September 19, 2021
September 19, 2021

નીતિન પટેલ અને CMની ખુરશી વચ્ચે અણબનાવ…આ વખતે પણ..

ની.પ. ઉવાચ, હું એકલો નથી રહી ગયો ભલભલા રહી ગયા..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો છે. વિજય રૂપાણીની જગ્યાએ પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આજે બપોરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જોકે મુખ્યમંત્રીના પદ પરથી રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ચાલી રહ્યું હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગ્યા બાદ ફરી એક વખત તેમને નિરાશ થવું પડ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં નીતિન પટેલનું રાજકીય ભવિષ્ય શું હશે?

ગુજરાતના રાજકારણમાં નીતિન પટેલનું નામ પાટીદાર સમાજના સૌથી મોટા નેતા તરીકે આવે છે. તેના કારણે બે વખત સીએમ બનાવવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ તેમને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ આ વખતે પણ નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં ચાલી રહ્યું હતું, પરંતુ ભાજપે તેમના પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લગાવી છે. તેના કારણે નીતિન પટેલની ડેપ્યુટી સીએમની ખુરશી પર ખતરો મંડરાય રહ્યો છે તેવું માનવામાં આવે છે.

ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ મુખ્યમંત્રી બનવાનુ સ્વપ્ન ત્રીજી વખત રોળાઈ છે.

આ પહેલા મુખ્યમંત્રી તરીકેના દાવેદારોમાં જેમના નામ ચર્ચાતા હતા તેમાં નીતિન પટેલના નામનો પણ સમાવેશ થયો હતો. જોકે હાઈકમાન્ડે ફરી વખત એક આશ્ચર્યજનક ચહેરાની પસંદગી કરી છે.

અગાઉ પણ બે વખત તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ હતા. જોકે ભાજપે આ વખતે પણ તેમની જગ્યાએ બીજા નેતાની પસંદગી કરી હોવાથી હવે તેમની આગળની કેરિયર પણ સવાલો સર્જાયા છે.

2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે પણ નીતિન પટેલનુ નામ ચર્ચામાં રહ્યુ હતુ. જોકે તે સમયે આનંદીબેન પટેલ સીએમ બન્યા હતા. એ પછી આનંદીબેને પટેલે પાટીદાર આંદોલનના પગલે 2016માં રાજીનામુ આપ્યુ ત્યારે ફરી નીતિન પટેલનુ નામ મુખ્યમંત્રીપદના દાવેદારોમાં બોલાતુ થયુ હતુ. જોકે તે સમયે પણ અમિત શાહની પસંદગી મનાતા વિજય રૂપાણીને સીએમ બનાવાયા હતા અને તેના પગલે નીતિન પટેલ નારાજ થયા હતા. આખરે પાર્ટીએ તેમને ડેપ્યુટી સીએમનો હોદ્દો આપ્યો હતો.

જોકે હવે જ્યારે ફરી મુખ્યમંત્રી પદની ખુરશી ખાલી પડી હતી ત્યારે પણ તેમની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીપદની ખુરશી સોંપાઈ છે.

 39 ,  1