અસારવા વોર્ડમાં અસંતોષ, ભાજપ પર ઠાલવ્યો રોષ

બુટલેગરના પરિવારજનોને ટિકિટ અપાતા વિરોધના વંટોળ

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ યોજાનારી છ મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લા દિવસે ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે પડાપડી કરી હતી. અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોનાં મળી 800થી વધુ ફોર્મ ભરાયાં છે. જે ઉમેદવારોને ફોર્મ ભરવાનાં બાકી છે તેમને ટોકન આપી લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થતાં જ ભાજપ અને કોંગ્રેસમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ભાજપે જાહેર કરેલી અમદાવાદની યાદી બાદ ઠેર ઠેર વિરોધનો વંટોળ શરુ થઇ ગયો છે. ખાસ કરીને અસારવામાં તો સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ઉગ્ર રોષ પક્ષના કાર્યકરોમાં ભભૂકી રહ્યો છે કારણ કે અનામત વિધાનસભા બેઠક અસારવામાં આવતા બે વોર્ડ અસારવા અને શાહીબાગમાં ભાજપે અનુસુચિત જાતિની સંપૂર્ણ બાદબાકી કરી છે. જેના લીધે અનુસુચિત જાતિના કાર્યકરો અત્યારે મતવિસ્તારમાં લોકોની આકરી બોલીઓનો સામનો કરી રહ્યા છે.

ભાજપે ગુરુવારે મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.જેમાં વિધાનસભાની અનામત બેઠક અસારવા અંતર્ગત આવતા સાતથી આઠ વોર્ડ પૈકી મોટાભાગના વોર્ડમાં જાહેર થયેલા ઉમેદવારો અંગે સ્થાનિક લોકોમાં તેમજ પક્ષમાં પણ વિરોધ વંટોળ શરુ થઇ ગયો છે. અસારવા વિધાનસભા અંતર્ગત બે આખા વોર્ડ અસારવા અને શાહીબાગમાં ઉમેદવારોની પસંદગીમાં અનુસુચિત જાતિની સંપૂર્ણ બાદબાકી કરવામાં આવી હોવાથી પક્ષના કાર્યકરો જ રોષે ભરાયા છે. એક સ્થાનિક કાર્યકરે કહ્યું હતું કે અસારવામાં ધારાસભ્ય અનુસુચિત જાતિના પ્રદીપ પરમાર છે અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા છે જેઓ પણ બે ટર્મ અસારવાના ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્યારે જ બંને વોર્ડમાં અનુસુચિત જાતિની અવગણના કરવામાં આવી હોવાથી નુકશાન પક્ષને સહન કરવું પડશે.

જયારે એક સામાન્ય વર્ગના કાર્યકરે કહ્યું હતું કે અસારવા અને શાહીબાગમાં પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં અનુસ્ચિત જાતિની બાદબાકી કરવામાં આવી છે જયારે અસારવા વોર્ડમાં અનુસુચિત જાતિના અંદાજે ૧૮૦૦૦થી વધારે મતદારો છે અને શાહીબાગ વોર્ડમાં ૨૦૦૦૦થી વધારે મતદારો છે. જેમની અવગણના પક્ષને પરિણામમાં જોવા મળી શકે છે.
એક અનુસુચિત જાતિના હોદેદારે તો નામ ના આપવાની શરતે કહ્યું હતું કે બંને વોર્ડમાં એક પણ અનુસુચિત જાતિનો ઉમેદવાર પસંદ કરવામાં ના આવતા સ્થાનિક લોકો હવે અત્યારથી જ અમને વિવિધ બોલીઓ કરી ચીડાવી રહ્યા છે અને હવે મત માંગવા કેવી રીતે જવું આ લોકો પાસે
આ ઉપરાંત અસારવા વિધાનસભા અંતર્ગત આવતા ઇન્ડિયા કોલોની અને અસારવા વોર્ડમાં બે ટીકીટ તો બુટલેગરના પરિવારજનોને આપવામાં આવી છે જેનો પણ પક્ષમાં અને સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ છે.

અસારવા વોર્ડમાં સ્થાનિક ઠાકોર બુટલેગરના ખાસ વિશ્વાસુને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. જયારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં બુટલેગરની પત્નીને જ ટીકીટ આપવામાં આવી હોવાથી ખાનપુર કાર્યાલય ખાતે સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના લીધે ગાંધીનગરથી ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાને પણ દોડી આવવું પડયું હતું. તેમણે વિરોધ અંગે શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને પ્રભારી આઈ કે જાડેજા સાથે બંધ બારણે બેઠક કરીને થઇ રહેલા વિરોધ અંગે માહિતી મેળવી હતી.

 153 ,  1