દીદી ખેલા હોબે..પણ ઐસા ખેલા નો હોબે..! આવો આરોપ આપણાં જવાનો પર..?

દીદીનો નવો ખેલ- સુરક્ષા જવાનો મહિલાઓની સાથે છેડછાડ કરે છે..

કૂચબિહારની રેલીમાં દીદીએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યાં..

દીદી ઉવાચ-ગરબડ કરનાર જવાનોને મહિલાઓ ઘેરાવ કરે..

ચૂંટણી પંચ તાબડતોડ દીદીનો જવાબ માંગે- પૂરાવા આપો..

આપણાં જવાનો કાંઇ રાજકિય આક્ષેપ માટેના રમકડાં નથી..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

સમગ્ર દેશના રાજકારણીઓની નજર કોરોના મહામારીમાં પણ જે રાજ્યની ચૂંટણીઓ પર રહેલી છે તે પ.બંગાળમાં 8 તબક્કામાંથી હજુ તો ત્રણ તબક્કા જ પૂરા થયા અને ચૂંટણીમાં સામ-સામે આરોપોએ જે વેગ પકડ્યો છે તે જોતાં હવેના મતદાનમાં મહિલાઓએ સીઆરપીએફના જવાનોનો ઘેરાવ કર્યો હોય અને જવાનો પર ગંભીર આરોપો લગાવ્યાં હોય તેવી ઘટનાઓથી ટીવી મિડિયામાં હોટ..હોટ..ડિબેટ સે ઇન્કાર નહીં કિયા જા સકતા.?

બંગાળની ચૂંટણીઓ લોહિયાળ હોય છે એ તો પૂરવાર થયુ જ છે. પણ હવે દેશમાં, બંગાળમાંથી એક નવો પ્રવાહ શરૂ થઇ શકે કે જેમાં મતદાન મથકોની સુરક્ષા માટે ફરજ પર મૂકાયેલા કેન્દ્રીય દળોના જવાનો પર ગંભીર આરોપો લાગી શકે. અને જો ચૂંટણીઓ જીતવા આવા આરોપો પર લગામ નહીં મૂકાય તો આજે બંગાળ અને પછી કાલે બીજા બિન-ભાજપી સરકાર હોય ત્યાં યોજાનાર ચૂંટણીઓમાં જવાનો પર આવા આરોપોની પરંપરા શરૂ થઇ જવાની ભીતિ છે. તેને રોકવાનું કામ ચૂંટણી પંચનું જ છે. કેમ કે ચૂંટણી પંચે બંગાળમાં ચૂંટણીઓની પ્રક્રિયા પાર પાડવા અને ભાજપ દ્વારા કરાયેલી માંગ તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના હિતમાં નિષ્પક્ષ અને ન્યાયી મતદાન માટે કેન્દ્રીય દળોની ટુકડીઓ મોટા પ્રમાણમાં તૈનાત કરી છે.

બંગાળમાં 294 બેઠકો માટે અંદાજે એક લાખ મતદાન મથકો નક્કી કર્યા છે. સંવેદનશીલ મથકોને બદલે લગભગ તમામ અને એક -એક મતદાન મથક પર પાંચ-પાંચ જવાનોની ટુકડીઓ સ્થાનિક પોલીસ અને હોમગાર્ડઝની સાથે મૂકી છે. 8 તબક્કામાં મતદાનની પાછળનો હેતુ પણ એ જ છે કે એક તબક્કામાં મતદાન પુરૂ થાય એટલે જવાનોની એ ટુકડીઓ બીજા તબક્કાના મતદાન મથકોમાં લઇ જઇને મૂકવી. ત્રણ તબક્કા પૂરા થયા છે અને 10મીએ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. તે પહેલા તો બંગાળના સીએમ મમતાદીદીએ ભાજપની સાથે હવે કેન્દ્રીય દળોના જવાનો પર ગંભીર આરોપો મૂક્યા છે…

કૂચ બિહાર વિસ્તારમાં એક ચૂંટણી સભાને સંબોધતા દીદીએ કહ્યું કે બંગાળમાં નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ભાજપની માંગ પ્રમાણે તૈનાત કેન્દ્રીય દળો-સીઆરપીએફ-ના જવાનો જ પક્ષપાત રાખીને ભાજપને મદદ કરી રહ્યાં છે, ટીએમસીના ગઢ સમાન વિસ્તારોમાં ટીએમસીના મતદારોને ભાજપના કાર્યકરોના ઇશારે જવાનો ધમકાવે છે, મતદાનના દિવસે તેમને મતદાનથી દૂર રાખે છે.

આ આરોપોની સાથે દીદીએ તેનાથી આગળ વધીને એવો ગંભીર આરોપ મૂક્યો છે કે આ જવાનો મહિલાઓની સાથે છેડછાડ કરે છે અને લોકોની સાથે મારપીટ કરે છે… દીદીએ કૂચબિહારની રેલીમાં મહિલાઓને એવી હાકલ કરી છે કે હવે પછીના મતદાન વખતે મહિલાઓ મતદાન મથકો પર આવા જવાનો પર નજર રાખે અને સહેજ પણ ગરબડ કરે તો તેનો ઘેરાવ કરીને હલ્લો મચાવી દેવો..!!

મમતાદીદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ સીઆરપીએફના અસલ જવાનોનું સન્માન કરે છે પણ ભાજપસીઆરપીએફના જવાનોનું નહીં, કે જેઓ બંગાળની ચૂંટણીઓમાં ઉપદ્રવ ફેલાવી રહ્યાં છે, મહિલાઓ પર હુમલાઓ કરે છે અને લોકોને પરેશાન કરે છે..! જો કે ભાજપે દીદીના આરોપોને વખોડી કાઢીને જવાનો પરના આરોપોને દેશવિરોધી બતાવ્યાં છે.

ચૂંટણીઓમાં સામ- સામે આરોપો અને બંગાળમાં તો સામ-સામે હત્યાઓ થઇ રહી છે પણ જેમને નિષ્પક્ષ ચૂંટણી અને મતદાનની જવાબદારી સોંપવામાં આવી હોય તે કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનો પર આ રીતે એક રાજ્યના સીએમ દ્વારા લગાવવામાં આવેલા આરોપો યોગ્ય નથી. આ જવાનો કાંઇ કાયમ માટે બંગાળમાં રહેવાના નથી. ચૂંટણીઓ પતી એટલે પાછા બેરેકમાં અથવા અન્ય જે ફરજ સોંપવામાં આવે તેમાં જોડાઇ જાય. તેમને બંગાળમાં કોની સરકાર બને અને કોની ના બને તેની સાથે ક્યા લેના ઔર ક્યા દેના. જવાનો તો સાધુની જેમ ચલતા ભલા..છે. તેમની ડ્યુટી બદલાતી રહે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં….તેથી તેમના ઉપર આરોપો અને તે પણ મહિલાઓની સાથે છેડછાડના આરોપો લગાવવા, દીદી આ ઠીક નથી. શું આવા આક્ષેપો પોરિબોર્તન..ની નિશાની તો નથી ને..એમ પણ ભાજપના કોઇ કાર્યકર કહી શકે.

આક્ષેપો અને આરોપો વગર નિષ્પક્ષ ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચની છે. પંચે સીએમ મમતાદીદી પાસેથી ખુલાસો માંગવો જોઇએ કે ક્યા જવાને કઇ મહિલાની ક્યાં છેડતી કરી અને સમગ્ર બનાવ શું છે..? જો તેમાં સત્ય હોય તો તપાસ થવી જોઇએ અને આરોપ ખોટા હોય તો ટીએમસી પક્ષની માન્યતા જ રદ્દ કરી નાંખવી જોઇએ. આપણાં સુરક્ષા જવાનો પર મહિલાઓ સાથેની છેડછાડનો આરોપ ખૂબજ ગંભીર છે. તેના ઉંડાણમાં જવાની જરૂર છે. જેથી ભવિષ્યમાં કોઇ રાજકિય પક્ષ દ્વારા જવાનોની સામે આવા આરોપો લગાવવાની હિંમત ના કરે.પંચ ટીએમસીના આવા આક્ષેપોને રાજકિય આક્ષેપ માનીને ખુલાસો નહીં માંગે તો ચૂંટણીઓમાં થતાં સામાન્ય આક્ષેપોમાં ત્યારબાદ કેન્દ્રીય દળના જવાનોને પણ નિશાન બનાવવામાં આવી શકે.વાત ક્યાં જઇને અટકશે..?

મામલા ગરબડ નહીં, સંગીન હૈ..સંગીન કે સાયે મેં દેશ કી રક્ષા કરનેવાલે જવાન પર લાંછન કા મામલા હૈ…! જનાબ…ઇસે હલ્કે ના લે કોઇ…સન્માનનીય ચુનાવ આયુક્તજી, દીદી સે પૂછીએ કી વહ સબૂત પેશ કરે ચુનાવ આયુક્ત કે સામને.. અન્યથા ગલત જાનકારી કે લિયે મુઆફી માંગે..!! તો કબ જા રહી હૈ આયુક્ત કી ચિઠ્ઠી દીદી કો..?

-દિનેશ રાજપૂત

 44 ,  1