કાંઇ…વાંધો નહીં…હંધુય થઇ જાહે….!! ડોન્ટ વરી, સંભાળી લઇશું….અમે છીએ ન….!!

કારખાનના માલિક માટે તેની કિંમત 4 લાખ છે પણ તેમના પરિવાર માટે… અમૂલ્ય…..અમૂલ્ય….

12 જણાં હોમાઇ ગયા તે પછી શરૂ થયો તપાસનો ધમધમાટ…..!!

અહીં તો આગ લાગે ત્યારે કૂવો ખોદાવવાના ટેન્ડરો બહાર પડે એવી હાલત છે…..

જાને ભી દો યારો….જિંદગી ઇસી કા નામ ….? ના, સીસ્ટમ ઇસી કા નામ….!!

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

એક સમયે ગુજરાતના અંકલેશ્વેરમાં જ કેમિકલની ફેક્ટરીઓ નાંખવામાં આવતી હતી. આજે અમદાવાદમાં પણ કેમિકલની ફેક્ટરીઓ છે. કેટલી છે એ તો સંબંધિત સત્તાવાળાઓ જ જાણતા હશે. કેટલી નોંધાયેલી અને કેટલી નહીં નોંઘાયેલી…એમ કારખાના ધમધમે છે. પરંતુ જ્યારે કોઇ દુર્ઘટના બને ત્યારે તેનો કાળો ઇતિહાસ બહાર આવેછે કે, અરે, આ કારખાનાની તો કોઇ નોંધ જ નથી ચોપડે. નોંધાયેલો હોય અને નિયમો ન પળાતા હોય તો પણ, ટીપીકલ ગુજરાતીમાં કહે છે ને- કાંઇ…વાંધો નહીં…હંધુય થઇ જાહે….!! એટલે કે ડોન્ટ વરી, સંભાળી લઇશું….અમે છીએ ન….

અમદાવાદમાં પિરાણા વિસ્તારમાં કેમિકલની એક ફેક્ટરીમાં એવો ધડાકો થયો કે આસપાસના ગોડાઉનની સાથે 12 લોકો હતા નહતા થઇ ગયા. 12 મહામૂલી જિંદગીઓ ખતમ થઇ ગઇ. કારખાનના માલિક માટે તેની કિંમત 4 લાખ છે પણ તેમના પરિવાર માટે…અમૂલ્ય….. અમૂલ્ય…. પરિવારમાં તેમનું મૂલ્ય અમૂલ્ય હતું અને હોય જ છે. એવી 12 જિંદગીઓ કારખાનાની બેદરકારીનો ભોગ બની. ધડાકો થયો તેના કેટલાક દિવસો પહેલા કારખાનાની નજીકની ગટરમાં ધડાકો થયો હતો અને આગ લાગી હતી…..!! એ ગટરમાં શક્ય છે કે એ કેમિકલનો કચરો ઠલવાતો હશે-કાયદે કે ગેરકાયદે. કોઇ ચેત્યા નહીં અને 12 જણાં હોમાઇ ગયા તે પછી શરૂ થયો તપાસનો ધમધમાટ…..!!

અધિકારીઓ નિકળી પડ્યા તપાસ કરવા- કેટલા કારખાના છે…મંજૂરી લીધી છે,,,,સલામતીની શી વ્યવસ્થા છે વગેરે…વગેરે….પછી દિવસો જશે એટલે એ તપાસ રિપોર્ટ મૂકાશે એક બાજુ. લોકો –મિડિયા સવાલો કરતાં બંધ થશે, મરનારાઓને તેમના સ્વજનો જ યાદ રાખશે. સત્તાવાળાઓ 4-4 લાખ આપીને ભૂલી જશે. વધારે વિરોધ થશે તો એક કે બે લાખ વધારે અપાશે અને મામલો…..!

માનસિક્તા જ એવી છે અને બની ગઇ છે કે બનાવી દેવામાંઆવી છે કે કાંઇ બને ત્યારે સફાળા ઉંઘમાંથી જાગવુ અને દોડવુ..!! સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે તમામ ઇમારતોની ફાયર સેફ્ટી યાદ આવે….!! અમદાવાદમાં કોઇ હોસ્પિટલમાં આગ લાગે અને કોરોનાના કેટલાક દર્દીઓ માર્યા જાય ત્યારે ખબર પડે કે એમાં તો ફાયર સેફટી જ નથી….!! કહેવત છે ને કે આગ લાગે કૂવો ખોદવો….!! અહીં તો આગ લાગે ત્યારે કૂવો ખોદાવવાના ટેન્ડરો બહાર પડે એવી હાલત છે. શું થાય…આપણી માનસિક્તા જ એવી છે….

કોઇ સરકારી કર્મચારી કે અધિકારી લાંચ લેતા ઝડપાય ત્યારે તેની બેનામી સંપત્તિની ફટાફટ તપાસ થાય અને બેનામી મિલકતો મળી પણ આવે. અલ્યા ભાઇ, પેલો રંગે હાથે ઝડપાય ત્યારે જ બેનામી મિલકતો શોધવી…? સામાન્ય સંજોગોમાં એવી કોઇ સીસ્ટમ નથી કે તમામની બેનામી મિલકતો કેટલી છે તે શોધી કાઢવી જોઇએ કે નહીં…? પેલો એસીબીમાં પકડાય ત્યાં સુધી રાહ જોવાની માનસિક્તા થઇ ગઇ છે. કેમ કે છિંડે ચઢ્યો એ ચોર….બાકી બધા પ્રામાણિક્તાના મોર……?!!

લઠ્ઠાકાંડ થાય ત્યારે એ…ય પોલીસની ગાડીઓ આખા શહેરના અડ્ડાઓ પર ફરી વળે….લાગતાવળગતાને સુચના આપે- જો જો હોં…કોઇ માલ મળવો ના જોઇએ, નહીંતર ગયા અંદર…!! તે પહેલા અને તે પછી ટેન્કરો ભરી ભરીને દિવથી, દમણથી, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી ઝુમ બરાબર ઝુમ….નો લાલ પ્રવાહી ખોરાક આવતો જાય છે અને ખોરાક-પાણી ચાલ્યા કરે… . શું થાય માનસિક્તા જ એવી થઇ ગઇ છે….! આ જુઓ ને, મોંઘવારી કેટલી વધી ગઇ છે…? આટલામાં પુરૂ થાય …? એટલે કંઇક તો કરવુ પડે ઉપરનો ખર્ચો કાઢવા માટે….!!

આ જન જનની…મન મનની મેલી માનસિક્તા કોણ બદલશે…?

રોજ સવારે તમામ ટીવી ચેનલો પર સાધુ-સંતો, મૌલવીઓ, પાદરીઓ પ્રામાણિક્તાથી જીવવાની, સાદાઇથી જીવવાની શિખામણો આપે છે. કેટલીક ચેનલોમાં તો 24 કલાક સંતવાણી… છતાં છાંટોપાણીની મહેફિલો યોજાતી જ રહે છે…!!

રામાયણ-ભગવત ગીતા, કૂરાન, બાઇબલ, વેદ-પુરાણ, ફિલોસોફી, શાસ્ત્રો, ગ્રંથો, મહાપુરૂષોના જીવન ચરિત્રો, સુજીવન બોધપાઠ આપતી ફિલ્મો, નાટકો, લેખો, ભવઇ, પરંપરાઓ……ઓહોહો….તેટલુ બધુ સારૂ સારૂ…છતાં ય…?

આ જ રીતે નિર્દોષોની જિંદગીઓ હોમાતી જશે…..

વળતર ચુકવીને છટકી જવાની માનસિક્તા ચાલ્યા જ કરશે…ચાલ્યા જ કરશે..

જાને ભી દો યારો….જિંદગી ઇસી કા નામ ….? ના, સીસ્ટમ ઇસી કા નામ….!!

-દિનેશ રાજપૂત

 205 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર