અમદાવાદમાં રથયાત્રા રૂટ પર જનતા કર્ફ્યૂમાંથી મુક્તિ

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન 

અમદાવાદમાં આજે કર્ફ્યુની વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. જોકે, 4 કલાકમાં જ ભગવાનના ત્રણેય રથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત આવી પહોંચ્યા છે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી જેના પગલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થયાં બાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા મર્યાદિત લોકો સાથે સંપન્ન કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની કૃપા અવિરત રાજ્ય પર રહે અને આગામી દિવસોમાં રાજ્ય કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના.

આ સાથે જ તેમણે જનતા કર્ફ્યૂને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, મેં રાજ્યના પોલીસ અધિકારી સાથે વાતચીત કરી છે અને રથયાત્રા પણ નિયત સમય કરતા વહેલા પૂર્ણ થઈ છે. ત્યારે અમદાવાદના 8 વિસ્તારમાં સવારથી લાગૂ કરવામાં આવેલ કર્ફ્યૂ 11.30 કલાકે જ પૂર્ણ થશે અને જનજીવન રાબેતા મુજબ થશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે 7 વાગ્યે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 44 ,  1