સુરત બાદ ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત

સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણો

ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. પોઝિટીવ કેસમો સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં નવા સ્ટ્રેનનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે સુરત બાદ ગાંધીનગરમાં આફ્રિકાના સ્ટ્રેનની એન્ટ્રી થઇ ગઇ છે..! કલોલના એક યુવકમાં આફ્રિકાના કોરોના લક્ષણો જોવા મળ્યા છે. જો કે હાલ સત્તાવાર રીતે પુષ્ટી કરવામાં નથી આવી.

આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના એલ-વન અને એલ-ટુ ટાઈપ સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી મળી આવતાં ગાંધીનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળ કલોલનો રહેવાસી યુવાન થોડા દિવસો અગાઉ જ સાઉથ આફ્રિકાથી ગાંધીનગર આવેલો હતો, જેને કોરોનાનાં લક્ષણો જણાતાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો બાબતે હાલ તેનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.

2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી‌સણા ખાતેના 31 વર્ષીય યુવાનને કોરોનાનાં લક્ષણો જણાતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેનો ટેસ્ટ કરવામાં આવતાં વિદેશી સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો તેનામાંથી મળી આવ્યાં છે. આફ્રિકામાં તબાહી મચાવનારા નવા સ્ટ્રેન ગાંધીનગરના યુવાનમાંથી મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, યુવાન આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરતાં તે પોઝિટિવ મળી આવ્યો છે, જેનાં સેમ્પલ કુરિયર મારફત પુણેની લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકત જાણવા મળશે. હાલમાં તેના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં U.K. સ્ટ્રેઇનના 5 કેસ અને આફ્રિકનનો એક કેસ

સુરતમાં કોરોના ફરી એકવાર બેકાબુ બની રહ્યો છે. જેને લઈની પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ખાસ કરીને શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના નવા 6 કેસો નોંધાયા છે. અને કોરોનાનું સંક્રમણ ટ્રાવેલ કરીને આવતા લોકોમાં વધી રહ્યું છે. જેને લઈને પાલિકા ધ્વારા ચેક પોસ્ટ ટેસ્ટીગ વધારવામાં આવ્યુ છે. કોરોનાના આ કહેરમાં હવે કાપડ માર્કેટ અને શાળાઓ હોટસ્પોટ બની રહી છે. જેને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે.

છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસો 50ની પણ અંદર આવી રહ્યા હતા. જોકે હવે તે વધીને ફરી 200 કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને પાલિકા તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીએ જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાના સ્ટ્રેઈનના નવા 6 કેસો નોંધાયા છે જેમાં 5 યુ.કે સ્ટ્રેઈનના અને એક આફ્રિકન સ્ટ્રેઈનનો કેસ નોંધાયો છે.

કોરોનાનો નવો જ સ્ટ્રેઈન વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે. જેને લઇને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી. આ સાથે અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યોમાંથી ટ્રાવેલ કરીને આવતા લોકોને સેલ્ફ કવોરન્ટાઈન થવા પણ આદેશ કર્યો છે. અને જો કોઈપણ પ્રકારના કોરોનાના લક્ષણ દેખાય તો તુરંત જ ટેસ્ટિંગ કરાવી લેવા માટે ખાસ અપીલ કરી છે.

 69 ,  1