કોરોના વાપસી, ફરીથી ઘર વાપસી, ક્યાં સુધી…?

લોકડાઉનના ભણકારા…! પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી

કોરોના વાપસી, ફરીથી ઘર વાપસી, ક્યાં સુધી…?

ફરી એકવાર શ્રમિકો વતન જવા રવાના, સરકાર મૌની બાબાની મુદ્રામાં..

એમ્બ્યુલન્સોની લાઈનોનાં વાયરલ વીડિયો જોતા પરપ્રાંતિયોમાં દહેશત

ગુજરાતમાં કોરોનાએ ઉથલો મારતાં સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના વધી રહેલા કેસો પછી 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધું છે. એટલું જ નહીં, આગામી 30મી એપ્રિલ સુધી રાજકીય-સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, લગ્નોમાં પણ 100 લોકોની સંખ્યા નક્કી કરી છે. કોરોનાનું સંક્રમણ વધતા અધિકારીઓને સંબંધિત જિલ્લામાં દોડવાયા છે. જેને કારણે ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

જેને લઇ લોકોમાં રીતસરનો ફફડાટ છે. આ બીકથી ફરીથી લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાંથી લોકડાઉનના ભયથી પરપ્રાંતિય લોકોએ વતનની વાટ પકડી છે. 

રાત્રિ કર્ફ્યુ લાગતાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે. તો બીજી તરફ, કોઇ કામ ન હોવાથી રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી આવેલા પરિવાર બેરોજગાર બન્યા છે. ઉપરથી ગમે ત્યારે લોકડાઉન આવે તેવી લોકોમાં ભરાઈ ગઈ છે. ઘરનું ભાડું અને કરીયાણુ ખરીદવું મુશ્કેલ બનતાં શ્રમિક વર્ગ વતન ભણી નીકળી પડ્યો છે. શ્રમિકોને ગયા વર્ષના જેવું લોકડાઉન લાગવાનોનો સતત ભય લાગી રહ્યો છે. લોકડાઉન લાગે તે પહેલાં વતન પહોંચવા માટે લોકો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉમટ્યા છે.  

પહેલા લોકડાઉનમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત અને અમદાવાદમાંથી ગયા હતા. આ માટે ગુજરાત સરકારે વિવિધ રાજ્યોમાં માઈગ્રન્ટ્સ માટે ટ્રેનો પણ દોડાવી હતી. ત્યારે હવે સુરતમાં ફરીથી બસો હાઉસફુલ થઈ રહી છે. એક તરફ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, તો તો બીજી તરફ સુરતમાં ઠસોઠસ ભરીને બસો જઈ રહી છે. શું સુરત માટે આ બસો કોરોના બોમ્બ સાબિત થઈ શકે છે. કાયદાનુ પાલન કરવામાં જીએસઆરટીસીની બસો નિષ્ફળ થઈ રહી છે. સંપૂર્ણ ભરેલી બસોમા પણ લોકો ચઢવા ધક્કા મુક્કી કરી રહ્યાં છે.  

અમદાવાદમાં પરપ્રાંતિયોમાં ભારે દહેશત

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ફેલાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં એમ્બ્યુલન્સોની લાઈનોનાં વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. સ્મશાનગૃહોમાં પણ વેઈટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં વસતાં પરપ્રાંતિયોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. અમદાવાદમાં ફરીથી લોકડાઉન લાગુ થશે તેવો ભય તેમને સતાવી રહ્યો છે. જેને કારણે તેઓએ અત્યારથી જ વતનની વાટ પકડી લીધી છે. અને પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રેલ્વે સ્ટેશન પહોંચી રહ્યા છે. આ ઉપરાંત પરપ્રાંતિયો દ્વારા વધારે ટ્રેન દોડાવવાની પણ માગ કરવામાં આવી છે.

ગત વર્ષે લોકડાઉન જાહેર કરાયું તે સમયે પરપ્રાંતિયોની હાલત કફોડી બની ગઈ હતી. ધંધો-રોજગાર ન રહેતાં પરપ્રાંતિયોને શહેર છોડી વતનની વાટ જોવી પડી હતી. અને આ માટે કોઈ સાધન ન મળતાં પરપ્રાંતિયો પગપાળા જ વતને જવા માટે ઉમટી પડ્યા હતા. તેવામાં ગત વર્ષના બિહામણાં દ્રશ્યો આજે પણ લોકોના માનસપટ પર છવાયેલાં છે. તેવામાં ગત વર્ષ જેવી હાલત આ વર્ષે પણ ન થાય તેને કારણે પરપ્રાંતિયો અત્યારથી જ વતન જવા માટે નીકળી પડ્યા છે.

એક દિવસમાં 1.30 લાખથી વધુ દર્દીઓ મળ્યા, અમેરિકા બાદ ભારત બીજો દેશ

દેશમાં કોરોનાવાયરસથી દરરોજ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. દરરોજ કોરોનાના કેસોનો આંક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 31 હજાર 878 કેસ નોંધાયા હતા. ગત વર્ષે વાયરસની શરૂઆત થયા પછી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. બુધવારે દેશમાં સૌથી વધુ 1 લાખ 26 હજાર 276 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગુરુવારે રિકવર થનારા લોકોની સંખ્યા 61 હજાર 829 હતી. સંક્રમણને કારણે 802 લોકોનાં મોત થયાં હતાં. 17 ઓક્ટોબર પછી આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 800થી વધુ લોકોનાં મોત થયાં છે. 17 ઓક્ટોબરે 1032 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 73 ,  3