શાહરૂખ ખાન BJPમાં જોડાઈ જાય તો ડ્રગ્સ સુગર પાવડર બની જશે : NCP નેતા

ગુજરાતના મુંદ્રા પોર્ટથી 3000 કિલો હેરોઈન પકડાયું તેની તપાસ નથી થતી, NCB શાહરૂખની પાછળ પડી

મુંબઈ નજીક ક્રૂઝશિપમાં યોજાયેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ પાડીને નાર્કોટિક્સ કન્ટ્રોસ બ્યુરો (NCB)એ બોલીવુડમાં કિંગ ખાન તરીકે પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી અને હજુ સુધી જામીન મળ્યા નથી. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે શનિવારે ભાજપ પર બેવડું ચરિત્ર અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને એવો દાવો કર્યો હતો કે, જો અભિનેતા શાહરૂખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સ પણ સુગર પાવડર બની જશે. ભુજબળ મુંબઈ ડ્રગ્સ કેસ અંગે વાત કરી રહ્યા હતા જેમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસ મામલે મહારાષ્ટ્ર સરકાર સતત એનસીબી પર નિશાન સાધી રહી છે. અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકારમાં મંત્રી નવાબ મલિક પણ એનસીબીની તપાસ મામલે સવાલ ઉઠાવી ચુક્યા છે. એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું કે, ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત કરવામાં આવેલા 3,000 કિગ્રા હેરોઈન મામલે તપાસ કરવાના બદલે એનસીબી શાહરૂખ ખાનની પાછળ પડી છે. જો શાહરૂખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સ સુગર પાવડર બની જશે.

એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ક્રૂઝ પરથી ધરપકડ કરી હતી. હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને નીચલી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેની જામીન અરજી મામલે સુનાવણી થશે. આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે.

વિશેષ અદાલતે આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની જામીન અરજી રદ્દ કરી હતી અને કહ્યું હતું કે, આર્યનની વ્હોટ્સએપ ચેટ પરથી પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે, તે નિયમિત આધાર પર ગેરકાયદેસર ડ્રગ ગતિવિધિઓમાં લિપ્ત હતો અને તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ હતો.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી