September 23, 2021
September 23, 2021

અમદાવાદ : ઈસનપુરમાં EDના બાતમીદાર હુમલો, નિવૃત્ત DYSPના પુત્રની ધરપકડ

નિવૃત્ત DYSPના પુત્ર અને મિત્રએ મળી છરીના ઘા માર્યા

ઈસનપુરમાં રહેતા ઈડીના બાતમીદાર પર નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર અને તેના મિત્રએ છરીથી હુમલો કરી ઘા માર્યા હતા. બાતમી આપવાનો વહેમ રાખી યુવક પર હુમલો કરી ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે ઈસનપુર પોલીસે ગુનો નોંધી ગણતરીની જ કલાકોમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જયેશ ઠક્કર નામનો વ્યક્તિ ઘણા સમયથી ED ( એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)નો બાતમીદાર છે. તે EDને બાતમી આપતો રહે છે. ત્યારે થોડાક દિવસો પહેલાં જયેશને નિવૃત DYSPના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને પોલીસપુત્ર ધવલે તેના એક મિત્ર દ્વારા જયેશને બોલાવીને ગાળો બોલી ધમકી આપી હતી અને લાફા પણ માર્યા હતાં.

ત્યાર બાદ જયેશને ધવલ અને તેના મિત્રએ છરી બતાવીને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે જયેશે ધવલ ગોસ્વામી અને તેના મિત્ર સામે મારામારી અને ધાકધમકીની ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધીને ઈસનપુર પોલીસે પોલીસપુત્ર ધવલ ગોસ્વામી અને તેના મિત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધવલના પિતા ડી.એસ.ગોસ્વામી હાલ નિવૃત્ત ડીવાયએસપી છે જે અગાઉ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂક્યા છે. જેને લીધે ધવલ પિતાના નામથી લોકોમાં રોફ જમાવતો હતો એટલુ જ નહીં ફાયનાન્સનો અને ક્રિકેટના સટ્ટા નો પણ ધંધો અગાઉ કરતો હોવાનું પણ ઇસનપુર પોલીસે જણાવ્યું હતું.

 52 ,  1