ભાજપનો ડર કે મેરે અપને પર વિશ્વાસ મત કર…?

નવો ટ્રેન્ડ- ધારાસભ્યોને નહીં પણ ઉમેદવારોને સાચવો…!

યે તો મંડી હૈજી…બોલી લગાઓ ઔર માલ ઉઠાવો..!!

કોંગ્રેસ -અજમલે આસામના ઉમેદવારોને જયપુર ખસેડ્યા..

પરિણામ બે મેના રોજ , ઉમેદવારો પર નજર હરરોજ…!

સીધી બાત-કોઇ વેચાય છે એટલે કોઇ ખરીદે છે, વાંક કોનો..?

રાંધણ ગેસના નહીં પણ ઓક્સીજનના બાટલા સાથે ધરણાં..!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

રાજકારણ-પરિસ્થિતિ-સમય અને સંજોગ કોને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. 2014 પહેલાં ભાજપના મહિલા આગેવાનો કછોટો બાંધીને મોંઘવારી, રાંધણ ગેસનો ભાવ, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાને લઇને કોંગ્રેસ સરકાર સામે જાહેર સડકો પર ગેસના ખાલી બાટલા સાથે જમીન પર બેસીને વિરોધ કરતા હતા. આજે સ્થિતિ એવી સર્જાઇ છે કે ભોપાલમાં ભાજપ સરકારની સામે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ઓક્સીજનના બાટલા સાથે વિરોધ અને ધરણાં પ્રદર્શન કર્યા..! સમય એવો આવ્યો કે વિરોધપક્ષોને હવે રાંધણ ગેસના બાટલા સાથે નહીં પણ ઓક્સીજનના બાટલા સાથે કેમ વિરોધ કરવો પડ્યો…? તો ચિત્ર ખુદ સ્પષ્ટ છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે કોરોનાની બીજી લહેરમાં જીવનરક્ષક ઇંજેક્શન અને જીવ બચાવનાર પ્રાણવાયુ એટલે કે ઓકિસીજન ખૂટી પડ્યા..!

ગુજરાતમાં શું થયું હતું…? ના, ગુજરાતની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિની વાત નથી પણ રાજકિય સમય સંજોગોની વાત એ છે કે ગુજરાતમાં હવે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાય તો હવે તે સમાચારમાં ઉત્સુક્તા કે રોમાંચ નથી. મિડિયાને ખબર જ છે કે કોંગ્રેસવાળા છે જ એવા. સામાન્ય ચા-પાણી અને નાસ્તા માટે પક્ષપલ્ટો કરીને વટલાઇ જાય છે….! ભાજપનો હાથ ઉપરને ઉપર રહે છે. ભાજપને જરૂર પડે એટલે એક ઇશારાથી કોંગ્રેસમાંથી ધારાસભ્યો રાજીવ ગાંધી ભવનના પગથિયા ઉતરીને કમલમના પગથિયા ચઢી જાય છે..

માત્ર ગુજરાતમાં જ નહીં ગયા વર્ષે બરાબર પહેલો લોકડાઉન જાહેર થાય તે પહેલાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ સિંધિયાના ઇશારે રાજીનામા આપ્યા અને ચૂંટણીમાં પોતે જીતેલા પણ ભાજપને સત્તાવિહિન કરનાર, સત્તા ગુમાવી ચૂકેલા શિવમામાને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં યોગદાન આપ્યું….

અને તે પહેલા કર્ણાટકમાં પણ કુમારસ્વામીની સરકાર આ જ રીતે ખરીદ-વેચાણ સંઘના કાવા-દાવામાં ગઇ અને યેદુરપ્પાને શિવમામાની જેમ ફરીથી મુખ્યમંત્રી બનવાની તક મળી. શિવમામા અને યેદુરપ્પાએ પોતાના પક્ષના ચાણક્ય અમિતભાઇ શાહનો આભાર માનવો જોઇએ કે તેઓ કોંગ્રેસને રાહુલ ગાંધી કરતાં પણ બરાબર ઓળખી ગયા છે. અને ગુજરાતમાં ભલે આપ પાર્ટી જીતે કે ઔવૈસીના ઉમેદવારો જીતે પણ કોગ્રેસ તો નહીં જ એવી એક ફોર્મ્યુલા પર કામ થાય છે. જેઓ પોતાને લૈલા કહે છે તે ઔવૈસીએ હૈદ્રાબાદથી આવીને ગુજરાતમાં ગોધરા નગરપાલિકા કબજે કરી છે અને અમદાવાદ મનપામાં 7 બેઠકો જીતી છે.

પાંચ રાજ્યોમાંથી 4 રાજ્યોમાં મતદાન પુરૂ થઇ ગયું છે. બંગાળમાં હજુ 4 તબક્કા બાકી છે. આસામમાં વિધાનસભાની કુલ 126 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલ. છેલ્લુ મતદાન પુરૂ થતાં જ કોંગ્રેસની સાથે ગઠબંધનમાં જોડાયેલા મહાજોત સંગઠનની મુસ્લિમ પાર્ટીના 20 ઉમેદવારોને અને કોંગ્રેસના ઉમેદવારોને 2 મેના રોજ પરિણામ આવે તે પહેલાં કોંગ્રેસ શાસિત રાજસ્થાનના જયપુર ખાતે ખસેડવામાં આવ્યાં છે…!

આસામમાં માત્ર કોંગ્રેસ કે અજમલની પાર્ટીના ઉમેદવારો જ નહીં પરંતુ બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)ના ઉમેદવારોને પણ આસામથી દૂર ગોવા અને સિક્કિમમાં વેકેશન માટે મોકલી આપ્યા છે…! એવુ પહેલીવાર થઇ રહ્યું છે કે ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થયાં બાદ કયા પક્ષને કેટલી બેઠકો મળી અને સત્તા માટે કોને કેટલી બેઠકો જોઇએ છે એવા સમીકરણ બાદ બજાર ખુલે છે અને જોઇ શું રહ્યાં છો આવી જાવ….ની બોલી લગાવાય છે….

કોંગ્રેસ કે અન્ય પક્ષો તે માટે ભાજપને દોષ આપે છે પણ એમાં દોષ ભાજપનો કઇ રીતે કહેવાય…? ભાજપને સત્તા જોઇએ છે અને કોઇપણ રાજકિય પાર્ટી સત્તા માટે જ હોય છે. કોંગ્રેસ, સપા,બસપા અને આપ પાર્ટી, ડીએમકે, એઆઇએજીએમકે અને છોટે છોટે નેતા સત્તા મેળવવા મથે છે અને ભાજપ તો સૌથી મોટી પાર્ટી છે એટલે એના મનમાં સત્તા માટે લડ્ડુ ફૂટે એ સ્વાભાવિક છે. બંગાળને જ જોઇ લો. બંગાળમાં સત્તા મેળવવા માટે ભાજપે કેટલુ બધુ જોર લગાવ્યું છે. કોંગ્રેસને તો એમ જ છે કે લોકો ભાજપથી કંટાળશે એટલે અમને જ વોટ આપશે પણ હવે એવુ નથી. કોંગ્રેસના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે અને ભાજપ તેનો રાજકિય લાભ લઇ શકે અને લે છે.

એક સવાલ એ પણ થાય મતદારોના મનમાં કે કોંગ્રેસના જ ધારાસભ્યો કેમ પક્ષપલટો કરતાં હોય છે…? કેજરીવાલના કેમ પક્ષપલટો કરતાં નથી..? અને આસામમાં કોંગ્રેસે અને અજમલની પાર્ટીએ જે ઉમેદવારો પસંદ કર્યા શું તેમના ઉપર તેમને વિશ્વાસ નથી કે શું..? હજુ તો પરિણામ જાહેર થયું નથી અને કોના કોણ કોણ હારે છે, કોના કોણ કોણ જીતે છે તથા આસામમાં શું થાય છે તેની રાહ જોયા વગર જ ઉમેદવારોને સલામત રાખવાની જે કવાયત શરૂ થઇ છે તે બતાવે છે કે તેમને તેમના ઉપર જ વિશ્વાસ નથી..?.! લાગે છે કે પરિણામના દિવસે ઉમેદવારોને મતગણતરી સ્થળે પણ તેમના નેતાઓ જવા નહીં દે કે શું..?!

આ બધામાં ભાજપને જરાપણ ચિંતા નથી. પરિણામ આવવા દો. આસામનું હોય કે બંગાળનું…આયેગા તો મોદી હી…! અને સત્તારૂપી મિષ્ટાન બનાવવામાં કંઇક નમક ઓછુ હશે કે મસાલા જોઇતા હશે તો આસામ અને બંગાળના રાજકિય બજારમાંથી મળી રહેશે..! કોના ચિંતા કી બાત નાહી…કોઇ અપને આપ કો બેચ રહા હૈ તો ઉસમે ખરીદનેવાલે કા કોનો દોષ નાહીં..! યે તો મંડી હૈજી…બોલી લગાઓ ઔર માલ ઉઠાવો..!!

-દિનેશ રાજપૂત

 66 ,  1