બિહારમાં તબીબની બેદરકારીના કારણે અનેક લોકોના જીવનમાં છવાઈ ગયો અંધકાર

ડૉક્ટરની ઘોર બેદરકારી બાદ હોસ્પિટલ સીલ

બિહારના મુઝફ્ફરપુરની એક હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ 27 લોકોને આંખમાં ગંભીર ચેપ લાગ્યો હતો, જેના કારણે 15 દર્દીઓની આંખો કાઢી નાખવી પડી હતી. આ ઘટના 22 નવેમ્બરના રોજ શહેરના જુરાન છપરા વિસ્તારની આંખની હોસ્પિટલમાં બની હતી. આ ઘટના બાદ હવે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ તપાસના આદેશ આપ્યા છે.

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનએ બુધવારે બિહાર સરકારને એવા અહેવાલો પર એક નોટિસ મોકલી છે કે કેટલાક દર્દીઓની મોતિયાની સર્જરી બાદ તેમની આંખો કથિત રીતે કાઢી નાખવામાં આવી હતી. NHRCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે એક મીડિયા અહેવાલની સ્વ-સંજ્ઞાન લીધી છે કે 22 નવેમ્બરના રોજ મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા બાદ ‘શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH)માં દર્દીઓની આંખો દૂર કરવી પડી હતી’.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો મિડીયા રિપોર્ટમાં આવેલી ખબર સાચી છે. તો માનવ અધિકારોના ઉલ્લંઘનનો એક ગંભીર મુદ્દો છે.

કમિશને કહ્યું, ‘મેડિકલ નિયમો પ્રમાણે એક ડૉક્ટર વધુમાં વધુ 12 સર્જરી કરી શકે છે, પરંતુ આ કિસ્સામાં ડૉક્ટરે 65 દર્દીઓની સર્જરી કરી છે. આ રીતે તબીબી નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક આંખની શસ્ત્રક્રિયા કરવી એ ગંભીર ચિંતાનો વિષય છે. આયોગે બિહાર સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી