ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- મને પણ નજરકેદ કરવામાં આવ્યો, શાહ બોલ્યા- તેમની મરજીથી ઘરે છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાને લઇને ઉદભવેલા રહસ્યને પૂર્ણ વિરામ લાગી ગયું છે. સંસદમાં ઉઠેલા સવાલ વચ્ચે તેઓ શ્રીનગરમાં પત્રકારો સાથે વાત-ચીત કરતા જોવા મળ્યા. એમણે સરકાર પર આરોપ લગાવ્યો કે, એમને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા.

શ્રીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, “ગૃહ મંત્રાલય જુઠ્ઠું બોલી રહ્યું છે. મારા પુત્ર ઉમર અબ્દુલ્લાને જેલમાં નાખી દેવાયો છે. કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે. મને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલશે એવી અપેક્ષા ન હતી. કલમ-370ના મુદ્દે અમે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધીશું.”

મારા દરવાજા પર એક મોટુ તાળુ લાગેલુ છે. ગૃહમંત્રીએ મને કહ્યું કે મને નજરબંધ કરવામાં નથી આવ્યો. પછી તમે કોણ છો જે મને બંદી બનાવી રહ્યા છો ? જ્યારે મારુ રાજ્ય સળગી રહ્યું હોય અને મારા લોકોને જેલમાં નાખવામાં આવી રહ્યા હોય આવા સમયમાં હું કેવી રીતે મારી મરજીથી ઘરમાં રહેવાનું પસંદ કરીશ. આ એ ભારત નથી જેના પર અમે વિશ્વાસ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફારૂક અબ્દુલ્લાની સંસદમાં ગેરહાજરી મુદ્દે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, “ફારૂક અબ્દુલ્લાની ધરપકડ કરાઈ નથી કે તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા નથી. તેઓ પોતાની મરજીથી ઘરે છે.”

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી