September 20, 2021
September 20, 2021

અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો…

પરંતુ ચૂકવવી પડશે વધુ રકમ….

છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ઝંખી રહેલા ભારતીયોને નજીકના ભવિષ્યમાં ગ્રીનકાર્ડ મળી જાય તેવી શક્યતા ઉભી થઇ છે. એમ્પ્લોઇમેન્ટ આધારિત ગ્રીનકાર્ડ મેળવવા માટે જે લોકોની અરજીઓ જૂના બેકલોગમાં ફસાઇ ગઇ છે તેઓને 100 ડોલરથી માંડીને 5000 ડોલર સુધીની પૂરક ફી ભરીને સરકાર ગ્રીનકાર્ડ આપવા વિચારી રહી છે.

આ અંગેનો ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કરવાના ચક્રો પણ ગતિમાન થઇ ગયા છે. જો આ ખરડો કોંગ્રેસના બંને ગૃહોમાં પસાર થઇ જાય અને કાયદો બની જાય તો એમ્પ્લોઇમેન્ટ આધારિત વર્ક પરમીટ ધરાવનારા હજારો વિદેશીઓ અને ભારતીયોને ગ્રીનકાર્ડ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામા મોટા ભાગના આઇટી પ્રોફેશ્નલ એમ્પ્લોઇમેન્ટ આધારિત વર્ક પરમીટ લઇને બાદમાં ગ્રીનકાર્ડ માટે અરજી કરતાં હોય છે,

પરંતુ આ કેટેગરીમાં ગ્રીનકાર્ડ કરનારા લોકોની સંખ્યા એટલી હદે વધી ગઇ છે કે અરજીઓનો બેકલોગ ખુબ મોટો થઇ ગયો છે, તેથી સરકાર પૂરક ફી લઇને ગ્રીનકાર્ડ આપવાની દિશામાં આગળ વધી રહી છે. ગ્રીનકાર્ડ એક એવો દસ્તાવેજ છે જેને ધરાવનાર કોઇપણ વિદેશીને કાયમ માટે અમેરિકામાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

અમેરિકન કોંગ્રેસની પ્રતિનિધિ સભાની જ્યુડિશિયરી કમિટિ દ્વારા જારી કરાયેલા સરકારી દસ્તાવેજ મુજબ છેલ્લા બે વર્ષ કે તે પહેલાથી ગ્રીનકાર્ડ માટે અરજી કરી હોય તે લોકોની પાસેથી 5000 ડોલર સુધીની પૂરક ફી લઇને તેઓને ગ્રીનકાર્ડ આપી શકાય તેમ છે. ઇબી-5 (વસાહતી રોકાણકાર) કેટેગરી માટે જો કે પૂરક ફીની રકમ 50,000 ડોલર નક્કી કરાઇ છે.

 46 ,  1