સાવલીના પિલોલ ગામમાં ગરબા રમવા બાબતે દલિત પરિવાર સાથે ભેદભાવ, ચારની ધરપકડ

મંત્રી પ્રદીપ પરમારે ઘટનાની લીધી ગંભીર નોંધ

વડોદરા જિલ્લાના સાવલીના પિલોલ ગામે ગત રાત્રિના સમયે માતાજીના મંદિર ચોકમાં ગરબા રમવા બાબતે બબાલ થઇ હતી. આ ગામમાં ગરબા રમતાં દલિત સમાજની મહિલાઓને ગરબા રમતાં રોકવામાં આવી હતી. નવરાત્રીમાં ગામના ગરબે રમતી દલિત સમાજની મહિલાઓને કાઢી મૂકી ગરબા નહિ રમવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમારા સમાજના ગરબામાં ગરબા રમાય નહિ તેમ કહી ઝઘડો કર્યાનો આક્ષેપ કરાયો હતો. નોંધનીય છે કે, આ બનાવ બાદ, ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. જે બાદ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઘટના બાદ મંત્રી પ્રદીપ પરમારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સાવલીમાં જે બનાવ બન્યો તે અત્યંત ધૃણાસ્પદ હતો. તેમણે કહ્યું હતું કે, સમાજમાં આવી ઘટનાઓ ન બનવી જોઇએ, વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફરી વખત આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે એક કમિટીની રચના કરવામાં આવશે.

સાવલી પોલીસ મથકમાં વિનોદ મોહનભાઈ હરિજને(રહે.પીલોલ, તા.સાવલી) આ અંગેની ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, પીલોલ ગામના ચોકમાં સામૂહિક ગરબાનું આયોજન થાય છે. જેમાં ત્રીજા નોરતાએ મારા ભત્રીજાની પત્ની પદ્માબેન યોગેશભાઈ હરિજન તેમજ તેમની ભત્રીજી તૃપ્તિ (રહે.પીલોલ,તા.સાવલી) ગરબા રમવા ગયા હતાં. તે સમયે હું પોતે પણ ગરબા જોવા માટે ગયો હતો. મારા ભત્રીજાની પત્ની પદ્માબેન અને તૃપ્તિનો ગરબાનો એક રાઉન્ડ પૂરો થયા બાદ હોબાળો મચ્યો હતો. આ બંને સાથે ગરબા રમતા તારા લાલાભાઇ પરમાર નામની મહિલાએ પદ્મા અને તૃપ્તિને ગરબા રમતી જોઈને કહ્યુ હતું કે, તમારાથી અમારી સાથે ગરબા ન રમાય.

જેથી બંને જણા ગરબાના રાઉન્ડમાંથી બહાર નીકળી રડવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ગામના સરપંચને બૂમ પાડી પણ તેમણે સાંભળી ન હતી. ત્યારબાદ છત્રસિંહ પરમાર, ભુવાજી તેમજ મુકેશભાઈ પરમાર અને લાલજીભાઈ સનાભાઇ પરમાર મારી પાસે આવીને જાતિ વિશે અપશબ્દોનો ઉલ્લેખ કરી બહુ ફાટી ગયા છો, તમારા બૈરી છોકરાઓ અમારા સમાજ સાથે ગરબા નહીં રમી શકે તેમ કહીને ઝઘડો પણ કર્યો હતો.

આ બનાવ અંગે તૃપ્તિની માતાના જણાવ્યા પ્રમાણે, તેમની દીકરીને ધક્કો મારીને અને પદ્માબેનને હાથ પકડીને ગરબા રમતા રમતા બહાર કાઢ્યા હતા. બંને જણા ગરબાના રાઉન્ડમાંથી બહાર નીકળી રડવા લાગ્યા હતા.

આ બનાવની ફરિયાદ સાવલી પોલીસ મથકે થતા સાવલી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટિ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે સાવલી પોલીસ મથકે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાવલી દોડી આવ્યા હતાં. બનાવના ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આવ્યો છે.

પિલોલ ગામની શરમજનક ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ કરી લીધી છે. મંજુસર ગામેથી છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર અને લાલજી પરમારની ધરપકડ કરી લીધી છે. જોકે, ચોથો આરોપી પોલીસ પકડથી દૂર હતો જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી