વટવામાં મોબાઇલ ચોરીના શકમાં બે ભાઇઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

ગુલમોહર તવા પાસે લઇ જઇ છરીના ઘા ઝીંક્યા, પાંચ સામે ફરિયાદ

અમદાવાદના વટવા વિસ્તારમાં નજીવી બાબતમાં પાંચ શખ્સોએ એક યુવકને મોતને ઘાત ઉતારી દીધો હતો. મોબાઇલ ચોરીનો આરોપ લગાવી આરોપીઓએ બે ભાઇઓને ગુલમોહર તવા પાસે લઇ જઇ બેઝબોલના દંડા તેમજ છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

વટવાના સૈયદવાડી વિસ્તારમાં ઓરડી હાજીસાહેબની ચાલીમાં રહેતા રિયાઝ શેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ મોડી રાતે તેમના ભાઇ મોહમદ અસ્પાક તથા મિત્ર ઇરફાન ઉર્ફે સતુ તથા સાહનબાઝ ઉર્ફે માનસીક ચારેય લોકો રાજા બેકરી પાસે રીક્ષામાં બેઠા હતા. આ દરમિયાન શાકરી ઉર્ફે કચ્છુ શાબીર હુસૈન શેખ, અબ્દુલ રઝાક પઠાણ તથા ઇમરાન ઉર્ફે બોડો રીક્ષા લઇને આવ્યા હતા. રઝાકે રીક્ષામાં બેઠેલા યુવકોને કહ્યું કે, જેણે પણ મારો ફોન લીધેલ હોય તો આપી દો.. જેથી યુવકોએ કહ્યું કે અમે કોઇનો ફોન લીધો નથી. ત્યાર બાદ આરોપીઓએ યુવકોને રીક્ષામાં બેસાડી ગુલમોહર તવા પાસે લઇ ગયા હતા. જ્યાં શાકીર ઉર્ફે કચ્છુ અને સરફરાજ ઉર્ફે કપલીને રિયાઝ શેખને છરીના ઘા માર્યા હતા. જ્યારે અબ્દુલ રઝાકે બેઝબોલનો દંડો માથાના ભાગે માર્યો હતો.

ત્યારબાદ આરોપીઓ રિયાઝ શેખના ભાઇ મોહમદ અસ્પાકને બાઇક પાછળ બેસાડી મસ્જિદ પાસે લઇ ગયા હતા. જ્યાં મોહમદ અસ્પાકને ઉપરાછાપરી છરીના ઘા મારી ભાગી ગયા હતા. તો બીજી તરફ 108 મારફતે મોહમદ અસ્પાકને સારવાર માટે એલ.જી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ મામલે વટવા પોલીસે રિયાઝ શેખની ફરિયાદને આધારે ફૈઝાન, ઇમરાન શેખ, અબ્દુલ રઝાક પઠાણ, સરફરાજ મીયાણ તેમજ સાકીર શેખ સામે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે. હાલ ફરિયાદી યુવક રિયાઝ શેખ સારવાર હેઠળ છે.

 22 ,  1