બોલ્યા…બોલ્યા…! આખરે અન્નાનો અવાજ આવ્યો ખરો, પણ સાંભળે કોણ…? આ 2012 નહીં 2020 છે..!!

અન્ના કી આવાજઃ ખેડૂતો કાંઇ પાકિસ્તાની નથી, સરકાર તેમની સાથે ચર્ચા કરે….

અન્નાના ખભે બેસીને કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા, કિરણ બેદી પુડ્ડીચેરીના ઉપરાજ્યપાલ…

અને બાબાજીનો ધંધો તો એ…ય દિન દુના રાત ચૌ ગુના દનાદન વધી રહ્યો છે…

એક યુવાને ટીવી રિપોર્ટરને બુમ જોઇને પૂછ્યું- મેડમજી, આપને કૃષિ બિલ પઢા હૈ ક્યા…? !

આંદોલનની પાછળ ખાલિસ્તાનવાદીઓ હોય તો ટીવી ચેનલો તેની માહિતી સરકારને આપે..

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ખેડૂત આંદોલન પર નજર રાખનારા ક્યારનાય વિચારતા હતા કે આંદોલનોની મોસમ છે દિલ્હીમાં અને અન્ના હજારે ક્યાં છે….?!! લોકોની આ લાગણીનો પડઘો પાડતા હોય તેમ છેવટે રાળેગણસિધ્ધિથી અવાજ આવ્યો ખરો અન્નાનો-સરકારે આંદોલનકારી ખેડૂતોની સાથે વાતચીત કરવી જોઇએ. જેમ ચૂંટણીમાં નેતાઓ વોટ માંગવા ખેડૂતોના ખેતર સુધી જાય છે તેમ આ વખતે પણ તેમની પાસે જઇને વાત કરવી જોઇએ. કમનશીબે સરકારે એવું વાતાવરણ સર્જ્યું છે કે જાણે કે ખેડૂતો પાકિસ્તાનના હોય, એવો વર્તાવ તેમની સાથે થઇ રહ્યો છે તે યોગ્ય નથી.

અન્નાએ ઘણાં સમય પછી ઉંચા અવાજે કહ્યું છે કે ખેડૂતો આજે અહિંસાના રસ્તે ચાલીને કૃષિ કાયદાની જોગવાઇ સામે આંદોલન કરી રહ્યાં છે, કાલે તેઓ હિંસાનો માર્ગ અપનાવશે તો તેની જવાબદારી કોણ લેશે…ખેડૂતો કાંઇ પાકિસ્તાની નથી, સરકાર તેમની સાથે ચર્ચા કરે, ખેડૂતો પર શિયાળાની ઠંડીમાં પાણીનો મારો ચલાવવામાં આવે છે તે પણ યોગ્ય નથી, ખેડૂતો સાથે પોલીસ દ્વારા જે પ્રકારનું આંદોલન થઇ રહ્યું છે તે જાણે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હોય…. તેમ લાગે છે.

અન્ના હજારે યાદ છે ને…? 2012માં દિલ્હીના રામલીલા મેદાનમાં જે લીલામાં જે લોકોએ ભૂમિકા ભજવી તેમાં એક અરવિંદ કેજરીવાલ પણ હતા. બાબા રામદેવ હતા, કિરણ બેદી હતા અને અન્ના હજારે પણ હતા. કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા, કિરણ બેદી પુડ્ડીચેરીના ઉપરાજ્યપાલ અને બાબાજીનો ધંધો તો એ…ય દિન દુના રાત ચૌ ગુના દનાદન વધી રહ્યો છે. અન્નાને તો પછી રાળેગણ મોકલી દેવાયા અને ખેડૂત આંદોલનની હવા પારખીને વળી પાછા આળસ મરડીને બોલ્યા. તે વખતે આંદોલનનું સ્થળ હતું દિલ્હીનું રામલીલા મેદાન, અને આજે છે દિલ્હીની સીમાઓ.

ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવાના પોલીસે ઘણાં પ્રયાસો કર્યા, પાણીનો જોરદાર મારો ચલાવ્યો પણ આ કાંઇ સામાન્ય ખેડૂતો નથી. જેમના દિકરા-દિકરી આર્મીમાં હોય તેવા પંજાબના ખેડૂતોએ પાણીનો માર સહન કરીને અને બેરીકેડ હડસેલીને પ્રવેશ્યા. અને તેઓ કહી રહ્યાં છે કે તેઓ 4 મહિનાનું રાશન-પાણી લઇને જ નિકળ્યા છે, એટલે આર યા પાર….

કેટલાક ટીવી મિડિયા ખેડૂત આંદોલનની પાછળ ખાલિસ્તાનનો દોરીસંચાર હોવાનો અને ખેડૂતોના આંદોલનમાં ગુંડા તત્વો ઘૂસી ગયા હોવાનું કહે છે. જો ખરેખર એવું હોય તો એ ટીવી મિડિયાએ વહેલામાં વહેલી તકે કેન્દ્ર સરકારને એ ખાલિસ્તાનીઓના નામો આપવા જોઇએ. જેથી કોઇ અઘટિત ઘટના ન બને.

ટીવી મિડિયાની વાત નિકળી છે તેવા સમયે આજે 30મીએ સવારે એક ટીવી મિડિયાએ આંદોલનના સ્થળે મોકલેલા રિપોર્ટરો પાસેથી અહેવાલ મેળવી રહ્યાં હતા. એક મહિલા રિપોર્ટરે સ્ટુડિયોમાં બેઠેલા એન્કરના કહેવાથી એક શિખ યુવાને સવાલ કર્યો કે તેઓ મોદી સરકારે બનાવેલા 3 કૃષિ કાયદા અંગે શુ જાણે છે….? પેલો યુવા પણ માથાનો નિકળ્યો અને રિપોર્ટરના હાથમાં રહેલા બુમને જોઇને કઇ ચેનલની છે અને એ ચેનલ કોની છે એ ચેનલ કોની તરફેણ કરે છે એ જાણી ગયો હોય તેમ તરત જ વળતો સવાલ કર્યો- મેડમજી, આપને કૃષિ બિલ પઢા હૈ ક્યા…. આપકો માલુમ હૈ કી કૃષિ બિલ મેં સરકારને કિસાનો કે લિયે ક્યા કિયા હૈ….!! પેલી રિપોર્ટર અને સ્ટુડિયોમાં બેસીને રિપોર્ટરને અમુક અમુક સવાલો પૂછવાનું કહેનાર એન્કર રીતસર ડઘાઇ ગયા….!! પેલા યુવાને રિપોર્ટરને વારંવાર પૂછ્યું કે તમે કૃષિ કાયદો વાંચ્યો છે કે નહીં….રિપોર્ટર બુમ લઇને આગળ આગળ અને પાછળ પેલા શિખ યુવાનની સાથે બીજા લોકો પણ ભળ્યા અને શરૂ થયું- મિડિયા મુર્દાબાદ….મિડિયા મુર્દાબાદ….!!

બની શકે કે પંજાબના આ ખેડૂત આંદોલનની પાછળ કોઇ રાજકિય પક્ષનો ટેકો પણ હોય. જેમ 2012માં અન્ના-કેજરી-કિરણ-બાબાના આંદોલનની પાછળ કોઇ રાજકિય પક્ષ કે સંગઠનનો હાથ હોવાના આરોપો થયા તેમ અત્યારે પણ આરોપો થઇ રહ્યાં છે. બની શકે કે તેની પાછળ શિરોમણી અકાલી દળ-સેડ-નો ટેકો હોઇ શકે. કેમકે મોદી સરકારમાં સેડના ક્વોટામાંથી મંત્રી બનેલા હરસિમરત કૌર બાદલે તેઓ જે સરકારમાં હતા તે સરકારે કૃષિ કાયદામાં ફેરફારો કરીને જે 3 નવા સુધારા કર્યા તેના વિરોધમાં મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું અને પછી આ પાર્ટી એનડીએમાંથી પણ નિકળી ગઇ. સરકારની સાથે રહેનાર હવે સરકારની સામે પડ્યા હોય અને સરકારને પડકારી રહ્યાં છે ત્યારે સરકારે પોતાના જુના દોસ્તારને ફરીથી સમજાવીને એનડીએમાં પાછા લેવા જોઇએ. લેકિન ક્યાં ઐસા હોગા….?

અન્ના કહે છે કે લોકશાહીમાં લોકો આંદોલન નહીં કરે તો કોણ કરશે…? જેમ 2012માં ભ્રષ્ટાચાર સામે રામલીલા મેદાનમાં આંદોલન થયું તેમ અત્યારે ખેડૂતોને એમ લાગતુ હોય કે સરકારે જે જોગવાઇ કરી છે તે ખેડૂતોના હિતમાં નથી, તો સરકારે તેમને સમજણ પાડવી જોઇએ અને ખાતરી આપવી જોઇએ. આખરે તો વાતચીતથી જ રસ્તો નિકળશે. ચીને આપણાં 20 જવાનોને મારી નાંખ્યા છતાં ચીન સાથે મંત્રણા થતી હોય તો ખેડૂતો તો આપણાં દેશના જ છે. તેમની સાથે આવું વર્તન યોગ્ય નથી.

બની શકે કે સરકારને ઘેરવામાં સરકારના જ જુના સાથીઓનો હાથ હોઇ શકે. શંકાની સોય મહારાષ્ટ્ર પણ પહોંચી શકે…પંજાબ પણ પહોંચી શકે. અને કોંગ્રેસ તો છે જ. કોંગ્રેસને ખબર હશે કે 2012ના અન્ના આંદોલનની પાછળ કોણ હતા તેમ હવે તે સરકારને ઘેરવામાં ખેડૂતોને માર્ગદર્શન આપી રહી હોય. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને પંજાબ સરકારે જાહેરમાં ખેડૂતોની માંગણીઓને ટેકો આપ્યો છે.એટલે પછી આવા આંદોલનો રાજકિય બની જતાં વાર લાગતી નથી. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને કદાજ કેટલીક ચેનલો પેલી ખાલિસ્તાનવાળી થીયરી ચલાવી રહ્યાં હોય, જેથી આંદોલન બદનામ થાય અને ટાઢા પાણીએ ખસ જાય…!!

હશે. રાજકારણ એની જગ્યાએ, આંદોલન એની જગ્યાએ. “મન કી બાત”માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાના સુધારાઓનો બચાવ કર્યો. બની શકે કે તેમ છતાં મંત્રણા યોજાય અને આંદોલન પાછુ ખેંચાય તો સામાન્ય લોકોને આવા આંદોલનોથી પડતી વિવિધ મુશ્કેલીઓ નિવારી શકાય.

અન્ના બોલ્યા છે એટલે નિવેડો આવવાની શક્યતા છે. કેમ કે 2012માં પણ અન્ના બોલ્યા-ઉપવાસ કર્યા-અન્ના નહીં ગાંધી હૈ…ના સૂત્રો પોકારવામાં આવ્યાં અને લોકપાલનો કાયદો બન્યો. તેમ કૃષિ સુધારાઓ પાછા ખેંચાય તો દૂર દૂરથી દિલ્હી આવેલા ખેડૂતો ફરી પોતપોતાના ખેતરમાં જઇને હળ ચલાવતા ચલાવતા ગાશે- મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી…મેરે દેશ કી ધરતી….!!

અને હાં, વડાપ્રધાનની સામે પણ તપાસ કરી શકે એવા લોકપાલનો કાયદો બન્યો અને લોકપાલ પણ નિમાઇ ગયા તો એ વખતે લોકપાલની માંગણી કરનારાઓ હવે…?!!

-દિનેશ રાજપૂત

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર