એક્ઝીટ પોલ કેટલા સાચા કેટલા ખોટા- રવિવારે ફેંસલો…

બંગાળમાં ફરી મમતા, આસામમાં ફરી ભાજપનેં સત્તાનું તારણ ….

પશ્ચિમ બંગાળ વિધાનસભાનું છેલ્લા તબક્કાનું મતદાન ગઇકાલે ગુરુવારે સાંજે સંપન્ન થયું હતું અને તેની સાથે જ એક્ઝિટ પોલના તારણો ટીવી મિડિયામાં આવવા લાગ્યા હતા. વિવિધ મીડિયા હાઉસ દ્વારા જુદા જુદા એક્ઝિટ પોલ તારણો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ પોલના વિશ્લેષણ બાદ ધ્યાનમાં લેતા આસામમાં ભાજપની સરકાર તેમજ કેરળમાં એલડીએફની સરકાર રચાશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ 294 બેઠકો પૈકી 149 બેઠકો પર જીત મેળવે તેવી સંભાવના છે

આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. 2જી મેના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન સંપન્ન થયું હતું જ્યારે આસામમાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું.

તમિલનાડુમાં ડીએમકેની સરકાર સત્તામાં આવી શકે છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ 294 બેઠકો પૈકી 149 બેઠકો પર જીત મેળવે તેવી સંભાવના છે. જ્યારે બંગાળમાં ભાજપ 116 બેઠકો સાથે બીજા મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. જ્યારે ડાબેરીઓને 16 બેઠકો મળે તેવી શક્યતા છે. કુલ છ એક્ઝિટ પોલના તારણોમાં મમતા બેનરજીને અડધો અડધ બેઠકો મળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો આ એક્ઝિટ પોલના અંદાજ પરિણામમાં તબદીલ થશે તો મમતા બેનરજી રાજ્યમાં જીતની હેટ્રિક રચશે. જો કે ભાજપે આ વખતે આપેલી ટક્કરને જોતા તે સૌથી મોટો પક્ષ બની શકે છે.

તમિલનાડુ- તમિલનાડુમાં ડીએમકેની સરકાર રચાશે તેવું પોલ ઓફ પોલમાં જોવા મળે છે. એક્ઝિટ પોલ મુજબ એમ કે સ્ટાલિની ડીએમકે તેમજ સહયોગી દળો 234માંથી 171 બેઠકો મેળવી શકે છે જ્યારે વર્તમાનમાં સત્તામાં રહેલી એઆઈએડીએમકે તેમજ સહયોગી પક્ષો 59 બેઠકો જ મેળવશે. ટીટીવી દિનાકરણની એએમએમકને બે બેઠકો મળવાની શક્યતા છે.

કેરળ- દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં વિધાનસભા ચૂંટણીમાં સત્તાપક્ષ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) ગઠબંધન અને કોંગ્રેસ અને સહયોગી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જો કે એલડીએફને લીડ મળવાની સંભાવના પોલમાં જોવા મળી શકે છે. રાજ્યમાં ભાજપને પણ કેટલીક બેઠકો મળી શકે છે. પોલ ઓફ એક્ઝિટ પોલના અંદાજ મુજબ રાજ્યની 140 વિધાનસભા બેઠક પૈકી એલડીએફને 76 બેઠકો મળવાની વકી છે. બહુમતિ માટે કોઈપણ પાર્ટીને 71 બેઠકો જીતવી જરૂરી છે.

પુડુચેરી- પુડુચેરીમાં 30 બેઠકો છે જેમાં એનઆરસી તેમજ સહયોગી પક્ષોને 18 બેઠકો મળી શકે છે જે 16ના જાદુઈ આંક કરતા વધુ છે.

 52 ,  1