ઓમિક્રોનનો ભય, ડોક્ટરોએ લેવાનું શરૂ કર્યું બુસ્ટર ડોઝ

સરકારે હજુ મંજૂરી આપી નથી છતા….

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ફરી કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે એટલું જ નહીં ઓમિક્રોનના કેસો વધવા લાગ્યા છે. આ સ્થિતિ વચ્ચે કોરોના સામે સુરક્ષા કવચ રસીનો બુસ્ટર ડોઝ આપવો કે નહીં તે અંગે હજી સરકાર વિચાર-વિમર્શ કરી રહી છે. ત્યાં બીજી બીજુ ગુજરાતમાં કેટલાય તબીબોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. બૂસ્ટર ડોઝ રસીની શીશીમાં ઉપલબ્ધ વધારાના ઈન્જેક્શનમાંથી આવે છે, જેને ‘સ્પિલેજ ડોઝ’ તરીકે ચિન્હિત કરવામાં આવે છે. એક શીશીમાં વધારાનું 1.5 મિલી મળે છે, જેનો ઉપયોગ બૂસ્ટર ડોઝ લેવા માટે થાય છે’, તેમ સૌરાષ્ટ્રના વધુ એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં ઘણા ડોક્ટરોએ જાતે બૂસ્ટર ડોઝ લેવાનું શરૂ કરી દીધું છે. ત્રીજો ડોઝ દેશમાં કાયદેસર રીતે ઉપલબ્ધ ન હોવાથી ડોક્ટરો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આ વિભાગના નજીકના લોકો, તેમની પાસે આવતી રસીનો ઉપયોગ ચાલાકીથી બૂસ્ટર ડોઝ તરીકે કરી રહ્યા છે.

‘રસીકરણ અભિયાન યથાવત્ છે. પરંતુ મોટાભાગે, માત્ર છથી 7 લોકો, જેઓ સત્તાવાર રીતે બીજો ડોઝ લેવા માટે પાત્ર હોય છે, તેઓ દસ ડોઝવાળી શીશી ખોલવામાં આવે ત્યારે રસી લેવા માટે આવે છે. બાકીનાને વેસ્ટ તરીકે ગણવામાં આવે છે. મારા મિત્રોએ આ ડોઝમાંથી વધારાના શોટ મેળવ્યા હતા’, તેમ 60 વર્ષીય સીનિયર ડોક્ટરે જણાવ્યુ હતું.

‘વૈજ્ઞાનિક સ્ટડીમાં સાબિત થયું છે કે, રસીકરણના 6-7 મહિના બાદ ઈમ્યુનિટી ઘટી જાય છે. તેથી, ગંભીર દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને અન્ય હેલ્થ પ્રોફેશનલ વધારાની ઈમ્યૂનિટી મેળવવા માટે બૂસ્ટર ડોઝ પસંદ કરી રહ્યા છે. હવે, રસીકરણ માટે રસીની કોઈ અછત નથી પરંતુ એકમાત્ર બાબત એ છે કે તે હજી કાયદેસર નથી. આમ, ડોઝ જે કોઈ પણ રીતે વ્યર્થ જાય છે તે કોઈને આપી દેવામાં આવે છે’, તેમ અમદાવાદના મેડિકલ પ્રોફેશનલે નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું.

સુરતમાં, ઘણા વરિષ્ઠ ડોક્ટરો, ફિઝિશિયન, પલ્મોનોલોજિસ્ટ અને પેથોલોજિસ્ટ, જેઓ કોવિડ-19ના કેસના સંચાલનમાં સામેલ છે તેઓ આ વર્ષના ફેબ્રુઆરીમાં બીજો ડોઝ લીધા બાદ બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છે.

નોંધનીય છે કે, ‘કોવિડ રસીની દરેક શીશીમાં 11 ડોઝ હોય છે. જેમાંથી એકને સ્પિલેજ ડોઝ તરીકે ચિન્હિત કરવામાં આવે છે. અગિયાર ડોઝમાંથી, માત્ર દસ ડોઝ જ લાભાર્થીઓને આપવામાં આવે છે. જો ડોઝ યોગ્ય રીતે કાઢવામાં આવે તો, તમામ 11 આપી શકાય છે. તેથી, ટેકનિકલી રીતે, 10 શીશીમાંથી તમે 10 ડોઝ (અથવા એક સંપૂર્ણ શીશી) બચાવી શકો છો જે એક્સેસ ધરાવતા લોકોને આપવામાં આવે છે. દેખીતી રીતે આ સત્તાવાર રેકોર્ડ પર આવતું નથી’, તેમ વડોદરાના એક ખાનગી પ્રેક્ટિશનરે જણાવ્યું હતું.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી