ચૂંટણીઓ પતી અને ઓએનજીસીના 3 કર્મચારીઓનું અપહરણ….

ઉગ્રવાદીઓ લકવા ફીલ્ડ ખાતેથી કર્મચારીઓને ઉપાડી ગયા-હલચલ

આસામમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઇ છે. પરિણામ 2 મેના રોજ જાહેર થવાનું છે. દરમ્યાનમાં આસામમાં તેલ-ગેસના ઉત્પાદનમાં રોકાયેલી સરકારી કંપની ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનું અપહરણ થયાના સમાચારથી રાજકિય ક્ષેત્રે પણ હલચલ મચી છે.

વિગતે જોઇએ તો, આસામના શિવસાગર જિલ્લામાંથી ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના 3 કર્મચારીઓનું અપહરણ થયું છે. અજ્ઞાત બંદૂકધારીઓએ બુધવારે સવારે ઓએનજીસીના કર્મચારીઓનું લકવા ફીલ્ડ ખાતેથી અપહરણ કર્યું હતું. બે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ અને એક જુનિયર ટેક્નિશિયનને ઓએનજીસીની ગાડીમાં જ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તે ગાડી આસામ-નાગાલેન્ડ સરહદ પાસેના જંગલમાંથી મળી આવી હતી.

ઓએનજીસીના 3 કર્મચારીઓનું અપહરણ થયાના સમાચાર મળતા જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી હતી અને ત્રણેય કર્મચારીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

એક અધિકારી અમિતાવ સિન્હાએ આ અંગે એમ કહ્યું કે, સશસ્ત્ર ઉગ્રવાદી જૂથે લકવા ફીલ્ડ ખાતેથી કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. અપહ્યત કર્મચારીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા શંકાસ્પદ વિસ્તારોમાં અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કયા જૂથે કર્મચારીઓનું અપહરણ કર્યું તે હજુ સ્પષ્ટ નથી થયું અને ઓએનજીસીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર