતું નથી.

પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાળીયાએ જણાવ્યુ હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય મળે તે માટે આહવાન આપી રહી છે. તે મુજબ 31.10.2020 ના રોજને રાજયસ્તરે દુષ્કર્મ વિરોધી દિન પ્રસ્થાપિત કરશે અને રાજયસ્તરે સરકારને આ બાબતે ગંભીર રીતે પગલાં લેવા માટે રૂપાણી સરકારને સૂચન કરશે.

ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં દુષ્કર્મ-છેડતીની 4 હજારથી વધારે ઘટના

મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોની સંખ્યા ઉત્તરપ્રદેશ કરતાં ગુજરાતમાં ભલે ઓછી હોય છતાં પણ રાજ્યમાં આ પ્રકારના અપરાધની સંખ્યા નાની નથી. ગુજરાત સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, 2014થી અત્યારસુધીમાં મહિલાઓની સતામણીની દર વરસે સરેરાશ 1400 ઘટના નોંધાય છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં જ દુષ્કર્મ અને છેડતીના 4 હજારથી વધુ બનાવો નોંધાઈ ચૂક્યા છે. 2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટના નોંધાય છે.

ગત માર્ચમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મની 2,723 ઘટના નોંધાઈ હતી, જેમાંથી 41 સામૂહિક દુષ્કર્મની ઘટના હતી, બીજી તરફ 20 સપ્ટેમ્બરે લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના પેન્ડિંગ કેસોની સંખ્યા 81,138 છે, જ્યારે પોસ્કો હેઠળ નોંધાયેલા પેન્ડિંગ કેસોની સંખ્યા 6,947 છે.

 90 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર