ગાંધીનગર : સિવિલ સ્ટાફ કવાર્ટરમાં કર્મચારીએ ફાંસો લગાવી કર્યો આપઘાત

સેકટર-7 પોલીસે શરૂ કરી તપાસ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાં કર્મચારીએ ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સિવિલના સ્ટાફ બોયએ કોઇ કારણોસર મોતને વહાલું કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં સેકટર-7 પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

વિગત મુજબ, મૂળ નડિયાદનાં ફેડરીક ચંદુભાઈ પરમારે આશરે બે વર્ષ અગાઉ નર્સિંગ ઈન્ચાર્જ મમતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે આજે મંગળવારે સવારે સવારે ફરજ પર હાજર થવા માટે સાસરી અમદાવાદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.

દરમિયાન, સાથી કર્મચારીઓને ચા-નાસ્તો કરવાનું કહીને કપડાં બદલવા માટે પોતાના ક્વાટર્સ-12/6માં ગયા હતા. જો કે ઘણીવાર સુધી ફેડરીક પરત નહીં ફરતા સાથી સ્ટાફ તેમને બોલાવવા ગયા હતા. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યા પછી પણ અંદરથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતાં સ્ટાફે કંઈક અજુગતું બન્યાની શંકા રાખી દરવાજો તોડી નાખ્યો હતો. ફેડરીકે રૂમમાં હુકમાં રૂમાલ વડે ગળાફાંસો ખાધેલું દ્રશ્ય જોઈને સાથી કર્મચારી સ્તબ્ધ થઈ ગયો હતો. જેની જાણ થતાં અન્ય સ્ટાફના કર્મચારીઓ પણ ત્યાં દોડી ગયા હતા.

બાદમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં સેકટર-7 પોલીસ સિવિલ સ્ટાફ ક્વાટર્સ દોડી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા મૃતકની લાશનું પંચનામું, પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમણે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા વધુ પૂછતાછ શરૂ કરાઈ છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી