મહારાષ્ટ્ર રાજકારણમાં ફરીથી હલચલ મચવાની શક્યતા

પૂર્વ ગૃહમંત્રી દેશમુખના પીએ અને સચિવની ધરપકડ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ગરમાવો વધી શકે તેમ છે. મુંબઇ પોલીસે એક તરફ વિવાદી ટીઆરપી કાંડમાં આર.ભારત ટીવી ચેનલના અર્નબ ગોસ્વામીને આરોપી જાહેર કરે છે. તો બીજી તરફ એન્ટેલિયા બોમ્બકાંડથી શરૂ થયેલી કથામાં પૂર્વ ગૃહ મંત્રી મુશ્કેલીમાં મુકાય તેમ છે. તેમની સામેની કાર્યવાહીને ઠાકરે સરકાર દ્વારા બદલાની રાજનીતિ કહેવમાં આવી રહી છે.

દરમિયાન, 100 કરોડની વસૂલીના મામલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પૈસાની લેતીદેતીના મામલે દેશમુખના અંગત સચિવ (પીએસ) અને અંગત મદદનીશો (પીએ) સંજીવ પલાંદે અને કુંદન શિંદેની ધરપકડ કરી છે. આ પહેલા શુક્રવારે ઇડીએ નાગપુરમાં અનિલ દેશમુખના ઘરે અને તેના સાથીદારોની મુંબઈ સ્થિત જગ્યાઓ પર શુક્રવારે દરોડા પાડ્યા હતા.

ઇડીએ સીબીઆઈની એફઆઈઆરનો અભ્યાસ કર્યા પછી ગયા મહિને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દેશમુખ અને કેટલાક અન્ય લોકો સામે ફોજદારી કેસ નોંધ્યો હતો. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર કેસ દાખલ કર્યા બાદ સીબીઆઈએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેના પગલે ઇડીએ કેસ નોંધ્યો હતો. હાઈકોર્ટે સીબીઆઈને દેશમુખ ઉપર મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લગાવવામાં આવેલા લાંચ અંગેના આરોપોની તપાસ કરવા કહ્યું હતું.

અનિલ દેશમુખના પીએસ અને પી.એ.ની ધરપકડ બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘વસૂલી કેસમાં અનિલ દેશમુખના સેક્રેટરી સંજીવ પલાંદે અને કુંદન શિંદેની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મને ખાતરી છે કે આગામી કેટલાક દિવસોમાં અનિલ દેશમુખની ધરપકડ પણ કરવામાં આવશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના દરોડા બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે તેમણે મારી વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે મારા પરિસરની તપાસ કરી છે. આ દરમિયાન મે ઇડી અધિકારીઓને પૂર્ણ સહયોગ આપ્યો છે. દેશમુખે આશા વ્યક્ત કરી કે સત્ય બહાર આવશે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ તપાસ એજન્સીઓને સહયોગ આપવાનું ચાલુ રાખશે.

શુક્રવારે ઇડીની ટીમે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા. ઇડી ટીમે કલાકો સુધી દેશમુખના ઘરમાં શોધખોળ કરી. મની લોન્ડરિંગના કેસમાં આ દરોડો દેશમુખના નાગપુરમાં આવેલા ઘરે થઈ હતી. ઈડીની ટીમ સાથે સીઆરપીએફના જવાનો સુરક્ષા માટે હાજર હતા. આ સિવાય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નાગપુર પોલીસના જવાનો પણ હાજર હતા.

 51 ,  1