ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

માસ પ્રમોશનની માંગણી કરાઈ પણ ફગાવાઈ, શાળા-કોલેજો પણ શરૂ

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનની માંગણી કરાઈ હતી જેને ફગાવવામા આવી હતી.

આજે ધોરણ 10 ના રિપીટર ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પ્રથમ ભાષાની પરીક્ષા શરૂ થઈ છે. સવારે 10 વાગ્યાથી બપોરે 1.20 દરમિયાન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠીની પરીક્ષા યોજાનાર છે. તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધી લેવાશે. ધોરણ 12 કોમર્સ માટે જુદા જુદા વિષયોની પરીક્ષા બે તબક્કામાં લેવાશે, જેમાં પ્રથમ તબક્કામાં પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.20 વાગ્યા સુધી જ્યારે બીજા તબક્કાની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ધોરણ 10ના 34,721 વિદ્યાર્થીઓ જ્યારે કે ધોરણ 12 ના 18,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12 ના કુલ 53,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં આવેલી 7 ઝોનની 108 શાળાઓમાં ધોરણ 10ના 19,531 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12ના કુલ 11,337 વિદ્યાર્થીઓ માટે 32 શાળાઓમાં પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 કોમર્સના 9,598 વિદ્યાર્થીઓ માટે 24 શાળાઓ જ્યારે સાયન્સના 1,739 વિદ્યાર્થીઓ માટે 8 શાળાઓ ફાળવવામાં આવી છે.

 21 ,  1