દિલ્હીમાં આજે ખેડૂતોની સંસદ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કૃષિ કાયદાને લઈને આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં

એક બાજુ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને બીજી બાજુ આજથી સંસદની બહાર જંતર મંતર પર ખેડૂતોની ‘સંસદ’ ચાલશે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની ખેડૂતોની માગણીને દિલ્હી પોલીસે શરતી મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ બુધવારે ત્રીજા રાઉન્ડની બેઠક બાદ 200 ખેડૂતોને જંતર મંતર પર ખેડૂત સંસદનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનો ભંગ ન થાય તે જોતા આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે.

ખેડૂતાના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીના ટિકરી, સિંધુ, ગાજીપુર બોર્ડર અને જંતરમ-મંતર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શન શરૂ થાય તે પૂર્વે અલગ-અલગ વિસ્તારોમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.

સંયુક્ત કિસાન મોરચામાં દેશભરના લગભગ 40 ખેડૂત સંગઠનો સામેલ છે. આવામાં એક સમૂહ તરીકે મંજૂરી આપવાની જગ્યાએ અલગ અલગ સંગઠનોના સ્તર પર આ મંજૂરી અપાઈ છે. દરેક સંગઠનમાંથી 5-5 સભ્યોને જંતર મંતર પર આવવાની મંજૂરી મળી છે. આ તમામ લોકો સિંધુ બોર્ડર પર ભેગા થશે અને ત્યાંથી પોલીસ પોતે 5-6 બસોમાં બેસાડીને આ લોકોને એસ્કોર્ટ કરીને એક નિર્ધારિત રૂટ પર જંતર મંતર લઈ જશે. ટીકરી અને ગાઝીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ પણ પહેલા સિંધુ બોર્ડર પહોંચવુ પડશે અને ત્યાંથી તેમણે બસમાં બેસીને જવાનું રહેશે.

દિલ્હી પોલીસની સાથે સાથે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ પણ ખેડૂતોને જંતર મંતર પર પ્રદર્શનની મંજૂરી આપી છે. DDMA ના એડિશનલ સીઈઓ રાજેશ ગોયલે બુધવારે સાંજે દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર (હેડક્વાર્ટર) દીપક પુરોહિતને એક પત્ર લખીને જાણ કરી કે દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી પોલીસ તરફથી કરાયેલી ભલામણને સ્વીકારી લેતા સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ 200 ખેડૂતોને જંતર મંતર પર પ્રોટેસ્ટ કરવાની મંજૂરી મળી છે.

 45 ,  1