September 19, 2021
September 19, 2021

જામનગર : અલિયા-બાડા ગામમાં ભારે તારાજી, 200-250 પશુઓનાં મોતનો અંદાજ

સમગ્ર ગામ બેટમાં ફેરવાયું, પશુધનને ખૂબ મોટું નુકસાન થયું

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાવી નાખ્યું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જામનગર તાલુકાના અલિયા બાડા ગામમાં એકાએક વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી, અને સાંબેલાધાર વરસાદ ખાબક્યો હોવાથી સમગ્ર અલીયા ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું, અને દસ ફૂટથી પણ વધુ પાણી ભરાયું હતું.

ત્યારે ગામના અનેક લોકો પાણીમાં ફસાયા હોવાનો જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને સંદેશો મળ્યો હતો. જેથી વહેલી સવારે છ વાગ્યે ફાયર બ્રિગેડ શાખાના સભ્યો અલિયા બાડા ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામમાં પાણી ભરાવાથી તેઓ બે કિલોમીટર સુધી પાણીમાં તરીને અથવા તો ચાલીને પહોંચ્યા પછી ગામમાં ફસાયેલા 25 થી વધુ ને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.

જામનગર શહેરથી 20 કિલોમીટરના અંતરે આવેલા અલિયા અને બાડા ગામમાં પણ વરસાદે તારાજી સર્જી છે. જેમાં પણ સૌથી વધારે તારાજી બાડા ગામમાં થઈ છે. આસપાસના વિસ્તારોમાં પશુધનને ખૂબ મોટું નુકસાન થયું છે. ગામમાં વીજળીના થાંભલા તૂટી ગયા છે. ગામના લોકોને ખાવા માટે અનાજ નથી, કારણ કે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી અનાજ પલળી ગયું છે. લોકોના વાહનો પણ પાણીમાં તણાઈ ગયા છે. ઘરવખરી તેમજ ખેડૂતોએ ખેતરોમાં રાખેલી સાધન સામગ્રી પણ પાણીમાં તણાઈ ગઈ છે.

ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે 200થી 250 પશુઓનાં મોત થયા છે. માલિકો પશુઓના બાંધીને રાખતા હોય છે. અચાનક પાણી આવતા ગામ કે પછી સીમમાં બાંધેલા પશુઓને છોડવાનો મોકો જ મળ્યો ન હતો. જેના પગલે અનેક પશુઓ બાંધેલી હાલતમાં જ મૃત્યું પામ્યા છે. તો અનેક પશુઓ પાણીમાં તણાય ગયા હતા. જેમના મૃતદેહ જ્યાંને ત્યાં પડ્યા હોવાના કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

 99 ,  1