.. જ્યારે મનમાં આવતી પંક્તિઓ થોરના પાન પર લાકડી વડે લખી રાખતા, સાહિત્ય ક્ષેત્રે ‘ખલીલ’ ગુમાવ્યો

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો

જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર, કવિ ખલીલ ધનતેજવીનું રવિવારે વહેલી સવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું છે. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યાર બાદ ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં એક કદી ન પુરાય તેવી ખોટ પડી છે. 

ખલીલ ધનતેજવીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું આ સમાચાર મળતા જ અનેક સાહિત્યપ્રેમીઓની આંખો ભીંજાઈ ગઈ છે અને તેમના ગળે ડૂમો બાઝ્યો છે. તેમનું સાચુ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું અને તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. ગામના નામ પરથી તેમણે ધનતેજવી અટક રાખી હતી.

સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા. તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. ખલીલભાઈએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.

2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો. એ પહેલાં 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 2003માં તેમને કલાપી પુરસ્કાર પણ અપાયો હતો.

ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારના કટાર લેખક હતા. રવિપૂર્તિમાં ખુલ્લાં બારણે ટકોરા કોલમ લખતાં હતા. બુધવારની શતદલ પૂર્તિમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામની કોલમમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા.

ખલીલ ધનતેજવી ખેતીકામમાં ખૂબ જ હોશિયાર હતા. તેઓ 3 લોકોનું આખા દિવસનું કામ એકલા જ ગણતરીના કલાકોમાં પૂરું કરી નાખતા હતા. તો વળી એક મિત્રએ મગફળીના ખેતરમાંથી ખાવા માટે મગફળીની ચોરી પણ સાથે કરતા હોવાની વાત કરી હતી. ખલીલ ધનતેજવી શરૂઆતના કાળમાં પોતાના મનમાં આવતી પંક્તિઓ થોરના પાન પર લાકડી વડે લખી રાખતા હતા. બાળપણમાં કવિ ખલીલના હાથમાં હંમેશા દાતરડું રહેતું હતું. કારણ કે તેમને ખેતી કામનો ભારે શોખ હતો. લેખકના હાથમાં કલમ હોવી જોઈએ, ત્યારે ખલીલ ધનતેજવી દાંતરડાથી કવિતાઓ લખતા.

તેમણે નુપૂર નામના સામયિકનું સંપાદન કર્યું અને પત્રકાર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. આ દરમિયાન તેઓ ફિલ્મી દુનિયાથી આકર્ષાયા હતા અને અશોક કુમાર, હેમામાલિની સહિતનાં કલાકારોનાં ઇન્ટર્વ્યૂ પણ લીધાં હતાં. વર્ષ 1975માં તેમણે ડોક્ટર રેખા નામની નવલકથા લખી અને ત્યારબાદ ફિલ્મ બનાવી હતી. તેમણે આ ફિલ્મ વિશે એકવાર કહ્યું હતું કે, ‘પહેલીવાર ગુજરાતી ફિલ્મોને ગામ-ગાડામાંથી બહાર કાઢીને જુદો વિષય વસ્તુ આપવાનો પ્રયાસ કર્યો હતો.’ ધનતેજ ગામ પ્રત્યે તેમનો લગાવ યથાવત્ રહ્યો હતો. તેમણે ત્યાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે પણ સઘન પ્રયાસો કર્યા હતા. તેઓ વર્ષ 2004માં ગુજરાત સરકારના કલાપિ પુરસ્કાર અને ત્યારબાદ નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત થયા હતા.

તેમણે લખેલી ગઝલ ‘અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હૂં, અપને ખેતો સે બીછડને કી સજા પાતા હૂં’ને મહાન ગઝલ ગાયક જગજિતસિંઘે અવાજ આપ્યો હતો. તેમણે સાદગી, સારાંશ, સૂર્યમુખી, સગપણ, સોપાન સહિતના 11 ગઝલ સંગ્રહો લખ્યા, જેના તમામના નામ ‘સ’ પરથી જ શરૂ થતા હતા.

 37 ,  1