મહાઠગ…પૈસા..લાલચ અને આ જા મેરી બાંહો મેં..

કહાની એક એવા ઠગની કે જેણે કર્યા સંમોહિત

સચિવોના અવાજમાં છેતર્યા અનેકને, પણ છેવટે..

જેકલિન-નોરા-શ્રધ્ધાકપૂર આવી ગઇ લપેટમાં..

હજુ કેસ શરૂ થયો નથી અને ફિલ્મ બની જશે….

માત્ર 200 કરોડની મસ્ત મસ્ત ઠગાઇ કરી..

(ખાસ અહેવાલ-દિનશ રાજપૂત)

સુકેશ ચંદ્રશેખર નામનો યુવાન દેખાવમાં કાંઇ બોલીવુડના ચોકલેટી હીરો જેવો લાગતો નથી. તે વધુમાં વધુ સાઉથની કોઇ મારફાડ એકશન ફિલ્મનો ખલનાયક જેવો લાગે છે. જો કે તે સાઉથનો જ છે. સાઉથમાં એટલે છેક શ્રીલંકામાં 1989માં જન્મેલો છે. તો એક અહેવાલમાં તે બેંગ્લોરમાં જન્મયો છે.

32 વર્ષના સુકેશે કોઇ ફિલ્મ-વિલ્મમાં કામ કર્યુ નથી. છતાં બોલીવુડની ચોકલેટી અને ચુલબુલી કહી શકાય એવી મનમોહક અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ, નોરા ફતેહી, શ્રધ્ધાકપૂર સહિત પાંચ અભિનેત્રીઓને પોતાની મોહજાળમાં એવી રીતે ફસાવી કે જાણે વર્ષો જુના ગાઢ પ્રેમી હોય એવા આલિંગન સાથેના ફોટા પડાવીને તેમને 500 કરોડના બજેટવાળી ફિલ્મમાં કામ અપાવવાની ખાતરી આપી.

જેકલીન, નોરા અને કપૂરને કરોડો રૂપિયાની મોંઘીદાટ ચીજવસ્તુઓ, બીએમડબવ્યુ કાર ભેટસેોગાદમાં આપીને તેના બદલામાં તેમની સાથે લવ- રોમાંસ કર્યો પણ પછી વાજતે ગાજતે બહાર આવ્યુ કે વો તો છલિયા હૈ..છલિયા ઉસકા નામ..છલના ઉસકા કામ… ! તેની સામે કુલ્લે 15 પોલીસ ફરિયાદ છે અને માત્ર 200 કરોડની ખંડણીનો આરોપ છે…! 17 વર્ષની ઉંમરથી જેણે લોકોને ઠગવાની શરૂઆત કરી હોય તે કટેલો પાવરધો હશે…

દરેક ઠગમાં એક કુદરતી કળા હોય છે, તેમ આ ઠગ બોલવાની કળામાં માહેર છે. કોઇને પણ સંમોહિત કરવામાં પાવરધો છે. 2007થી તેણે 100 કરતાં વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યાં જેમાં મોટી મોટી હસ્તિઓનો પણ સમાવેશ થાય છે. બેંકમાંથી કરોડોની લોન અપાવવી, કોઇ કાયદાકીય કેસમાં સમાધાન કરાવી આપવુ, કોઇ મોટા શોરૂમના ઉદઘાટન માટે સેલેબ્રિટીઝને લઇ આવવુ.. એવા કામો કરતાં કરતાં તે આખરે જેલ પહોંચ્યો.

જેલમાં રહીને તેણે દેશની જાણીતી ફોર્ટીસ હેલ્થ કેર કંપનીના માલિક શિવિન્દર મોહનસિંગની પત્ની અદિતીસિંઘ પાસેથી જે રીતે નાણાં પડાવ્યાં તે રસપ્રદ અને સીસ્ટમ માટે ગંભીર પણ કહી શકાય તેમ છે. કેન્દ્રીય મંત્રાલયના એક સચિવનો અવાજ હુબહુ કાઢીને અને જેલમાં બેઠા બેઠા એ સચિવની ઓફિસનો નંબર સામેવાળાના મોબાઇલમાં આવે એવી ટેકનોલોજી કે સીસ્ટમનો ઉપયોગ કરીને તેના પતિ શિવિન્દરને જામીન મળી જશે એવી ખાતરીઓ આપીને અદિતી પાસેથી કરોડો-કરોડો પડાવી લીધા..

શિવિન્દરસિંગ બ્લેકમનીના કેસમાં દિલ્હીની જેલમાં બંધ છે, મહાઠગે પૈસા પડાવી લીધા જામીન મળ્યા નહી. એક મોટી કંપનીના સીઇઓની પત્ની અને ભણેલીગણેલી તથા કોર્પોરેટ બાબતોથી જાણકાર હોઇ તેને મંત્રાલયમાંથી જે સચિવના નામનો ઉપયોગ કરીને ફોન આવ્યો તેની તપાસમાં તેને સચ્ચાઇ લાગી કે હાં, ફોન નંબર તો એ સચિવનો જ છે કે જે ઓર્ડર કરે તો તેના પતિને જામીન મળી શકાય. એ વિશ્વાસે તેણે કરોડોનો વ્યવહાર મહાઠગ સાથે કર્યો પણ…

પૈસા આપ્યા પણ જામીન ન મળ્યા એટલે કરોડોનો મામલો પહોંચ્યો પોલીસમાં અને ભાંડો ફૂટ્યો કે આ મહાઠગે જેલમાં બેઠા બેઠા સચિવોના અવાજની નકલ કરીને કેટલાયને રાતા પાણીએ નવડાવી નાંખ્યાં… તેની પૂછપરછ થઇ ત્યારે છમાછમ બાજે રે તેરી પૈજણિયા…ની જેમછમ છમ કરતા નામો ખુલ્યા કે જેકલીન, કપૂર, નોરા વગેરેને આ મહાઠગે બીજાને ઠગીને મેળવેલા કરોડો રૂપિયા દિલ ખોલીને ન્યોછાવાર કર્યા..ઉપરાંત જેલની અંદર તેને મોબાઇલ ફોન અને સચિવોના નંબરો હેક કરીને જોડી દઇ કરેલી વાતચીતમાં જેલમાં કોણે મદદ કરી તેની પણ તપાસ, શરૂ થઇ છે.

જેકલીનને પોતાના ઝાંસામાં લેવા તેણે એક વગદાર મંત્રીની ઓફિસનો નંબર જેકલિનની પીએના મોબાઇલમાં દેખાય એ રીતે ગોઠવણ કરીને સચિવના અવાજમાં કહ્યુ કે સુકેશ ચંદ્રશેખર એક સારી વ્યકિતિ છે અને તેની સાથે તારે સંબંધ રાખવા જોઇએ ફાયદો થશે. વગદાર મંત્રીની વિનતી અને કામની લાલચમાં તે પછી જેકલીન તેની બાહોપાશમાં જકડાઇ ગઇ..આ મહાઠગે બોલીવુડની અભનેત્રીઓને ફસાવવા પોતે તામિલનાડુની સન ટીવીના માલિક છે અને જયલલિતાના પરિવારનો છે…એવુ બતાવ્યુ અને રહેણીકરણી તથા કરોડોમાં રમવુ વગેરે જોઇને જે સિલસિલો શરૂ થયો તેમાં નોરાએ આ કેસમાં બચવા સરકારી સાક્ષી બનવાનું નક્કી કર્યુ છે, એટલે કે તેઓ મહાઠગની પોલ ખોલશે. જો કે જેની સાથે મહાઠગ વધારે પડતો જકડાઇ ગયો તે જેકલીન સાથેની વાઇરલ તસ્વીરો ઘણુ બધુ બયાન કરે છે કે બન્ને કેટલા આગળ વધ્યા હશે…જેકલીન પણ સરકારી સાક્ષી બનશે કેમ તે હજુ તેના તરફથી જાહેર થયુ નથી. પણ એવો અંદાજ છે કે જેકલિન વધારે પડતી આગળ વધી ગઇ હોવી જોઇએ…

બોલીવુડમાં કામ શોધતી જેકલીને મહાઠગે મોટી મોટી ફિલ્મોની કરેલી ઓફરો, મોંઘી ભેટ સોગાદો, કાર, જ્વેલરીઝ, હોટેલોમાં મુલાકાતો, જેલમાંથી પેરોલ લઇને જેકલિનને મળવા તે ચાર્ટર્ડ પ્લેન કરીને મળવા આવ્યો તે સહિત તેના ભાઇને કરેલી 15 લાખની મદદ બધુ જ કબૂલી લીધુ છે. તપાસ એજન્સી મહાઠગે લોકોને છેતરીને અભિનેત્રીઓને આપેલી ભેટસોગાદો પોતાના કબ્જામાં લઇ લીધી છે.નોરાની જેમ જેકલિન સાક્ષી બનશે કેમ એ તો તેની શંકાસ્પદ ભૂમિકાને આધારે કોઇ કહેવા તૈયાર નથી. પણ મજા એ છે કે જેકલિન સાથેના અંતરંગી વાઇરલ ફોટાઓ અનેમહાઠગના આખા કેસને લઇને તેના વિષે ફિલ્મ બનાવીને ઓટીટી પર રજૂ કરવાની તૈયારીઓ પણ શરૂ થઇ છે..!

મહાઠગ છૂટશે કે સજા થશે કે પછી શુંનું શુ થઇ જશે તે હજુ નક્કી નથી પણ તેની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી-એમઓપી-થી કદાજ અંજાઇને અને તેમાં રોમાંસ, ઠગાઇ, સેલેબ્રીટીઝ, મંત્રાલય, સચિવનો અવાજ, જેલમાં ચાલી ગરબડો વગેરેથી કોઇ અંજાઇ ગયા હશે અને 200 કરોડનું કરી નાંખનાર વિલનની ભૂમિકા કયો હીરો ભજવશે…? ફિલ્મ ઓટીટી પર આવે ત્યારે માલુમ થાય અને હવે નેટફલિક્સ જેવી કંપનીઓ ફટાફટ ફિલ્મો બનાવીને ઓટીટી પ્લેટફોર્મ પર મૂકી છે. એટલે મહાઠગનો કેસ ચાલે, પૂરો થાય તે પહેલાં તેના પર બનેલી ફિલ્મ રજૂ થઇ ગઇ હશે…એક નામ તો તેની ફિલ્મ માટે બંધબેસે છે-રૂપ કી રાની ચોરો કા રાજા…

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી