ડ્રીમગર્લ કા નયા ફંડા-હવન કરેંગે…હવન કરેંગે…

હેમા માલિનીએ સંક્રમણથી બચવાની એવી સલાહ આપી કે…

છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસની બે લહેરમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. હજી પણ દેશના કેટલાક ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે અને સતત નવા કેસ સામે આવી રહ્યા છે. આ સમય પર બોલિવુડ સેલેબ્સ પણ લોકોને કોરોના મહામારીથી બચવા માટે ઉપાય સૂચવી રહ્યા છે. હાલમાં જ વીતેલા જમાનાના એક્ટ્રેસ અને મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ કોવિડ-19થી બચવા માટે લોકોને હવન કરવાની વિચિત્ર સલાહ આપી દીધી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પર હેમા માલિનીએ, સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેને બાદમાં તેમણે ડિલીટ કરી દીધો હતો. આ વીડિયોમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, કેવી રીતે ઘરમાં નિયમિત હવન કરવાથી કોરોના વાયરસને હરાવી શકાય છે. વીડિયોમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘પ્રાચીનકાળથી આપણા દેશમાં હવન કરવાની પ્રથાને લાભદાયી અને નકારાત્મક શક્તિઓને શુદ્ધ કરવાનો ઉપાય માનવામાં આવે છે. આજે આખી દુનિયા એક મહામારી અને પર્યાવરણના પ્રકોપનો સામનો કરી રહી છે. આ સમયમાં હું તમામ લોકો દરેક બીજા દિવસે જ્યાં સુધી આપણે આ મહામારીને હરાવી ન દઈએ ત્યાં સુધી પારિવારિક હવન કરવાની અપીલ કરું છું’.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘આ ઉપાયને કોઈ ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ સંબંધ નથી. આ પર્યાવરણને શુદ્ધ કરવાનો ઉપાય છે. RSS મથુરાને અભિનંદન પાઠવું છું કે તેઓ તેનો પ્રારંભ કરી રહ્યા છે. દરેકને પ્રાર્થના છે કે આ શુભ કામમાં ભાગ લો. પરંતુ માસ્ક જરૂરથી પહેરો’.

 61 ,  1