માસ્ક ના પહેરનાર સામે કડક કાર્યવાહી કરવા DGPનો આદેશ, 1 હજાર દંડ વસુલો

DGP આશિષ ભાટિયાએ શહેરોના તમામ કમિશ્નર અને જિલ્લા એસપી આપ્યા કડક આદેશ

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરોને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીની તાકીદ. માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.1 હજાર દંડની વસુલાત કરવા આદેશ.

રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસઅધિક્ષકો અને પોલીસ કમિશનરોને તાકીદ કરી છે.

રસીકરણ છતા સ્થિતિ બેકાબુ, રેકોર્ડબ્રેક 2800થી વધુ નવા કેસ નોંધાયા

રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

અત્યાર સુધીમાં 62,30,249 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,64,347 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 69,94,796 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 3,71,055 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 32,624 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

 248 ,  3