September 23, 2021
September 23, 2021

દીદી ભારે ઉતાવળા..! તપાસ પંચ પણ નીમી દીધુ…પણ રિપોર્ટ ક્યારે..?

જસ્ટીસ લોકૂર- જસ્ટીસ ભટ્ટાચાર્ય કરશે જાસુસીકાંડની તપાસ

દીદીએ આપ્યું જાહેર આમંત્રણ-આવો અને ફરિયાદ કરો…

પેગાસસ માટે રાહુલે ચલાવી સાયકલ, સરરરરરર

તપાસ પંચનો રિપોર્ટ ક્યારે આવશે-2022 કે 2024 પહેલા..?

ચલો દેખતે હૈ કુણ કુણ કરે છે જાસુસીની ફરિયાદ…!!

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. પણ જીદે ચઢેલા બંગાળના મુખ્યમંત્રી મમતાદીદી એવા ઉતાવળા થયા છે કે જાણે કે આવતીકાલે જ લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમાં ભાજપને આમ ચપટી વગાડતાં હરાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષો તેમને હારતોરા કરીને વડાપ્રધાન બનાવી દેશે…! લેકિન ક્યા ઐસા હોગા…! વડાપ્રધાનપદના શમણાં જોવાની દરેકને છૂટ છે. બની શકે કે ઘાયલ વાઘણની જેમ મમતાદીદી પણ શમણાં જુએ તો કોઇને કાંઇ વાંધો નથી..

જે મુખ્ય મુદ્દે સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષો ચાલવા દેતા નથી એ કથિત પેગાસસ જાસુસી કાંડની તપાસ માટે મમતાદીદીની સરકારે પહેલ કરીને ભારત સરકારથી ઉપરવટ જઇને બે નિવૃત ન્યાયાધીશો- જસ્ટીસ લોકૂર અને જસ્ટીસ ભટ્ટાચાર્ય તપાસ પંચની સત્તાવાર નિમણૂંક કરીને દેશભરના, મુખ્ય મુખ્ય સમાચારોની જેમ મુખ્ય મુખ્ય અખબારોમાં અડધા પાનાની જાહેર ખબર આપીને જાહેર આમંત્રણ આપ્યું કે જે કોઇ આ જાસુસી કાંડનો ભોગ બન્યા હોય તો તેઓ કોલકાતા સ્થિત લોકૂર-ભટ્ટાચાર્ય તપાસ પંચ સમક્ષ એફિડેવિટ દ્વારા રજૂઆત કરી શકે છે…!

બંગાળમાં જે અગ્રણીઓના ટેલિફૂનને આંતરીને ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ દ્વારા જેમની જાસુસી કરવામાં આવી હોવાનું મિડિયા દ્વારા બહાર આવ્યું તેમાં મમતાદીદીના ભત્રીજા અભિષેક બેનર્જીનું નામ પણ હોવાનું કહેવાય છે. કોની કોની જાસુસી થઇ તેની કોઇ સત્તાવાર યાદી તો છે નહીં. બધુ જ અધ્ધરતાલ અને મિડિયાતાલ રિપોર્ટના આધારે છે એટલે શક્ય છે કે અભિષેક ઉપરાંત જેમની જાસુસી નથી થઇ એવા પોપાભાઇ જેવા નેતાઓ પણ તપાસ પંચ સમક્ષ જઇને, મારી પણ જાસુસી થઇ છે.. એવી એફિડેવિટ કરશે તો તેમને કોણ રોકશે..? તપાસ પંચ રિપોર્ટમાં એવા નેતાઓ અંગે એવી નોંધ કરી શકે કે તેઓ સંતોષજનક આધારપુરાવા આપી શક્યા નથી…! ઉપરાંત જાસુસી માટે જગવિખ્યાત ઇઝરાયલ અને તેના ફરજંદ સમાન પેગાસસ કંપની તો ખુલાસો આપશે નહીં કે ના..ના.. જેમની જાસુસી થઇ તેમાં રંજનઅધીરનું નામ નથી…!!

26 જુલાઇએ મમતાદીદીની સરકારે તપાસ માટે કોલકાતા ગેઝેટમાં જાહેરનામુ બહાર પાડ્યુ અને હવે સત્તાવાર અખબારી જાહેર નોટીસ બહાર પાડીને જાણે કે એવુ પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો હોય કે તેઓ કોઇને છેડતા નથી અને કોઇ તેમને (રાજકિય રીતે) છેડે તો તેઓ કોઇને છોડતા નથી…! લોકૂર-ભટ્ટાચાર્ય પેગાસસ તપાસ પંચનો રિપોર્ટ ક્યારે જાહેર કરાશે…? યુપીની ચૂંટણીઓ વખતે કે પછી 2024માં લોકસભાની ચૂંટણીઓ પહેલા..? ઘાયલ વાઘણને પૂછવાની હિંમત કોણ કરે..?!

મમતાદીદીની જેમ બીજા પણ 2024ની તૈયારીઓ કરી રહ્યાં છે. એક સમયે મમતાદીદીને કોંગ્રેસમાંથી હાંકી કાઢનાર કોંગ્રેસ હાઇકમાન્ડે 2024 માટે નવી દિલ્હીમાં મમતાદીદીને આવકારવા દરવાજે ઉભા રહ્યાં તે બતાવે છે કે રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન નથી અને કોઇ કાયમી દોસ્ત નથી. સગા દીઠા અહીં સૌ સ્વાર્થના….એ પંક્તિઓ યોગ્ય લાગૂ પડે છે…નહીંતર રાહુલ ગાંધીના દફતર પર આઇએ ચાય-નાસ્તા કરતે હૈ….ના આમંત્રણને માન આપીને 14 પાર્ટીના નેતાઓ શા માટે ભેગા થાય અને શા માટે તેમની સાથે સાયકલ રેલી યોજે..? કાલે ઉઠીને રાહુલબાબા વડાપ્રધાન બની જાહે તો…..? એવી કોઇ રાજકિય ગણતરી સાથે તેઓ પંજાની સાથે હોઇ શકે.

રાજકિય રીતે જોઇએ તો મમતાદીદી રાષ્ટ્રવ્યાપી ખેલા હોબે…ની તૈયારી માટે પેગાસસ જાસુસીનો દારૂગોળો તપાસ પંચ દ્વારા તૈયાર કરી રહ્યાં હોય અને ત્યારબાદ તેમાંથી એક એક મુદ્દો જાહેર કરતાં જાય તો કહ નહીં સકતે…અને કોઇને કાંઇ વાંધો નહીં..!

મમતાદીદી રાજકિય ઉપયોગ માટે પેગાસસરૂપી દારૂગોળો ભલે તૈયાર કરતી હોય, રાહુલબાબા અને અન્યો ભલે સાયકલ ચલાવે, કિસાનો ભલે જંતરમંતર પર સમાંતર સંસદ ચલાવે અને યુપીની ચૂંટણીઓ માટે 2022 સુધી આંદોલન કરે અને હજુ ઘણાં આંદોલનો ચાલે તો પણ તે બધુ જોઇને ભાજપના નેતા-કમ-ચરિત્ર અભિનેતા અનુપમ ખેર એમ કહે કે કુછ ભી કહે લો આયેગા તો મોદી હી…! તો તેમાં કોઇને શું કામ વાંધો હોવો જોઇએ..? ખેર, ખેરને પણ બોલવાનો અધિકાર છે જ.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાન્સ સહિત અન્ય કેટલાક દેશોમાં પણ ઇઝરાયલ બગ દ્વારા જાસુસી કરવામાં આવી હોવાના અહેવાલના પગલે ફ્રાન્સે પણ પેગાસસની તપાસ માટે કાર્યવાહી શરૂ કરી છે. બની શકે કે મમતાદીદીએ ફ્રાન્સમાંથી પ્રેરણા લઇને, હું શું કામ તપાસ ના કરી શકું….એવું કંઇક વિચારીને પેગાસસને તપાસના દાયરામાં લાવવાની પહેલ કરી કે પછી આ બેલ મુઝે માર…જેવુ તો નહીં થાય ને..?

મમતાદીદી હજુ ધારાસભ્ય બન્યા નથી. નંદીગ્રામમાં તેમના જ વિશ્વાસુ સુવેન્દુ અધિકારીએ તેમને ખૂબ ઓછા મતોથી હરાવ્યાં બાદ તેઓ મમતાદીદી પોતના જુના મતવિસ્તાર ભવાનીપુરથી પેટા ચૂંટણી લડવા માંગે છે. સીએમ થયાના 6 મહિનામાં તેમણે ધારાસભ્યપદે ચૂંટાવવુ પડે…નહીંતર સરકાર બર્ખાસ્ત…! અને ફરીથી સીએમપદના શપથ લેવા પડે અને આ બધા માટે રાજ્યપાલ ધનખડ મમતાદીદીની મરજી મુજબ ચાલે. ખરા..?

પેગાસસ મામલે બંગાળ સરકાર દ્વારા નિયુકત તપાસ પંચમાંથી શું અને ક્યારે તારણો અને કારણો નિકળે છે તે માટે વેઇટ એન્ડ વોચ….! ત્યાં સુધી રાહુલબાબા રૂ. 850માં રાંધણ ગેસના બાટલા વાળા પોસ્ટર સાથે ભલે સાયકલ ચલાવતા જાય અને મોજથી ગાતા જાય-સાયકલ મારી સરરર…જાય, ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય….!!

 53 ,  1