વ્યથા : અચ્છા સિલા મિલા મુઝે મેરે કામ કા…

કોરોનાકાળમાં જાનના જોખમે ફરજ બજાવી બદલામાં..

અમાદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરાર આધારિત મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા આરોગ્ય કર્મીઓને 1 ડિસેમ્બરની તાત્કાલિક અસરથી છૂટ્ટા કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના આ પગલાથી હજારો આરોગ્યકર્મીઓ રસ્તા પર ઉતરી આંદોલન કરી રહ્યા છે. ત્યારે એક મહિલાની વેદના સાંળરતા પથ્થર દિલ પણ પિગળી જાય, પરંતુ તંત્રના પેટનું પાણી હલતુ નથી. કોરોનાકાળમાં દર્દીઓની સેવા બજાવતા દરમિયાન પોતાના પુત્રને પણ ખોયો હતો. જો કે અચાનક જ છૂટા કરી દેવતા ભારે લાગણી સાથે તંત્ર સામે રોષા ઠાલવ્યો છે.

નરોડા વિસ્તારમાં રહેતા 46 વર્ષના પાર્વતી લશ્કરી જેઓ અમાદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરારઆધારિત મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. તેમના દીકરાએ ગત વર્ષે 10 જૂનના રોજ કોરોનાથી પોતાની માતાની સુરક્ષાના ભયને કારણે આત્મહત્યા કરી લીધી હતી. જોકે તેમના જેવા અનેક હેલ્થ વર્કર્સને કોર્પોરેશન દ્વારા 1 ડિસેમ્બરથી અચાનક જ છૂટા કરી દેવામાં આવ્યા છે.

પાર્વતી લશ્કરીએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના જ્યારે આપણે ત્યાં વકર્યો હતો તે સમયે હું જ્યારે પણ ઘરની બહાર પગ મૂકતી ત્યારે મારો 16 વર્ષનો દીકરો દરરોજ એક જ વાત કરતો. મમ્મી તમે ન જાવ, જો તમને કંઈ થઈ જશે તો અમારું કોણ? પરંતુ હું મારી ફરજ નિભાવવા માટે દરરોજ જતી. મે સેંકડો લોકોને ખતનાક કોરોનાથી બચાવ્યા પરંતુ આ જ કોરોનાના કારણે મારા દીકરાને ગુમાવ્યો. 

લશ્કરીએ કહ્યું કે, ‘મારો દીકરો ઈંગ્લિશ મીડિયમમાં ધો. 10માં અભ્યાસ કરતો હતો અને તે મોટો થઈને ભારતીય એરફોર્સમાં પાઇલટ બનવા માગતો હતો. અમે તેને લઈને ઘણા સપના જોયા હતા.’ તેમણે ઉમેર્યું કે મને તો ક્યારેય ખ્યાલ જ ન રહ્યો કે વાયરસનો ડર મારા દીકરાના મન અને મગજ પર એવો સવાર થઈ ગયો હશે કે તે આવું પગલું ભરી લેશે. પાર્વતીબેન લશ્કરીના પતિ ભાવિન લશ્કરી કે જેઓ એક પ્રાઈવેટ કંપનીમાં એચઆર વિભાગમાં કામ કરે છે. તેમની 19 વર્ષની દીકરી અભ્યાસ કરે છે અને આગળ તે એર હોસ્ટેસ બનવા માગે છે.

ગત વર્ષે જૂન મહિનામાં તેમના પરિવારે વ્હાલસોયા દીકરાને ખોયા બાદ પણ લશ્કરી સતત તેમની ફરજ બજાવતા રહ્યા. તેમણે કહ્યું કે વ્યક્તિગત જીવનમાં મારા દીકરાને ગુમાવ્યા બાદ પણ મે ફરજ પ્રત્યે જરા પણ બેદરકારી દાખવી નથી અને અત્યાર સુધી મને જ્યાં નિમણુક કરાઈ છે તે ઠક્કરનગર વિસ્તારમાં લોકોને વેક્સીન આપવી, કલાકો પીપીઈ કીટ પહેરીને કોવિડ ટેસ્ટિંગ કરવું અને જે લોકો કોરોના પોઝિટિવ આવે તેમનું કાઉન્સેલિંગ કરવા સહિતની દરેક ફરજ મે નિભાવી છે.

લશ્કરીએ કહ્યું કે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કોર્પોરેશનના નિર્ણયથી મારા જેવા સેંકડો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને આ રીતે છૂટા કરી દેવાતા મારા મનમાં વિષાદ છે. હવે હું પોતાના મનમાં જ સવાલ પૂછતી થઈ ગઈ છું કે શા માટે મે મારા પરિવાર અને મારા વિશે ન વિચાર્યું અને સમાજ તેમજ સોસાયટી માટે મારું બધુ બલિદાન કરવા તૈયાર થઈ ગઈ. લશ્કરીએ કહ્યું કે ‘શું આ રીતે તમે એવા લોકોને વળતર આપશો જેઓ દિવસ રાત જોયા વગર સમાજના ભલા માટે પહેલી હરોળમાં ઉભા રહે છે? અમારામાંથી દરેક વ્યક્તિએ આ કામ એટલા માટે પસંદ નથી કર્યું કે તે અમારી મજબૂરી હતી. પરંતુ આ અમે સમાજ પ્રત્યે પોતાની ફરજ સમજતા હતા. આ કામમાં અમને પગાર પેટે રુ. 10 હજાર મળતા હતા. અમારામાંથી કોઈપણ અન્ય બીજા કામ કરીને પણ આટલા રુપિયા તો સહેલાઈથી કમાઈ શક્યું હોત, પરંતુ અમે આ કામ પસંદ કર્યું. આ અમારી નિષ્ઠાપૂર્ણ સેવાની સામે દગા જેવું કામ કોર્પોરેશને કર્યું છે.’

લશ્કરી પણ ગત 30 નવેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ દેખાવ કરી રહેલા આરોગ્યકર્મીઓ પૈકી એક છે. દેખાવાના બીજા દિવસે પણ દાણાપીઠમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય બિલ્ડિંગ ખાતે આરોગ્યકર્મીઓએ પોતાનું આદોલન ચાલુ રાખ્યુ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી