September 19, 2020
September 19, 2020

ઇલેક્ટ્રોથર્મ કંપનીનો પારિવારિક મામલો, ગોળીથી ઉડાવી દેવાની ધમકી મળતાં મામલો વકર્યો, બેની ધરપકડ

દેવાડીયા મુકેશ ભંડારીના પુત્ર સિદ્ધાર્થ ભંડારી સાથે સમાધાન કરો નહીં તો તમને ગોળીથી ઉડાવી દઈશું, ડૉ. નાગેશ ભંડારી પર આવેલો ફોન

ઇલેક્ટ્રોથર્મ કંપનીનાં ડાયરેકટર બે સગાભાઈ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ત્રીજા ભાઈ ડૉ.નાગેશ ભંડારીને CBI ઓફીસર સલીમનાં નામથી ઓળખ આપી સમાધાન નહીં કરો તો ઉઠાવી જઈ ગોળીથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ડૉ.નાગેશને ફોન પર અવાર નવાર ધમકી આપનાર શખ્સે તેમના ભત્રીજા સિદ્ધાર્થ ઉર્ફ તોષી સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરાવી હતી. આમ ભત્રીજાએ બે ભાઈઓ વચ્ચે ચાલતા વિવાદમાં સમાધાન કરાવવા માટે અન્ય શખ્સ પાસે ધમકી અપાવ્યા અંગેની ફરિયાદ ડૉ નાગેશએ ગત તા.22મી જૂનનાં રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાવી હતી.

આંબલી ઈસ્કોન રોડ પર ભંડારી ફાર્મમાં રેહતાં ડૉ નાગેશ ભવરલાલ ભંડારી (ઉં,64) ગુજરાત સ્પાઈન ક્લિનિક ધરાવી પ્રેક્ટિસ કરે છે. તેઓ ઈલેક્ટ્રોથર્મ કંપનીના શેર હોલ્ડર પણ છે. ઈલક્ટ્રોથર્મ કંપનીમાં ડૉ. નાગેશના બે ભાઈઓ મુકેશ અને શૈલેષ ભંડારી ડાયરેકટર તરીકે છે. કંપનીનાં કારણે ભાઈઓ અને પારિવારિક સભ્યો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેમાં કોર્ટ મેટરો પણ શરૂ થઈ હતી. તાજેતરમાં આ કંપનીનું દેવાળીયા કંપનીનાં લિસ્ટમાં નામ સામેલ થયું છે.

ફરિયાદ મુજબ ગત તારીખ 31મી મેનાં રોજ ડૉ. નાગેશ ભંડારી પર CBI ઓફીસર સલીમ તરીકે ઓળખ આપતા વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ તમે સિદ્ધાર્થ ભંડારી સાથે સમાધાન કરો નહીં તો તમને ઉઠાવી જઈ ગોળીથી ઉડાવી દઈશું. આ ધમકી ભર્યા ફોન અવારનવાર આવ્યા હતાં. ધમકી આપનારે સિદ્ધાર્થ સાથે ફોન પર વાત કરાવાનું કહી કોન્ફ્રરન્સ કોલ લગાવ્યો હતો. જેમાં બોલતા વ્યક્તિએ તોષી બોલતો હોવાનું જણાવ્યું હતું. સિદ્ધાર્થ ભંડારીને પરિવારના સભ્યો તોષીના નામથી જાણે છે. આખરે ડૉ.નાગેશએ ફોન કરનાર અજાણી વ્યક્તિ અને સિદ્ધાર્થ ઉર્ફ તોષી વિરુદ્ધ ફરિયાદ કરી છે.

ડૉ.નાગેશએ આ અંગે જણાવ્યું હતું કે, મને સીબીઆઈ ઓફીસર સલીમના નામથી ધમકી આપનાર શખ્સ પરમવીર સિંગને પોલીસે 9 દિવસ અગાઉ અને મારો ભત્રીજા તોષીને 7 દિવસ અગાઉ પકડ્યા હતાં. પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઇલેક્ટ્રોથર્મ કંપનીનું NPA લિસ્ટમાં હોવા બાબતે તેઓએ જણાવ્યું કે, હોઈ શકે પણ તે અંગે મને ખબર નથી.

સરખેજ પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.બી.ગોયલએ જણાવ્યું હતું કે, “આરોપીની કોલ ડિટેઇલ મંગાવી દિલ્હીના સરનામા પરથી પરમવીરસિંગની 9 દિવસ અગાઉ ધરપકડ કરી હતી. સિક્યુરિટી કંપની ચલાવતા પરમવીરને સિદ્ધાર્થે પોતાના પારિવારિક વિવાદ અંગે વાત કરી હશે. જેથી પરમવીરે ડૉ. નાગેશને ધમકીભર્યા કોલ કર્યા હતાં. પરમવીર બાદ સિદ્ધાર્થની ધરપકડ કરી હતી. બન્ને સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે.”

રીતેશ શાહ

 227 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર