30 વર્ષ પહેલાં પિતાએ સંભાળ્યો હતો હવાલો, હવે પુત્ર દેશને આપશે ‘નવી ઉડાન’

કેબિનેટ વિસ્તરણમાં સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી સોંપાઈ

મોદી સરકારના મંત્રીમંડળનું બુધવારે વિસ્તરણ થયું જેમાં કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપનો કેસરીયો ખેસ પહેરનારા જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. મધ્યપ્રદેશમાં ભાજપને ફરી સત્તા હાંસિલ કરવામાં સિંહફાળો આપનારા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાન પદના શપથ લીધા. આ કેબિનેટ વિસ્તરણમાં સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે 30 વર્ષ પહેલા તેમના પિતા પણ આ જ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

ગ્વાલિયરના રાજ પરિવાર સિંધિયા પાંચમી વખત સંસદ પહોંચ્યા છે. તેમના પિતા માધવરાવ સિંધિયા કોંગ્રેસના મોટા નેતા હતા. માધવરાવ સિંધિયા પીવી નરસિંહરાવની સરકારમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા. માધવરાવ સિંધિયા 1991થી 1993 દરમિયાન રાવ સરકારમાં નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રાલયો કાર્યભાર સંભાળ્યો હતો. તે ઉપરાંત મનમોહનસિંહની સરકારમાં ઉર્જા પ્રધાન હતા. હવે જ્યોતિરાદિત્ય તેમના પિતાની જેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી સંભાળશે.

વર્ષ 2002માં પહેલી વખત સાંસદ બનનાર જ્યોતિરાદિત્યએ તેમના પિતા માધવરાવ સિંધિયાના નિધન પછી રાજકીય સફરની શરૂઆત કરી હતી. માધવરાવ 18 સપ્ટેમ્બર 2001ના રોજ હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રથમ વખત તેમના પિતાની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ફેબ્રુઆરી 2002માં સાડા ચાર લાખથી વધુ મતોથી જીતતાં સંસદમાં પહોંચ્યા.

 66 ,  1