‘ચાલ મારી સાથે ફરવા’ તેમ કહી ફેરિયાએ પોલીસકર્મીની પત્નીની કરી છેડતી

ગળામાંથી અને હાથમાંતી 1.30 લાખના દાગીના ઝૂટવી લીધા

અમદાવાદમાં શાકભાજી ખરીદતી પોલીસ કર્મચારીની પત્નીની જાહેરમાં છેડતી, મારામારી તેમજ ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. એક ફેરિયાએ હસીને બદઈરાદા પૂર્વક શું લેવું છે એમ કહી છેડતી કરી હતી. પોલીસકર્મીના પત્નીએ આવું કેમ કહી રહ્યો છે તેમ પૂછતા આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને ‘ચાલ મારી સાથે ફરવા’ એમ કહી મહિલાઓને ભેગી કરી બબાલ કરી હતી. આ દરમિયાન ચેઈન સ્નેચિંગ, તેમજ હાથમાં પહેલુ બ્રેસલેટ ઝૂંટવી લેતા સમગ્ર મામલે પોલીસકર્મીના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરની ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં પોલીસ કર્મી સેક્ટર-1ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી તેમના પત્ની સાથે રામબાગ વિસ્તારમાં ડૉક્ટરને ત્યાં દવા લેવા માટે ગયા હતા. પત્નીને ડોક્ટરને ત્યાં દવા લેવા માટે ઉતારીને તેઓ તેમના સરકારી કામ માટે નીકળી ગયાં હતાં. આ દરમિયાન ડૉક્ટરના ત્યાં સમય લાગે તેમ હોવાથી તેઓ શાકમાર્કેટમાં શાક લેવા માટે ગયાં હતાં.

શાક માર્કેટમાં એક લારીની બાજુમાં એક શખ્સ તેમને જોઈને હસતો હતો અને શું લેવું છે? શું લેવું છે? એમ પૂછતો હતો. જેથી મહિલાએ મારી સામે જોઇને કેમ બોલે છે? તેવું પૂછતાં આ શખ્સે ‘ચાલ મારી સાથે ફરવા આવવું હોય તો’ એમ કહી ઝગડો કર્યો હતો. શખ્સે આસપાસથી જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતાબેન નામની મહિલાઓને બૂમ પાડીને બોલાવ્યા હતાં. બાદમાં આ મહિલાઓ અને શખ્સે મહિલા સાથે બોલાચાલી કરી રકઝક કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલાના ગળા અને હાથમાંથી 1.30 લાખના દાગીના તોડીને લઈ લીધા હતા.

મહિલાએ બબાલ વધતાં પતિને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારે ટોળાએ તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. જેથી મહિલાએ પોતાની સાથે છેડતી, મારામારી, ચેઈન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

 63 ,  1