પત્ની સાથે મનમેળ નથી છુટાછેડા લેવા 45 દિવસના જામીન આપો- કેદીની રજૂઆત

કોર્ટે પાંચ વર્ષથી જેલમાં બંધ કેદની વચગાળાની જામીન અરજી ફગાવી

પત્નીએ ભરણ પોષણ કે છુટાછેડા માટે કાયદેસરની પ્રક્રિયા કરી નથી- કોર્ટનું અવલોકન

જેલમાં બંધ કેદીઓ અવનવા કારણો મુકી જામીન મેળવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે છેલ્લાં પાંચ વર્ષથી જેલમાં બંધ આરોપીએ પત્ની સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લેવા માટે 45 દિવસના જામીન માગતી અરજી કોર્ટમાં કરી હતી. જો કે, કોર્ટે તે અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે, પત્નીએ ભરણ પોષણ કે છુટાછેડા માટે કાયદેસરની પ્રક્રિયા કરી નથી ઉપરાંત આરોપી અગાઉ પણ પેરોલ જમ્પ કરી પલાયન થઇ ગયો હતો ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

વટવામાં વર્ષ 2015માં હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કિરણ ઉર્ફે કરણ જગદીશભાઇ મકવાણાએ છુટાછેડા લેવા માટે 45 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું છેલ્લા 67 મહિનાથી સાબરમતી જેલમાં છું, મારા પિતાનું વર્ષ 2004માં અવસાન થઇ ગયું છે, મારા વિધવા માતા 57 વર્ષના છે. મારી ધરપકડ થઇ ત્યારથી (છેલ્લાં પાંચ વર્ષથી) મારી પત્ની મારા બે બાળકોને લઇ પોતાના પિતાના ત્યાં જતી રહી છે. મારી પત્ની સાથે અગાઉ ઝઘડો થયો હતો. હું જેલમાં ગયો ત્યારથી મારી પત્ની સાસરે પરત આવવાની ના પાડે છે. હું પાચ વર્ષથી જેલમાં છુ અને હજુ મારા કેસની ટ્રાયલ ચાલે તેમ નથી, હું મારી અને મારી પત્ની રાજીખુશીથી અલગ થવા માંગીએ છીએ, જેમાં બાળકોનો પણ વિચાર કરવામાં આવ્યો છે, જેથી અમે છુટાછેડા લેવાનું નક્કી કર્યું છે, જેથી કોર્ટ 45 દિવસના જામીન આપવા જોઇએ.

જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ નિલેષ લોધાએ એવી દલીલ કરી હતી કે, આરોપી હત્યા જેવા ગંભી કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે, અગાઉ આરોપીને પેરોલ મળ્યા ત્યારે તે પેરોલ જપ્મ પકરી પલાયન થઇ ગયો હતો, આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો ત્યારે તે ઝડપાયો હતો અને પછી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે, આરોપી ખોટી રીતે જામીન માગી રહ્યો છે. ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર