ટ્વીટર હૈ કી માનતા નહીં, દર્દ-એ- સરકાર યે જાનતા નહીં…!

ટ્વીટરના માલિક ડોરસે ડોર પર બેઠા બેઠા આંદોલનના ટેકાવાળી ટ્વીટ લાઇક કર્યા કરે તો..?!

ભારતે કહ્યું કે અમુક અમુક ટ્વીટર એકાઉન્ટ બંધ કરો… તો ડોરસે માનતો જ નથી…

ટ્વીટરના માલિકને ચઢાવી દો કુતુબ મિનારની ટોચે…દિપ સિધ્ધુવાળો લાલ કિલ્લો જોયા કરશે…!!

સાંભળી લો ડોરસે- ભારત કીસી કો છેડતા નહીં ઔર જો ભારત કે છેડે ભારત ઉસે છોડતા નહીં….!!

ભારત સરકાર અને ટ્વીટરની વચ્ચે ગલવાન ઘટના પછી શબ્દોની ધનાધની ચાલે છે…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

આજના નેટ યુગમાં સોશ્યલ મિડિયા ઝીંદાબાદ. હમણાં જ વોટ્સએપ દ્વારા વપરાશકારોના અંગત ડેટાને લઇને દાદાગીરી કરવામાં આવી પણ વપરાશકારોને તેનો વિક્લિપ સિંગ્નલ એપ બતાવાયો એટલે વોટ્સએપ ચુપચાપ થઇને પોતાની પ્રાઇવસી પોલીસીને એક બાજુ મૂકી દીધી,. સોશ્યલ મિડિયામાં ટ્વીટર પણ આવુ જ એક માધ્યમ છે કે જેના દ્વારા લોકો પોતાની વાત કહી શકે છે અને તેના વપરાશકારો સુધી બહોળા પ્રમાણમાં પહોંચી શકાય છે.

બહુ જુનુ નથી ટ્વીટર. 21 માર્ચ 2006ના રોજ તેની સ્થાપના થઇ તેના સ્થાપક છે જેક ડોરસે. તેના વપરાશકારોની સંખ્યા છે માત્ર 321 મિલિયન એટલે 32 કરોડ. આ આંકડા 2019ના છે અને તે પછી તેમાં વધારો થયો જ હશે. ટ્વીટર પર કોના ફોલોઅર્સ વધારે છે તેના આધારે નેતા અને અભિનેતાની લોકપ્રિયતા નક્કી થાય છે આજના દૌરમાં. એમ કહેવાય કે માંડ 15 વર્ષ થયા ટ્વીટરની ચકલીને. ટ્વીટર દ્વારા પોતાના પ્રતિક કે બ્રાન્ડ તરીકે ચકલીને પસંદ કરી છે. ચકલી શું કરે..? ચીં….ચીં…જેને અંગ્રેજીમાં ટ્વીટ કર્યું કહેવાય તો હિન્દીમાં –ચહકના…અને ગુજરાતીમાં કલરવ….

તમે ટ્વીટર પર કંઇક લખીને ટ્વીટ કરો એટલે હળવેકથી તમારા ફોલોઅર્સ સુધી નેટ દ્વારા ચીં…ચીં… કરીને પહોંચી જાય. કોઇ શોર બકોર નહીં. ધીમા અવાજે –ચહકના….. કેટલુ મીઠુ લાગે નહીં…? પણ હાલમાં ટ્વીટર દ્વારા એટલે કે આ એપ ચલાવનાર કંપની દ્વારા કિસાન આંદોલનના કેટલાક એકાઉન્ટ ચલાવ્યાં તેની સામે ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે.

રિહાના તો યાદ હશે જ. ઓલી પોપ સિંગર અને પેલી ગ્રેટા.. તેમણે ટ્વીટ કરીને જ કિસાનોના ટેકામાં ચીં…ચીં… કર્યું અને સરકાર ભડકી. અને કેવી ભડકી….તાબડતોડ બોલીવુડ ટીમ અને ક્રિકેટના ભગવાને પણ તેની સામે કર્યું- ચીં…ચીં….!! આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર દુનિયાભરના લોકો છે. પ્લેટફોર્મ માઇક્રો એટલે સૂક્ષમ..પણ પડઘો…? ભાઇ…ભાઇ…!! અમેરિકામાં થયેલી ચીં…ચીં… એટલે કે ટ્વીટનો કલરવ દિલ્હીમાં સંભળાયો.

ભારત સરકાર અને ટ્વીટરની વચ્ચે ગલવાન ઘટના પછી સામ સામે ધનાધની..પણ શબ્દોની ધનાધની ચાલે છે . સરકારે કહ્યું કે આટલા ટ્વીટ એકાઉન્ટ બંધ કરો, એ ભારતના સાર્વભૌમત્વ માટે પડકાર છે. ટ્વીટરના માલિક જેક ડોરસે કહ્યું-ઓ.કે. કલાકો વિત્યા ના વિત્યા અને એ વિવાદી એકાઉન્ટ ડોરસેએ ચાલુ કર્યા..! ડોરસેએ ભારતના વિસ્તારો લેહ-લદાખ ચીનનો હિસ્સો બતાવ્યા. ભારતે વાંધો લીધો તો મોડે મોડે સોરી કહ્યું. પછી કાશ્મિર અંગે પણ એવુ જ કર્યું. ભારતે કહ્યું- કેમ ભાઇ શું વિચાર છે…અને ડોરસેબાબુએ કહ્યું- ભૂલ થઇ ગઇ માફ કરો. સરકારે માન્યું- હશે ભૂલ થઇ ગઇ હશે. પણ હવે માલુમ પડે છે કે ટ્વીટરના માલિક ડોરસેબાબાને પોતાને કિસાન આંદોલન ગમે છે….!! અને તેઓ પોતે બેઠા બેઠા કિસાન આંદોલનની તરફેણવાળી ટ્વીટને લાઇક કરે છે…!!.

ટ્વીટર કંપનીના માલિક જ ઇચ્છે છે કે કિસાન આંદોલન ચલતા રહે….તો પછી તેઓ ભારતની વાત ક્યાંથી સાંભળશે…? ભારત સરકારે ટ્વીટરને ચેતવણી આપી છે-સુધર જાઓ વરના, જેલ થશે. પણ પેલુ ગીત છે ને- દિલ હૈ કિ માનતા નહીં…ટ્વીટર હૈ કિ માનતા નહીં……દર્દ-એ- સરકાર યે જાનતા હી નહીં….!! એના જેવુ હાલમાં ચાલી રહ્યું છે…

એક નજર…..

ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ ટ્વીટ્સ કરનારા ખાલિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપનારા ૧૧૭૮ ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ કેન્દ્ર સરકારે ટ્વિટરને કર્યો છે…

ખેડૂત આંદોલન મુદ્દે ભડકાઉ ટ્વિટ્સ કરનારા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ સરકારે ટ્વિટરને કર્યો છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને પાઠવેલા નોટિફિકેશનમા-કંકુ છાંટી લખી કંકોતરીની જેમ…. ખાલિસ્તાન અને અલગતાવાદી સમર્થક ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવામાં નહીં આવે તો સરકાર ટ્વિટરને ભારત સ્થિત અધિકારીઓ સામે આકરા પગલાં ભરશે…..

સરકારે ૧૧૭૮ એકાઉન્ટ્સનું લિસ્ટ ટ્વિટરને થમાવ્યું છે. એ પહેલાં ખેડૂત આંદોલન મુદ્દે ઉશ્કેરણીજનક ટ્વિટ્સ કરવાના આરોપ હેઠળ સરકારે ૨૫૭ એકાઉન્ટ્સ બ્લોક કરવાનો ટ્વિટરને આદેશ કર્યો હતો, પરંતુ ટ્વિટરે એમાંથી થોડાક એકાઉન્ટ્સ સામે જ કાર્યવાહી કરી. એ મુદ્દે પણ સરકારે ટ્વિટર સામે સવાલો ઉઠાવ્યા હતા….

કેન્દ્ર સરકારે ટ્વિટર સામે ભેદભાવભર્યું વલણ દાખવવાનો આરોપ મૂક્યો- ખેડૂત આંદોલનના સંદર્ભમાં વિશ્વ સ્તરે ટ્વિટરના પ્લેટફોર્મમાં જે વિવાદાસ્પદ ટ્વિટ થઈ તેની સામે પણ ટ્વિટરે કોઈ જ કાર્યવાહી કરી નથી…

કેન્દ્ર સરકારે આઈટી એક્ટ અંતર્ગત આ પગલું ભર્યું હતું. અને એ કાયદામાં એવી જોગવાઈ છે કે જો સોશિયલ મીડિયા કે ટેકનોલોજીના માધ્યમથી ઉશ્કેરણીજનક કે વાંધજનક ગતિવિધિ થાય તો તેની સામે કાયદેસરના પગલાં ભરી શકાય છે…

કેન્દ્ર સરકારે ટ્વિટર સામે નારાજગી દર્શાવતા કહ્યું છે કે અત્યાર સુધી ટ્વિટરે આઈટી એક્ટની કલમ ૬૯એના નિર્દેશોનું પાલન કર્યું નથી. જો હજુ પણ એ જ સ્થિતિ રહેશે તો ભારત સરકાર ટ્વિટરના ભારત સ્થિત ઉચ્ચ અધિકારીઓ સામે આઈટી મંત્રાલય પગલાં ભરશે….

ટ્વીટર સામે-ડોરસે સામે ક્યારે પગલા ભરાશે એ તો ભારત સરકારનું આઇટી મંત્રાલય જાણે પણ આ રીતે એક માઇક્રો કંપની 130 કરોડની આબાદીવાળા દેશ ભારતને ડરાવે- નો ચાલે…નો ચાલે…આ કોઇ મોટુ કાવતરૂ તો નથી આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર સામે…..? અને હજુ તો કિસાન સંગઠનો 2 ઓક્ટોબર સુધી આંદોલન ચાલુ રાખવાનો બૂંગિયો બોર્ડરથી ફૂંકી રહ્યાં છે……! સાવધાન…. સરકારે ડોરસે હોય કે મોરસે તેની સામે દવાઇ ભી કડાઇ ભી….મુજબ પંપાળીને અને કરડી આંખ રાખીને કહેવુ પડશે-ભારત કીસી કો છેડતા નહીં ઔર જો ભારત કે છેડે ભારત ઉસે છોડતા નહીં….!!

-દિનેશ રાજપૂત

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર