ઈરાકમાં PM આવાસ પર ડ્રોન હુમલો, 7 સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત

વડાપ્રધાન મુસ્તફા અલ-કાદીમી માંડ માંડ બચ્યા…

ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ-કાદીમીના નિવાસસ્થાન પર રવિવારે વહેલી સવારે સશસ્ત્ર ડ્રોન મારફતે હુમલો કરવામાં આવ્યો છે. બગદાદના અત્યંત સુરક્ષિત ગ્રીન ઝોન વિસ્તારમાં થયેલા આ હુમલામાં પ્રધાનમંત્રીતો બચી ગયા છે પરંતુ પ્રધાનમંત્રીના 7 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

આ ઘટના બાદ પ્રધાનમંત્રી અલ-કાદીમીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશદ્રોહીઓના રોકેટ સુરક્ષા દળોના વીરોની દ્રઢતા અને નિશ્ચયને હલાવી શકશે નહીં. હું એકદમ ઠીક છું અને મારા લોકોની વચ્ચે છું. ભગવાનનો આભાર

પીએમ આવાસ પર ડ્રોન હુમલો

એક નિવેદનમાં, સરકારે જણાવ્યું કે,પીએમ અલ-કાદીમીના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું કે, પીએમ એકદમ ઠીક છે. સરકારી મીડિયા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હત્યાના પ્રયાસના ભાગરૂપે વિસ્ફોટકોથી ભરેલ ડ્રોન દ્વારા પીએમના નિવાસસ્થાને નિશાન બનાવવામાં આવ્યું હતું..
જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલા પાછળ કોનો હાથ છે અને આ મામલે હજી સુધી કોઈએ જવાબદારી લીધી નથી. આ હુમલો સુરક્ષાદળો અને ઈરાની તરફી શિયા મિલિશિયા વચ્ચેના સંઘર્ષ વચ્ચે બની છે. તમને જણાવી દઈએ કે ઈરાકની સંસદીય ચૂંટણીના પરિણામોને શિયા મિલિશિયા દ્વારા નકારી દેવામાં આવ્યા છે.

લગભગ એક મહિના જેટલા સમયથી વિરોધીઓએ ગ્રીન ઝોનની બહાર પડાવ નાખ્યો છે. શુક્રવારના રોજ આ વિરોધ હિંસક બન્યો હતો કારણ કે, વિરોધીઓએ ગ્રીન ઝોન તરફ કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે તો ડઝનેક સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

પ્રધાનમંત્રી અલ-કામીદીએ આ હિંસા મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, આ હિંસા કોણે ભડકાવી અને કોણે ગોળીબાર ન કરવાના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે તમામ માહિતી સાથેનો રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી