મન કી બાત : PM મોદીએ કહ્યું – કૃષિ, ખેડૂત અને ગામડા આત્મનિર્ભર ભારતનો આધાર

કૃષિ ક્ષેત્ર, દેશની આઝાદીમાં મહાપુરૂષોના યોગદાનનો કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર દેશની જનતા સાથે ‘મન કી બાત’ના 69માં સંસ્કરણ થકી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. તેમજ દેશવાસીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. ખાસ કરીને મનકી બાતમાં તેમણે બાળકોને સંભળાવવામાં આવતી વાર્તાઓ, કૃષિ ક્ષેત્ર, દેશની આઝાદીમાં મહાપુરૂષોનું યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો, તો કોરોના સંક્રમણની સ્થિતિને લઈને દેશવાસીઓને સાવધાન અને જાગૃત રહેવાની પણ અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ થકી ફરી એક વાર પોતાના વિચારો દેશની જનતાને વર્ણવ્યાં હતાં. પોતાના પ્રારંભિક સંવાદમાં પ્રધાનમંત્રીએ અગાઉના જમાનામાં કોઈપણ પ્રસંગો અનુસાર પૂર્વજો દ્વારા પરિવારના સભ્યો અને ખાસ કરીને બાળકોને સંભળાવવામાં આવતી વાર્તાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. આ વાર્તા કળાની પરંપરાને આજે પણ ઘણા લોકોએ અકંબધ કરી રાખી છે. અને આ દિવસોમાં વિજ્ઞાન આધારિત વાર્તાઓ લોકપ્રિય થઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે આ સંદર્ભમાં દેશવાસીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે, વાર્તા સંભળાવવા થી બાળકોના વિકાસને એક નવી દીશા મળતી હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યાં છે. ત્યારે આપણી વાર્તાઓમાં ગુલામીના કાળા અધ્યાયની જેટલી પણ પ્રેરક નાની-મોટી ઘટના છે, તેમને વાર્તાઓમાં ઢાળવાનો અનુરોધ કર્યો હતો. જેથી નવી પેઢીને માહિતગાર કરી શકાય અને વાર્તાની કળા વધુ મજબૂત બને.

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આપણી કૃષિ., ખેડૂત અને ગામડા આત્મનિર્ભર ભારતનો પાયો મજબુત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટમાંથી મુક્ત કરી દેતા ખેડૂતોને લાભ થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને હવે પોતાની ઈચ્છા અનુસાર જ્યાં સારો ભાવ મળે ત્યાં વેચવાની આઝાદી મળી ગઈ છે.. અને વચેટિયાઓથી પણ મુક્તિ મળી ગઈ છે. પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના ખેડૂત ઈસ્માઈલ ભાઈનું ઉદાહરણ આપીને તેમની પ્રશંસા કરી હતી કે કેવી રીતે તેમણે ડ્રિપ સિંચાઈ કરીને બટાટાની ખેતીમાં મબલક ઉત્પાદન કર્યુ અને સારી આવક ઉભી કરી…

પ્રધાનમંત્રીએ શહીદ વીર ભગતસિંહનાં શૌર્ય અને સાહસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરે તેમની જન્મજંયતિ છે. તેઓ પરાક્રમીની સાથે વિદ્વાન અને ચિંતક પણ હતા અને ટીમ વર્કમાં માનતા હતાં. તેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું. દેશ માટે કંઇક કરી બતાવવું એજ ભગતસિંહને સાચી શ્રધ્ધાંજલિ છે. 4 વર્ષ પહેલાં આપણાં દેશના જવાનોએ પણ પોતાના પ્રાણની પરવા કર્યા વગર સર્જીકલ સ્ટ્રાઈક કરીને ભારત માતાનાં ગૌરવ અને સન્માનની રક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અનેક મહાન લોકોને યાદ કરીશું કે, જેઓએ ભારતના નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીને યાદ કરવાનો દિવસ છે. આ ઉપરાંત લોકનાયક જયપ્રકાશ, નાનાજી દેશમુખના યોગદાન અને જનસેવામાં ભજવેલી મહત્વની ભૂમિકાનું સંસ્મરણ કર્યું હતું.

તો આગામી રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મજંયતિને લઈને તેમનું સંસ્મરણ કરતાં તેમનો એક કિસ્સો પણ પ્રધાનમંત્રીએ વર્ણવ્યો હતો. જેમાં ક્ન્યાકુમારીથી કાશ્મીરની એક યાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તે યાત્રા દરમિયાન મધ્યપ્રદેશના શિવપુરી પાસે રોકાણ કર્યું હતું, ત્યારે કડકડતી ઠંડીમાં રાત્રે બે વાગ્યે રાજમાતા તેમના સહિત સમગ્ર કાર્યકર્તાઓ માટે જાતે જ હળદરવાળું ગરમ દુધ લઈને આવ્યાં હતાં. આમ તેમની મમતા અને કરૂણા તમામ પર અપાર હતી.

મન કી બાત કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશમાં વ્યાપેલી કોરોના કાળની સ્થિતિનો ઊલ્લેખ કર્યો હતો. અને લોકોને કોરોના સામે જાગૃત રહેવાનું તેમજ કોરોના સામે સાવધાન રહેવાના તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી..

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર