દિવાલી- એક વો ગમવાલી…એક યે રોનકવાલી…

લોકડાઉન-લોક-અનલોક…અનલોક..અને લોકો બજારમાં..!

સ્માર્ટ ફોન આવ્યાં બાદ હેપ્પી દિવાળી કાર્ડ ભૂલાયા..

ટેકનોલોજીએ વાર-તહેવારો પર કબ્જો લઇ લીધો..

સાલ મુબારક..નું સ્થાન નૂતન વર્ષાભિનંદને લીધુ..

ગૂગલિયા યુગમાં દિ વાળે એ દિવાળી…ઉજવીએ…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ..
ઉજડા હુવા ગુલશન હૈ, રોતા હુવા માલી હૈ..

હિન્દી ફિલ્મોમાં હોળીને લઇને જેટલા ગીતો છે એટલા ગીતો દિપોત્સવી પર્વ એટલે દિવાળી પર જોવા મળતા નથી. 1961માં રજૂ થયેલ ફિલ્મ નજરાનામાં રાજકપૂરે એક વો ભી દિવાલી થી,….નું ગીત આપ્યું હતું. જેમાં તેમણે દિવાળીના દર્દને રજૂ કર્યું છે. અલબત રાજકપૂરનો દર્દ પ્રેમનો જ હોય…બીજુ તો શું હોય…!

દિવાળી એટલે તહેવારોનો સમૂહ. વાઘબારસથી શરૂ થઇને લાભ પાંચમ સુધી એક પછી એક તહેવારો ઉજવાતા જાય અને લોકોના મન હરખાતાં જાય….ધનતેરસે ધન અને આયુર્વેદના પ્રણેતા ધનવન્તરીનું પૂજન. કાળી ચૌદશે તંત્રમંત્ર બ્લેક મેજીક અને એવુ બધુ. અને બીજો દિવસ એટલે દિવાળી. જેની સૌ કોઇ વર્ષમાં રાહ જોતા હોય છે. ઘર-પરિવાર, વેપાર-ધંધોમાં ઘણાં શુભ કાર્યો દિવાળી પર રાખતાં હોય છે.

ફરી રાજકપૂરના ગીતને યાદ કરીએ પણ દર્દભરી દિવાળી માટે નહીં… પરંતુ એમ કહીએ કે એક વો ભી દિવાલી થી એટલે ગયા વર્ષની.. કોરોના (કોઇ રોડ પર ના જોઇએઃ)…લોકડાઉન.. અનલોક…અનલોક…અનલોક.. અને પછી બીજી લહેર બાદ એવુ અનલોક થયું કે આ દિવાળીએ બજારમાં ભીડ જોઇએ તો એમ થાય હેં …કોરોનામાં આટલી બધી ભીડ..? પણ સરકારે ધીમે ધીમે સ્થિતિ સંભાળીને નિયંત્રણમાં લીધી છે. અને દેશવાસીઓ પણ એક વોભી દિવાલી થી કોરોનાવાલી…એક યે ભી દિવાલી હૈ રોનકવાલી…માં મહાલી રહ્યાં છે….

દિવાળીનું ધાર્મિક મહત્વ એ છે કે ભગવાન શ્રીરામ લંકેશને હણીને સીતામાતાને છોડાવી લંકાથી પુષ્પક વિમાન બેસીને વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમના સુસ્વાગતમ માટે ઘરોની બહાર દિપમાળાઓની હારમાળાઓ પ્રગટાવીને શ્રીરામ અને સીતામાતા અને ભાઇ લક્ષ્મણને ભાવભીનો ઉમળકાભેર આવકાર આપ્યો ત્યારથી ભારતવર્ષમાં દિવાળી ઉજવાય છે.અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં હમણાં જ દિપોત્સવીના દિવડા પ્રગટાવવામાં આવ્યાં પણ તેમાં ત્યાં રહેતા ભારતવાસીઓને સારૂ લાગે એટલા માટે..! રાષ્ટ્રપતિ જો બાઇડન ફૂદરડી સળગાવીને તેની ઉપર કૂદાકૂદ કરે તો માનીએ કે તેમને ભારત પ્રત્યે અપાર પ્રેમ છે.,..!

તહેવારોની ધન્યતા જુઓ- હોળીનો તહેવાર યુગપુરૂષ ભગવાનશ્રી કૃષ્ણના જીવનની સાથે વણાયેલો છે તો દિવાળી-દિપોત્સવી પર્વ ભગવાન શ્રી રામના જીવનની સાથે. કાનુડાની વ્રજની હોળી જગવિખ્યાત છે. હોળીમાં તો હજુ મીઠી મસ્તી-મજાક અને અમિતાભનું રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે…વણાયેલુ છે પણ દિવાળી એટલે.? ધીર ગંભીર…પરિપક્વતા દર્શાવવી પડે. કોઇ હલ્લાગુલ્લા vurx, હાં ફટાકડાના ધૂમધડાકા સંભળાય, પણ હોળી જેવું તો નહીં જ. દિવાળીમાં ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરવાની પરંપરા હતી. ઇસ્ત્રીવાળાને ત્યાં લાઇન લાગે કાં ઘમાં ઉભા ઉભા ઇસ્ત્રી કરાવીને લઇ જાય….હવે તો કોઇ ઇસ્ત્રીટાઇટ કપડાં ભાગ્યે જ પહેરે છે, કરચલીવાળા વસ્ત્રોની સાથે ફાટેલી જિન્સની ફેશન છે..! જિન્સની નવીનક્કોર પેન્ટ મસ્ત રીતે જેટલી વધારે ફાટેલી હોય એટલી એની કિંમત વધારે…! અને લોકો હોંશે હોંશે ખરીદીને પહેરીને મ્હાલે…

હવે તો દિવાળીની શુભેચ્છા મોબાઇલ દ્વારા મોકલી આપવાની પરંપરા છે અને ગુજરાતી હોય તો હરવા ફરવા નિકળી પડે..દિવાળી પર્વ ઘરે નહીં પણ ઘરની બહાર ઉજવે…અને આબુ વગેરે.માં જાય તો ત્યાં કોઇને કોઇ ઓળખીતા મળી જ જાય અને ત્યાં જ કહી દે-સાલ મુબારક…આ વખતે ટુરીસ્ટ બજાર ખુલતા ગુજરાતીઓના હરવા ફરવાના હોટ ફેવરીટ સ્થળોનું બુકીંગ હાઉસફૂલ…ત્યાંથી આવ્યાં બાદ હેમખેમ રહે તો હરિ…હરિ…નહીંતર તો કહેવુ પડે-કોરોના તે તો ભારે કરી…!! સાલ મુબારક શબ્દ હવે ઓછો વપરાય છે. સાલ મુબારક મૂળ પારસી શબ્દ છે. પણ તેને અન્ય ધર્મી માનીને હવે “નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ” કહે છે અથવા મેસેજમાં “નૂતન વર્ષાભિનંદન….”લખે છે.

વર્તમાન મોબાઇલ યુગ પહેલાં દિવાળી કાર્ડ લખવાની સુપ્રથા હતી. બજારમાં જઇને પોતાના સ્નેહીજન અને મિત્રવર્તુળમાં કોની સાથે કેટલી નિકટતા છે એ પ્રમાણે અને એ ભાવ પ્રમાણેના દિવાળી કાર્ડ હોંશે હોંશે ખરીદીને મરોડદાર અક્ષરોમાં લખીને કે લખાવીને નજીકની લાલરંગની ટપાલ પેટીમાં જાતે નાંખવા જાય.,.! સ્માર્ટ મોબાઇલ ફોન આવ્યાં બાદ- દિવાળી કાર્ડ સહિત વિવિધ શુભેચ્છા કાર્ડ લખવાની પ્રથા અને ચલણ બંધ..કેમેરો વસાવવાનું બંધ…કાંડા ઘડિયાળ ફરજિયાત પહેકવાનું બંધ..રેડિયો –ટ્રાન્ઝીસ્ટર વસાવવાનું બંધ…નિરાંતે બેસીને પત્રો લખવાનું બંધ…ઉભા ઉભા ફોનમાં ફટાફટ મેસેજ આપવાનું શરૂ થયું..વોટ્સએપ આવ્યાં બાદ મોબાઇલમાં ટેક્સ મેસેજ લખવાનું ચલણ અને વલણ ઘટી ગયું…રૂબરૂ મળવા ન જવાનું હોય તો કરો વિડિયો કોલ…હાય…કેમ છો….શું બનાવ્યું…શાકમાં શું બનાવ્યું…ખાખરા-મઠિયા બનાવ્યાં કે નહીં…ઘરમાં કોણ કોણ છે…અને મોબાઇલ ફોન ઘર આખામાં ફર..ફર..ફરે…! રૂબરૂ મળ્યાતુલ્ય સમજીને વાતો કરીને દિવસ પસાર…

ટેકનોલોજીએ માનવીના વાર-તહેવારો પર નિયંત્રણ લઇ લીધુ છે. તેમાં વળી સોશ્યલ મિડિયાએ તો દાટ વાળ્યો છે. ઘરમાં કોઇ નવી વાનગી યુટ્યુબમાં જોઇને બનાવી હોય પછી એ જ વાનગી યુટ્યુબ પર મૂકે…! ઇન્સ્ટા પર ફેરવે..! અને ફેસ વગરના ફેસબુકમાં ફર…ફર… કર્યા કરે. અને હવે તો ઝુકરબર્ગે ફેસબુકનું નામ બદલીને મેટા રાખ્યું છે. પપ્પાએ પૂછ્યુ- શું જુવે છે બેટા…? જવાબ- મેટા..!! ઝુકરબર્ગ પૂર્વ જન્મમાં હિન્દુ હશે એટલે દિવાળી પહેલાં સુધારેલી કે સુધરેલી ફેસબુકનું નવુ વર્ઝન મેટા લોંચ કર્યું ….! એશિયા સાથે ઝુકરબર્ગને નાતો છે. તેની પત્ની ચાઇનીઝ છે. સારૂ છે કે ઝુકરબર્ગે ફેસબુકનું નવુ નામ ચાઇનીઝ ના રાખ્યુ….નહીંતર- ફિન લી…મેટ લી..શી જિંગાપોંગા.. ફી જોંગાજોંગ..!

દિવાળીમાં અને અન્ય દેશોમાં જે આતશબાજી થાય છે અને તેમાં જે ફટાકડાં ફૂટે છે તેની શોધ મૂળ ચીનની.. અંતરિક્ષમાં લઇ જતાં રોકેટના મૂળ સિધ્ધાંતમાં ફટાકડામાં વપરાતો દારૂગોળો જ છે., પીધા પછી ખાલી થયેલી બિયરની બોટલમાં રોકેટ મૂકીને સળગાવીએ એટલે તેની અંદર રહેલ બારૂદ તેને ઝુઉઉઉઉઉઉઉમ….કરીને આકાશ તરફ ધકેલે છે..તેના પરથી અંતરિક્ષમાં જવાના રોકેટ શોધાયા…ચીન હજુ શું શું શોધશે અને શું શું ફેલાવશે….કાંઇ ભરોસો નહીં. તેની સાથે મંત્રણાં કરતાં કરતાં ભારત થાકી ગયું. પણ ચીન હૈ કી માનતા હી નહીં…!! અને જાણે કે ચીનાઓ ભારતની દિવાળી જોવા આવ્યાં હોય તેમ ચીને ભારત સાથેની એલએસી પર સૈન્યનો જમાવડો કર્યો છે. ભારતે પણ જવાનોનો ખડકલો કરીને હવાઇ નિરીક્ષણ શરૂ કર્યું છે…દિવાળીના ફટાકડાં ફૂટ્યા બાદ સીમા પર ગોળીઓની તોપોની આતશબાજીનો માહૌલ જામ્યો છો. રબ્બા જાને કી હોંગા…!

રીત-રસ્મ, રીતિ-નીતિ, વાર-તહેવાર….પર્વ-ગર્વ..સાથે ગૂગલિયા યુગમાં દિ વાળે એ દિવાળી…ઉજવીએ….કોઇએ સરસ કહ્યું છે કે-માના અંધેરા ઘના હૈ..મગર દિપ જલાના કહાં મના હૈ….!! દિપોત્સવીના સંદેશા માટે ફરી રાજકપૂરને યાદ કરીએ પણ, આ રીતે-

કીસી કી મુસકારાહટો પે હો નિસાર…
કીસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર..
કીસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર…
.જીના ઇસી કા નામ હૈ…

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી