અમદાવાદ : લો ગાર્ડન ખાતે હેપ્પીસ્ટ્રીટને લાગેલુ કોરોનાનું ગ્રહણ ખેલૈયા દુર કરશે

કોરોનાની માઠી અસર હેપ્પીસ્ટ્રીટ પર જોવા મળી હતી

ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડનમાં હેપ્પીસ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવ્યું હતી જે કોરોનાકાળ બાદ ફરીથી ધમધમી ઉઠ્યુ છે. કોર્પોરેશનના તોતીંગ ભાડા સાથે હેપ્પીસ્ટ્રીટમાં વેપારીઓએ ફુડવાન શરૂ કરી દીધી પરંતુ હજુ ક્યાકને ક્યાક કોરોનાનું ગ્રહણ લાગી રહ્યુ છે જે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ દુર કરે તેવી શક્યતા છે.

હેપ્પીસ્ટ્રીટની શરૂઆત થઇ ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતે એક વાગ્યા સુધી ફુડવાન ચાલુ રાખવાની મંજુરી આપી હતી જોકે કોરોનાના કારણે 11 વાગ્યા બાદ કરફ્યુ હોવાના કારણે ફુડવાન બંધ કરી દેવામાં આવે છે. સાંજે સાત વાગ્યાથી હેપીસ્ટ્રીટ શરૂ થાય અને રાતે 11 વાગ્યા બંધ થઇ જતા વેપારીઓને ચિંતા બેઠી છેકે કોર્પોરેશનનું લાખો રૂપિયા ભાડુ કેવી રીતે નીકળશે. હાલ નવરાત્રી અને દિવાળી આવતી હોવાના કારણે વેપારીઓને આશા જાગી છેકે નવરાત્રીમાં ખેલૈયા અને દિવાળીમાં શોપીંગ કરવા માટે નિકળેલા અમદાવાદીઓ ફરીથી હેપ્પીસ્ટ્રીટમાં રોનક લાવશે.

અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન છે જેના કારણે મોટાભાગના લોકો રાતે બહાર ખાવાનુ પંસદ કરે છે. શહેરમાં માણેકચોક, લોગાર્ડન આ બે જગ્યા ખાણીપીણી માટે જાણીતી હતી જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોગાર્ડનની ખાઉગલીને બંધ કરીને અંદાજીત આઠ કરોડ રૂપિયાના ખર્ચે હેપ્પીસ્ટ્રીટ બનાવ્યુ હતું જેનું ઉદધાટન તારીખ 7 ફેબ્રુઆરી 2020ના રોજ રાજ્યના પુર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું.

હેપ્પીસ્ટ્રીટ શરૂ થતાની સાથે અમદાવાદીઓને ફરવા માટેનું નવુ નજરાણું મળી ગયુ જેને હેરીટેજ થીમ ઉપર નવીનીકરણ કરવામાં આવ્યુ હતું. હેપ્પીસ્ટ્રીટ સરખી રીતે શરૂ પણ નહતુ થયુ ત્યારે કોરોનાનું ગ્રહણ તેના ઉપર લાગી ગયુ હતું.

કોરોનાના કેરની માઠી અસર હેપ્પીસ્ટ્રીટ ઉપર પણ ગંભીર રીતે પહોંચી હતી જેના કારણે હેપ્પીસ્ટ્રીટમાં ઉભા રહેતા 27 ખાણી પીણીના ફુડવાનના માલીકોને લોકડાઉન દરમિયાન માસીક ભાડું આપવામાં કોર્પોરેશને મુક્તી આપી હતી..

ફુડવાન માટે 70 હજારથી લઇને તે 1.25 લાખ માસીક ભાડું નક્કી થયું હતું જેનું લોકાઅર્પણ 26 જાન્યુઆરી 2020માં થયું હતું. સાંજ પડતાં જ લોકોની ભીડ જામવા માંડી હતી ત્યાં જ કોરોનાનું આગમન થતા 22-3-2020થી લોકડાઉનની જાહેરાત થઇ હતી. હેપ્પીસ્ટ્રીટને વિધીવત પુન: શરૂ કરવામાં આવે ત્યાં સુધીના ભાડાને માફ કરવાની ભલામણ દરખાસ્તમાં કરવામાં આવી છે. જે દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને લોકડાઉન શરૂ થતાની સાથેજ ભાડુ માફ થઇ ગયું હતું.

તારીખ 17 સ્પેટમ્બર 2021ના રોજ ફરીથી લોગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ શરૂ થઇ ગયુ છે અને કેટલાક વેપારીઓએ હીંમત કરીને ધંધો પણ શરૂ કરી દીધો છે.

હેપ્પીસ્ટ્રીટ શરૂ થતાની સાથે અમદાવાદીઓ પણ મોજમાં આવી ગયા છે અને નવીનવી વાનગીઓનો સ્વાદ લેવા માટે જાય છે. જોકે વેપારીઓને એક ચિંતા છેકે રાતનો કરફ્યુ 11 વાગ્યાથી શરૂ થતો હોવાથી ધંધામાં હાલ મંદી ચાલી રહી છે જેની પાછળનું કારણ ક્યાકને ક્યાક વધારે ભાડુ હોવાનું કહી રહ્યા છે. તેમના મત મુજબ પહેલા દસ દીવસની મહેનતમાં ભાડુ નીકળી જાય છે બાદના દસ દિવસની મહેનતમાં માલ સામાન તેમજ પગારનો ખર્ચો નીકળે છે જ્યારે રહ્યા બીજા દસ દિવસ તો તેમા જે આવક થાય છે તે પ્રોફીટ હોય છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી