દૂધસાગર ડેરી કૌભાંડ : પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી પટેલના જામીન કોર્ટે ફગાવ્યા

તપાસ જારી છે, ત્યારે આવા તબક્કે આરોપીને જામીન ન આપી શકાય- કોર્ટનું અવલકોન

દૂધસાગર ડેરીના કરોડોના કૌભાંડમાં પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી પટેલે કરેલી જામીન અરજી સ્પે. કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે જેની તપાસ જારી છે, આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરે અથવા સાક્ષી ફોડે તેવી તથા તપાસમાં વિક્ષેપ પાડે તેવી શક્યતા છે તેથી આ તબક્કે જામીન પર મુક્ત કરી શકાય નહીં.

મોઘજી પટેલે જેલમાંથી રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, તપાસમાં સહકાર આપ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉ તેમ નથી, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જોઇએ.

જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટે વિપુલ ચૌધરી વિપુલ ચૌધરીની જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી વાઇસ ચેરમેન છે. સામાજીક દ્રષ્ટ્રીએ વગદાર છે અને ૨૦૧૫થી ૨૦૧૮ સુધી ડીરેકટર તરીકે અને સને ૨૦૧૮થી દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન તરીકે હતા.

આ કેસમાં સાક્ષીઓ ડેરીના કર્મચારીઓ છે તેથી જામીન મળે તો તેમને ફોડે તેવી શક્યતાઓ રહેલી છે, હાલમાં ડેરીના કર્મચારીઓ અને સાક્ષીને તપાસવાના બાકી છે આરોપીની ગુનામાં સક્રિય સંડોવણી છે અને તેમની સામે પ્રથમદર્શિય કેસ બને છે. દસ્તાવેજી પુરાવા અને સાંયોગિક પુરાવા ઉપરાંત રોકડેથી મેળવેલી રકમ સગેવગે કરનાર ઉપર આરોપીનો સીધો પ્રભાવ પડેલ હોઇ જામીન આપવા જોઇએ નહીં.

નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા. જેથી તેમણે જામીન મેળવવા હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે.

 45 ,  1