બંગાળમાં પાંચમા તબક્કાનું મતદાન..! બચ કે રહેના રે બાબા…

ચોથા તબક્કામાં ગોળીબારમાં 4-5 માર્યા ગયા..

ચૂંટણીઓ જાહેર થઇ તે પહેલાંથી જ ચાલી રહ્યાં છે ધૂમધડાકા..

17મીએ 44 બેઠકો માટેનુ મતદાન ચૂંટણી પંચ માટે પડકાર..

24 કલાકના પ્રતિબંધથી દીદી વધારે ખિજાશે…?

ભાજપે રક્તરંજિત ખુર્સીનું શુધ્ધિકરણ કરવુ પડશે..

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

ચૂંટણી પંચે બંગાળની 294 બેઠકોના મતદાન માટે વિક્રમજનક 8 તબક્કા જાહેર કર્યા ત્યારથી જ તેની સામે સત્તાધારી પક્ષ ટીએમસી અને સીએમ મમતાદીદી દ્વારા વિરોધ કરાયો હતો. પણ હવે ઘણાંને એમ લાગે છે કે ચૂંટણી પંચનો નિર્ણય યોગ્ય છે. સત્તા ટકાવવાની અને જનાદેશ દ્વારા સત્તા મેળવવાના ખેલા જોઇને બંગાળના મતદારો પણ નવાઇ પામ્યા હશે કે તેમના એક મતની કિંમત આટલી બધી છે…?! ચોથા તબક્કાના મતદાન વખતે 4 મતદારોના કેન્દ્રીય જવાનોના ફાયરીંગથી થયેલા મોતની ઘટનાએ જોર પકડ્યું છે. અને મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે ચૂંટણી પંચે આ મોત માટે સીએમ મમતાદીદીએ આપેલા એક ભાષણને જવાબદાર માનીને તેમના પર 24 કલાક સુધી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો..!

પોતાને ફાઇટર અને એક્ટીવીસ્ટ માનનાર મમતાદીદી તેની સામે ચુપ બેસી રહે તેમ નથી. ચૂંટણી પંચના આદેશ બાદ તરત જ દીદીએ જાહેરાત પણ કરી દીધી કે તેઓ ગાંધીજીની પ્રતિમા પાસે ઉપવાસ કરશે….! બંગાળની ચૂંટણીઓમાં કંઇક નવા-જુનીના એંધાણ વર્તાય છે. શું થશે….કોઇ કહી શકે તેમ નથી. પણ એટલુ ખરૂ કે પાંચમા મતદાન વખતે દરેક મતદાન મથક પર વધારે બંદોબસ્ત હશે અને માહોલ બગાડવાના પ્રયાસો થઇ શકે. જો કે ચૂંટણી પંચે તેની આગોતરી વ્યવસ્થા કરી જ હશે.

27 માર્ચથી શરૂ થયેલા આઠ તબક્કામાંથી ચાર તબક્કામાં 135 બેઠકો માટે મતદાન થઇ ગયું છે. ભાજપે તેમાંથી 100 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.પાંચમા તબક્કાનું મતદાન 17 એપ્રિલે યોજાવાનું છે. જેમાં 45 બેઠકો માટે મતદાન હાથ ધરાશે. આ બેઠકોમાં ગોરખા પ્રભુત્વવાળી દાર્જીલિંગ સહિત જેના નામ પરથી નક્સલ શબ્દ પડ્યો તે નક્સલબાડીમાં પણ મતદાન થવાનું છે. કેટલીક બેઠકોના નામો-ધૂપગુડી, જલપાઇગુડી, માયનાગુડી, ડબ્રાગામ-ફુલબાડી, મલ જલપાઇગુડી,પાની હટી,, કમરહટી અને ફાંસીદેવા…!!

17મીના મતદાન માટે 48 કલાક પહેલા જાહેર પ્રચારપડઘમ શાંત થવા જોઇએ. પણ ચૂંટણી પંચે તે સમયગાળો લંબાવીને 72 કલાક કરી નાંખ્યો છે. એટલે 15ની સાંજના બદલે 14મીની સાંજથી જાહેર પ્રચાર રેલીઓ, સભા સરઘસો બંધ અને મમતાદીદી પર મૂકેલા પ્રતિબંધની સમયમર્યાદા 12મીના રાતના 8 વાગ્યાથી શરૂ થઇને 13મીના રાતના 8 વાગ્યા સુધી હોવાથી મમતાદીદી માત્ર એક જ દિવસ 14મીએ જાહેર પ્રચાર કરી શક્શે. જાહેર રેલીઓમાં થતી હિંસાને ધ્યાનમાં રાખીને કદાજ ચૂંટણી પંચે 48 કલાકનો સમય વધારીને 72 કલાક કર્યો હશે..

બંગાળનો સમગ્ર ઇતિહાસ કહે છે કે બંગાળમાં કોઇપણ નાની મોટી ચૂંટણીઓ લોહિયળ બનતી આવી છે. એકબીજાના કાર્યકરોની હત્યા સાવ સામાન્ય મનાય છે. પણ 10મીએ ચોથા તબક્કાના મતદાનમાં કૂચ બિહારમાં જવાનો દ્વારા આત્મરક્ષા માટે કરાયેલા ગોળીબારમાં 4 મતદારોના મોતની ઘટનાને ટીએમસી અને મમતાદીદીએ રાજકિય રંગ આપ્યો હોવાની ચર્ચા છે. દીદીએ સવાલો કર્યો કે જવાનો દ્વારા ગોળીઓ સીધી છાતીમાં ઇરાદાપૂર્વક મારવામાં આવી છે. જવાનોએ રબ્બર બુલેટનો ઉપયોગ કેમ ના કર્યો..? ઓછી ઇજા થાય અને સામેવાળો મરી ન જાય તે માટે છરાંવાળી બંદૂકનો ઉપયોગ જવાનોએ કેમ ના કર્યો..? જવાનો પર હુમલા કરનારાઓના પગમાં ગોળીઓ કેમ ના મારી, સીધી ફાયરીંગ કેમ કરી..? જવાનો પર હુમલાઓ થયા હોય તો કેટલા જવાનો ઘાયલ થયાં..? કેટલાને સારવાર માટે દાખલ કરવા પડ્યા..? તેના વિડિયો ફૂટેજ કેમ બતાવવામાં આવતા નથી..? ગોળીઓ મતદાન માટે લાઇનમાં ઉભા રહેલા મતદારોને વાગી છે અને તેઓ ટીએમસીના ટેકેદારો અને કાર્યકરો હતા, એવો દાવો દીદીએ કર્યો છે.

ચૂંટણી પંચે ટીએમસીના સુપ્રિમો અને સીએમ મમતા બેનર્જી પર 24 કલાકનો પ્રતિબંધ મૂકતા બંગાળમાં રાજકિય ઘર્ષણ વધે તેમ જણાય છે. વાસ્તવમાં દીદી-ટીએમસી અને ચૂંટણી પંચ સામસામે હોય તેવા દર્શ્યો જોવા મળી રહ્યાં છે. દીદીએ તો ચૂંટણી આચારસંહિતા-ઇસીસી-ને “મોદી આચારસંહિતા,એમસીસી) એવુ નામ આપીને ભડાસ કાઢી છે.

સામસામે આરોપ-પ્રત્યારોપના પગલે ચૂંટણી પંચે મમતા પર 24 કલાકનો પ્રતિબંધ મૂકતા ટીએમસી અને દીદી વધારે આક્રમક બને તો નવાઇ નહીં. અને બંગાળની ચૂંટણીમાં હવે સુરક્ષા જવાનોને નિશાન બનાવવામાં આવે એમ પણ મનાય છે. 17મીએ પાંચમા તબક્કાનું મતદાન અભૂતપૂર્વ બની રહે તો પણ કાંઇ કહેવાય નહીં. કેમ કે ભાજપનો દાવો છે કે મમતાદીદી ચૂંટણી હારી ગયા છે તેથી તેઓ આવી ઉશ્કેરણી કરીને લોકોને ભડકાવી રહ્યાં છે અને જવાનો પરના હુમલા માટે દીદીનું એ ભાષણ જવાબદાર છે કે જેમાં તેઓ એક રેલીમાં મહિલાઓને કહી રહ્યાં છે કે કેન્દ્રીય જવાનો તમને વોટ આપતાં રોકે તો તેમનો ઘેરાવ કરજો..! અને આવા ઉશ્કેરણીજનક ભાષણને કારણે કૂચબિહારમાં જવાનો પર હુમલાઓ થયા અને પોતાના બચાવમાં જવાનોને ગોળીબાર કરવાની ફરજ પડી છે.

ભાજપનો દાવો છે કે બંગાળમાં ટીએમસી દ્વારા તેમના 100 કરતાં વધારે કાર્યકરોની રાજકિય હત્યાઓ થઇ છે. તો ટીએમસી ભાજપ પર આવો આરોપ મૂકે છે. પણ આ બધી લડાઇ સત્તા માટેની છે. સત્તા બચાવવાની અને લોકશાહી ઢબે સત્તા મેળવવાની. ગુજરાતમાં ચૂંટણીઓ યોજાય છે પરંતુ હિંસાનો એક પણ બનાવ બનતો નથી. નાનીમોટી હિંસાનો એકાદ બનાવ પણ બને તો લોકોને ન ગમે. પણ બંગાળમાં ચૂંટણીઓમાં હિંસા ન થાય તો એ સમાચારની વ્યાખ્યામાં આવી જાય- હેં…બંગાળમાં ચૂંટણીઓ અને હિંસાનો એકપણ બનાવ નહીં…? ઐસા હો નહીં સકતા….! અને હજુ તો 29 એપ્રિલ સુધી ચૂંટણીઓ ચાલવાની છે..બચ કે રહેના રે બાબા…બચ કે રહેના રે…

ભૂલ તો મમતાદીદીની કહી શકાય. તેમણે ચૂંટણી પંચની નોટીસનો જવાબ આપવો જોઇતો હતો. પણ તેમણે તો જાહેરમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ મોદી અને શાહના ઇશારે કામ કરે છે તેથી મને ગમે તેટલી નોટીસો આપે તેઓ તેનો જવાબ નહીં આપે…! તેમના આવા જક્કી અને જિદ્દી વલણને કારણે છેવટે તેમના પરપ્રતિબંધ મૂકાયો. બની શકે કે દીદીને આવા વાતાવરણમાં ખેલા હોબે..ખૂબ ગંમતુ હશે. પણ હિંસાનો ભોગ બની રહ્યાં છે નિર્દોષ લોકો..!. બંગાળના સીએમની આવી રક્તરંજિત ખુર્સી પર બેસતા પહેલા ભાજપના ભાવિ સીએમ દિલીપ ઘોષે ગંગાજળથી ખુર્સીનું શુધ્ધિકરણ કરવું પડશે.. બોલ ગંગા મૈયા કી જય…હર હર ગંગે…!!

 60 ,  1