યે આગ કબ બુઝેગી…! લાખો રૂપિયા ભરીને દાખલ થયાં છતાં મળ્યું મોત – હાય રે કોરોના હાય

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, પાંચ દર્દીઓ ભડથું.

CM રૂપાણીએ 4 લાખની સહાયની કરી જાહેરાત, આપ્યા તપાસના આદેશ

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. કોવિડ વોર્ડમાં 33 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. હોસ્પિટલમાં આગ લાગવાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

આગની આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવતે એક લાખ, રામશીભાઇએ એક લાખ અને કેશુભાઇ અકબરીએ પણ એક લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી હોવાનો ઉલ્લેખ છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ જીતવા માટે લાખો રૂપિયાનો ખર્ચ ભલે થાય પણ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો.

જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ICUના બેડ પર જ તેમના કોરોનાથી રિકવરી પહેલા આકસ્મિક આગે હંમેશા માટે શ્વાસ છીનવી લીધા. મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો.  

જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ DCP અને ACP કક્ષાના અધિકારી તેમજ માલવીયા નગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગોકુલ હોસ્પિટલના તબીબો દ્વારા શિવાનંદ કોવિડ કેરનું સંચાલન કરવામા આવી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે કુલ 33 દર્દી સારવાર હેઠળ હતા, જે પૈકી 5 દર્દીના મૃત્યુ થયા છે. આગમાંથી રેસ્ક્યૂ કરાયેલા તમામ દર્દીઓને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મૃતકોના નામ

  • રામશીભાઇ
  • નિતિનભાઇ બાદાણી
  • રસિકલાલ અગ્રાવત
  • સંજય રાઠોડ
  • કેશુભાઈ અકબરી

 50 ,  1