exclusive: ‘બસ ચા સુધી’ ફેમ રુહાન આલમ સાથે તેમની અપકમિંગ વેબસીરીઝ વિશે ખાસ વાતચીત..

‘બસ ચા સુધી’ વેબસીરીઝથી અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ટ્રેન્ડ શરૂ કરનાર અને પોતાની આગવી અભિનય પ્રતિભાથી યુવાનોનું દિલ જીતનાર રુહાન આલમે નેટડાકિયા ડોટ કોમ સાથે પોતાની રેડિયો કારકિર્દીના અનુભવો, ‘બસ ચા સુધી’થી જીવનમાં આવેલ ટર્નીંગ પોઈન્ટ, આગામી વેબસીરીઝ વિશે વાત કરી હતી…

રેડિયોની કારકિર્દીની સફર કેવી રહી? કેવા પ્રકારના અનુભવો થયા?

હું થીયેટરમાંથી જયારે રેડીયોના માધ્યમમાં આવ્યો ત્યારે મારા માટે બધું નવું હતું, બધું જ એન્ટરટેઈનીંગ હતું. મીર્ચીએ મને મુંબઈ મોકલ્યો હતો, અને પહેલીવાર મિર્ચીના લીધે હું પ્લેનમાં બેઠો. આજે જો હું ખુશખુશાલ માહોલમાં હોવ તો એ મીર્ચીને લીધે જ છે. હું બધાને એમ કહું છુ કે હું એન્ટરટેઈન નથી કરતો, જે સામે રીએક્શન આવે છે એ વિચારીને મને જ એન્ટરટેઈન્મેન્ટ મળે છે.

આવ ને ભાઈબંધ’ બમ્પર પાછળની શું વાર્તા છે?

હતું એવું કે રેડિયોની અંદર અમે એક પ્રકારનું મ્યુઝીક વગાડીએ જેને બેડ કહેવાય. તો હું એકવાર મ્યુઝીક ચેક કરતો હતો ત્યારે એક મ્યુઝીક વાગ્યું જે ફની હતું. અને કહેવાય છે ને કે રેડિયો ઈઝ થીયેટર ઓફ માઈન્ડ. મગજમાં થીયેટર ચાલતું જ હોય. તો મેં એવું ધારી લીધું કે સામે કોઈ માણસ ઉભો છે એ મ્યુઝીક વગાડે છે અને હું એને કહું છુ કે આવ ને ભાઈબંધ, પછી મને રીઅલાઈઝ થયું કે લોકો મને એ નામથી બોલાવવા લાગ્યા છે. પછી તો અમે બધા આર.જે. પણ અંદરોઅંદર એકબીજાને આ રીતે બોલાવવા લાગ્યા. અને મેં એનું બમ્પર ક્રિએટ કરી દીધું.   

‘બસ ચા સુધી’ની શરૂઆત કેવીરીતે થઇ?

વેબસીરીઝના રાઈટર સંદીપ દવે મારા શો સાંભળતા હતા. તેમણે એકાદ વર્ષ પહેલા આ વેબસીરીઝની વાર્તા લખી હતી, અને તેમની ઈચ્છા હતી કે મુખ્ય પાત્ર હું ભજવું. મારું એવું માનવું છે કે હું કરોડો લોકો સામે જયારે પરફોર્મ કરતો હોઉં ત્યારે એવું ના વિચારી શકું કે એમને ગમશે જ. તમે અંદાજો લગાવી શકો, પણ મહત્વની વાત એ છે કે તમે જે ભૂમિકા ભજવો એ તમારા મનને સ્પર્શવી જોઈએ.

‘બસ ચા સુધી’ને લીધે ઇન્ડસ્ટ્રીમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે, બીજા ઘણા કોન્સેપ્ટ સાથે નવી વેબસીરીઝ આવી રહી છે પણ ‘બસ ચા સુધી’ની સફળતા પાછળ કયું પરિબળ કામ કરી ગયું?

જયારે તમે કોઈ કામમાં મહેનત કરો એમા ધાર્યું રિઝલ્ટ આવે જ. પણ જયારે અણધાર્યું રિઝલ્ટ આવે ને, ત્યારે સમજી જાઓ કે એ મહેનત ના હોય. અમે કોઈએ ધાર્યું જ ન હતું કે આ સીરીઝ આટલી સફળ રહેશે. મને એક વ્યક્તિએ એમ કહ્યું હતું કે તારે કંઈ જ કરવાની જરૂર નથી. આ પ્રોડક્ટ એટલા બધા લોકો સુધી પહોચશે કે તે ધાર્યું પણ નહિ હોય, અને તે વ્યક્તિ હતી મારા પપ્પા. હું હંમેશા બધાને એવું કહું છુ કે pray for me. મારા માટે good wishes આપજો.

હવેના આગામી પ્રોજેક્ટ્સ વિશે થોડું જણાવશો…

વેબસીરીઝ તો આવી જ રહી છે. બે વેબસીરીઝ આવી રહી છે. ઉપરાંત એક સરપ્રાઈસિંગ વસ્તુ બીજી પણ છે, એક સોંગ આવી રહ્યું છે. જે મારા માટે ઘણો રસપ્રદ અનુભવ છે.

આ વેબસીરીઝ પછી બીજી ઘણી ઓફરો મળી હશે, બીજા ઘણા રોલ મળ્યા હશે તો જયારે કોઈ ભૂમિકા માટે લોકો અપ્રોચ કરે, ત્યારે શું ધ્યાનમાં રાખો છો?

હું જયારે કોઈ ફિલ્મ જોઇને આવું ને, તો હું આરામથી એક બે દિવસ actually એ જ રોલમાં રહું.  મારી જિંદગીની અંદર એક વર્ષ પછી જે ઘટનાઓ હું ધારું છું એમ થશે, તો એ વખતે સ્ટેજ પર ચડીને હું શું બોલીશ એની પણ સ્ક્રીપ્ટ રેડી જ હોય. કાલે મને કોઈ ફીમેલનો રોલ કરવાનો આવે તો મને ખબર જ હોય કે એ ફીમેલ કેવીરીતે બેસશે, કેવીરીતે માઈક પકડશે, એ વિશેનું મારું ઓબ્સર્વેશન ક્લીયર જ હોય. એક્ટિંગની ટેલેન્ટ તો હોવી જ જોઈએ, એ તો જરૂરી છે જ. પણ સાથે સાથે ઓબ્સર્વેશન થી તમે જેટલું સમજી શકશો એટલું ક્યારેય કોઈ નહિ શીખવાડે.

બીજી પ્રાદેશિક ભાષાઓમાં બનતી ફિલ્મો જે પ્રકારે બીઝનેસ કરે છે, જે પ્રકારે ફિલ્મોની બનાવટનું એક લેવલ છે, તેમની સરખામણીમાં આપણી ઇન્ડસ્ટ્રી હજુ પા પા પગલી ભરી રહી છે. આ વિશે શું કહેવા માંગશો?

હું અંદરથી બહુ જ પોઝીટીવ માણસ છું. અને બહારથી પણ. મને સતત એવું લાગ્યા કરે છે કે થશે, બધું જ થશે. હું બહુ ધીરજ રાખવાવાળો માણસ છું. જો પ્રયત્નોથી નહિ તો ભૂલ કે ઇત્તેફાકથી તો થઇ જશે. પણ છોડી દેશો તો કંઈ જ નહી થાય. બીજા રીજનલ સિનેમાને પણ તકલીફ પડી જ હશે. પણ મને એમ છે કે ઓડીયન્સ રેડી છે. ગુજરાતનું ઓડીયન્સ જે આપશો તે સ્વીકારી લેશે. કેમકે એને એમાં ગુજરાતીપણું મળે છે.

યુવાવર્ગને શું સંદેશો આપવા માંગશો?

જે યુવાન નથી એ પહેલા યુવાન થઈને વિચારો! અમુકવાર મને એમ થાય છે કે યુવાનો ને કાયમ સલાહ જ આપ્યા કરવી? હું યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે મોજ કરો, કોઈને હેરાન ન કરો, તમને જે ગમતું હોય તે કરો, જીંદગીમાં જે ઘટનામાં મોજ આવતી હોય તેને સમય આપો.

જુઓ આખી મુલાકાત અહીં..

 256 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી