ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગ પર મક્કમ, કહ્યું – આગ સાથે ના રમે સરકાર

સરકાર સાથે વાતચીતના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો, કોંગ્રેસ આજે રાષ્ટ્રપતિ ભવન સુધી કરશે કૂચ

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે. 

નવા કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સુધારાના પ્રસ્વાવને ખેડૂત સંગઠનોએ બુધવારે નકારી દીધો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ આ નિર્ણય બાદ સિંધુ બોર્ડર પર કહ્યું કે, હાલમાં સરકાર સાથે બેઠક કરવાની ખેડૂતોની ઈચ્છા નથી. તેની સાથે જ તેમણે ખેડૂતોને ફરી ઠોસ પ્રસ્વાવ મોકલવા કહ્યું છે. જો કે, સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો કિસાન મોર્ચા દ્વારા લેખિતમાં જવાબ આપતા કહ્યું કે, “આ પત્ર બદનામ કરવાનો પ્રયાસ છે. સરકાર સાથે વાતચીતમાં રણનીતિનો સહારો લેવામાં આવ્યો છે. આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનું આ વલણ ખેડૂતોને વિરોધ પ્રદર્શ તેજ કરવા મજબૂર કરી રહ્યું છે. ”

સંયુક્ત કિસાન મોર્ચાએ વધુમાં કહ્યું કે, “ખેડૂતોની માંગ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની છે, પરંતુ સરકાર સંશોધનથી આગળ નથી વધી રહી. અમે કાયદામાં સુધારાની માંગ નહીં તેને રદ કરવાની માંગ કરી રહ્યાં છે. એમએસપી પર તમે લેખિત પ્રસ્તાવ આપી રહ્યાં છો. વીજળી કાયદા પર તમારો પ્રસ્તાવ અસ્પષ્ટ છે. જવાબ આપવું વાજબી નથી. સરકારને આગ્રહ છે કે ઠોસ પ્રસ્તાવ લેખિતમાં મોકલે જેથી અમે સરકાર સાથે વાતચીતને આગળ વધારી શકીએ. ”

ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર આગ સાથે રમી રહી છે. યુવાનો પરેશાન છે કે તેમના ઘરના વૃદ્ધ વડીલો એક મહિનાથી દિલ્હી બોર્ડર પર બેઠા છે. યુવાનો સંયમ ગુમાવી રહ્યાં છે. તેથી સરકારને ચેતવણી છે કે, ખેડૂતો પર થોપવામાં આવેલા કાયદા પરત લેવામાં આવે.

કોંગ્રેસના સાંસદોની પગપાળા કૂચ

ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો આજે સવારે 11 વાગે દિલ્હીમાં વિજય ચોક પર ભેગા થશે અને પછી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. દાવો છે કે કોંગ્રેસના સાંસદ રાષ્ટ્રપતિને કૃષિ કાયદા વિરુદ્ધ 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી પણ સોંપશે. 

ભાજપ યુપીમાં લગાવશે 400 ખેડૂતોની ચોપાલ

ભાજપ આ લડતને દિલ્હી બહાર લડવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યો છે. ભાજપ કૃષિ કાયદાને લઈને ખેડૂતોને જાગૃત કરે છે અને આ માટે ઉત્તર પ્રદેશમાં 400 ખેડૂતો ચોપાલ લગાવશે. દાવો છે કે તેમા 4 લાખ ખેડૂતો જોડાશે. 

29 દિવસ બાદ પણ આંદોલન ચાલુ

29 દિવસોથી ચાલતા પ્રદર્શન બાદ પણ આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એકમત જોવા મળી રહ્યો નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદા પાછા ખેંચ્યા વગર ચર્ચા શક્ય નથી. આ સાથે જ ખેડૂતોની માગણી છે કે સરકાર MSP પર કાયદો બનાવે. બીજી બાજુ સરકાર એ બતાવવાની કોશિશમાં છે કે નવા કાયદા ખેડૂતોના હિતમાં છે અને મોટાભાગના ખેડૂતો તે સમજે પણ છે. 

ખેડૂતોના ખાતામાં જશે 18 હજાર કરોડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરના રોજ 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે પીએમ મોદી કિસાન સન્માન નિધિનો 7મો હપ્તો જારી કરશે અને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવશે. 

સરકાર કરી રહી છે આંદોલન ખતમ કરવાની કોશિશ

સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓની વાતોથી સ્પષ્ટ છે કે સંવાદથી જે સમાધાનની કોશિશ થઈ રહી છે તે સંવાદમાં કોઈ પેચ છે. ન તો ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચ્યા વગર માનવાના નથી જ્યારે સરકાર આ કાયદા પાછા ખેંચવા બિલકુલ તૈયાર નથી. આથી આંદોલનની આંચ ઘટવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી અને તેની આસપાસ હજારો આંદોલનકારી ખેડૂતોનો આજે 29મો દિવસ હતો. અત્યાર સુધી સરકાર સાથે પાંચ તબક્કાની વાતચીત થઈ ચુકી છે. ખેડૂતો નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર