ચોટિલા પગપાળા જઇ રહેલા પરિવારને અજાણ્યા વાહને મારી ટક્કર, દિકરી અને કાકાનું મોત

મૃતક દીકરીના માતા-પિતા થયા ઇજાગ્રસ્ત

રાજકોટ – અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ચોટીલા માનતા પુરી કરવા જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા માસૂમ દીકરી અને કાકાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે દિકરીના માતા-પિતા ઇજાગ્રસ્ત થયા છે.

રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવારના 4 સભ્યો 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પુરી કરવા માટે ઘરેથી ચોટિલા જવા નિકળ્યા હતા. રાત્રિના લગભગ 1થી 1.30 વાગ્યાના અરસામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી ઠોકર મારી ભાગી ગયો હતો. જેમાં 1 વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના માતા-પિતાને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક જ દીકરી હતી અને એ જ દીકરીની માનતા પુરી કરવા માટે સાંજે 6 વાગ્યે પગપાળા ચાલીને ચોટીલા માનતા પુરી કરવા જઇ રહ્યા હતા. આ સમયે રાત્રિના 1થી 1.30 વાગ્યા અરસામાં અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારતા મારી દીકરી અને તેના કાકાના દીકરા ભાઇ રવિનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અજાણ્યાવાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 80 ,  1