September 27, 2020
September 27, 2020

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં શામળિયાના દર્શન માટે ભક્તો ઉમટ્યા

ભગવાનના અલૌકિલ મનોહર રૂપને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા

દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઇ રહી છે. દેશભરના કૃષ્ણ મંદિરો ભવ્યાતિભવ્ય શણગારવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ભલે ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન સાક્ષાત નહીં કરી શકે. કોરોનાને કારણે ગુજરાતભરના મંદિરોમાં બંધબારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવામાં ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ રહ્યું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળી રહ્યો છે. 

તો બીજી તરફ, અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમીના પર્વને લઈને લોકો શામળિયા શેઠના દર્શન કરવા ઉમટ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે ભગવાનને સોનાના આભૂષણો સાથે વિવિધ શણગાર સજાવવામાં આવશે. મંગળા આરતી બાદ પંચમૂર્તનો અભિષેક કરી ભગવાનને સ્નાન કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે ભગવાનને આજે ખાસ રાજભોગ ધરવામાં આવશે. પરંતુ રાત્રે 8 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે. ભગવાનના અલૌકિલ મનોહર રૂપને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવી રહ્યા છે. પરંતુ દર વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા જેટલા જ ભક્તો જ દેખાયા છે. 

છેલ્લા 30 વર્ષ થી 60 કિલોમીટરથી પગપાળા સંઘ લઈને અનેક ભક્તો શામળાજી પહોંચ્યા છે. 51 ગજની ધજા શામળશા શેઠને ધરવામાં આવશે. કોરોનાના કારણે ભક્તોની સંખ્યામાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ પરંપરામાં કોઈ ઊણપ આવી નથી. શામળાજી મંદિરને અનેક રંગો સાથે રોશન કરાયું છે. કેળા અને આસોપાલવના તોરણ કરી મંદિરની સાજ-સજાવટ કરવામાં આવી છે. મંદિરને અંદરથી પણ લાઇટિંગ કરાયું છે. શામળાજી મંદિરના રોશનીના આકાશી દ્રશ્યો જુઓ તો મન પ્રસન્ન થઈ જાય.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર