ફ્રાંસની ઘટનાને સમર્થન આપનાર શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ

 શાયર મુનવ્વર રાણાએ ફ્રાન્સના સાંપ્રદાયિક હુમલાને ગણાવ્યો હતો યોગ્ય

લખનઉના હજરતગંજ પોલિસ સ્ટેશનમાં શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફ્રાંસની ઘટનાને લઇ આપેલા વિવાદિત નિવેદનને લઇ મુનવ્વર રાણા સામે FIR દાખલ કરવામાં આવી છે. એક કાર્ટુનને લઇને શાયરના મત મુજબ ફ્રાન્સમાં થયેલી હત્યા યોગ્ય હતી.

મુનવ્વર રાણા પર લખનઉ પોલીસે સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો, શાંતિ ભંગ કરવાની સાથે આઈટી એક્ટ હેઠળ FIR દાખલ કરી છે. લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર દીપક પાંડેએ મુનવ્વર રાણા પર FIR દાખલ કરાવી છે. 

ફ્રાન્સ વિરુદ્ધ લગભગ આખી દુનિયાના મુસલમાનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા શાયર મુનવ્વર રાણાએ પણ આ કડીમાં નિવેદન આપ્યું હતું. તેમણે વિવાદિત કાર્ટૂનને લઈને ફ્રાન્સના નીસ શહેરમાં ધાર્મિક નારા લગાવીને એક મહિલાનું ગળું કાપીને અને બે અન્ય વ્યક્તિઓને ચાકૂ મારીને કરાયેલી હત્યાઓને યોગ્ય ઠેરવી હતી. 

કાર્ટૂન વિવાદને લઈને ફ્રાન્સમાં થયેલી હત્યાઓને યોગ્ય ગણાવનાર જાણીતા શાયર મુનવ્વર રાણાનું નિવેદન સામે આવ્યુ છે. મુનવ્વર રાણાએ કહ્યુ કે, તે પોતાની વાતને વળગી રહીશ. મને ફ્રાન્સની ઘટના પર સત્ય બોલવાની જે સજા મળે તે મંજૂર છે. 

મુનવ્વર રાણાએ કહ્યુ કે, હું તે લોકોની જેમ નથી જે કેસ પરત લેવડાવતા ફરે છે અને સત્ય બોલવાથી ડરે છે. જો મારી વાત પર કોઈ ગુનો સિદ્ધ થયો તો મને ચાર રસ્તે શૂટ કરી દો.

શાયર રાણા વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે, ફ્રાન્સમાં કાર્ટુન વિવાદ પર હત્યાઓને યોગ્ય કહેવામાં આવ્યુ છે જે સમાજને પર્યાપ્ત હાનિ પહોંચાડી શકે છે. આ નિવેદનથી શાંતિ ભંગ થવાની પણ આશંકા છે. પોલિસે મુનવ્વર રાણા વિરુદ્ધ આઇપીસીની ધારા 153એ, 295એ, 298, 505 સહિત અન્ય ધારાઓ લગાવવામાં આવી છે.

ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદ સાહેબના વિવાદિત કાર્ટૂન પછી થઈ રહેલી હત્યાઓને શાયર મુનવ્વર રાણાએ યોગ્ય ઠેરવતા હોબાળો મચી ગયો હતો. રાણાએ કહ્યું કે, ‘જો કોઈ આપણી મા કે આપણા બાપનું આવું કાર્ટૂન બનાવે કે અપશબ્દો બોલે તો હત્યા થવી ગુનો નથી. અમેરિકા અને ફ્રાન્સમાં મુસ્લિમો પર બહુ જુલમ થયા છે.’ આ મુદ્દે ફ્રાન્સમાં એક ટીચરની ગળું કાપીને હત્યા કરાઈ. ત્યાર પછી એક ચર્ચમાં એક મહિલાનું પણ ગળું કપાયું અને અન્ય બે વ્યક્તિની પણ હત્યા કરાઈ. આ હત્યાઓને તેમણે યોગ્ય ઠેરવી હતી.

પોલીસના મત મુજબ રાણા દ્વારા આપવામાં આવેલ નિવેદન સામાજિક સમરસતાને ખંડિત કરવા માટે પૂરતું છે જેને લઈને તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ફ્રાન્સના વિરોધમાં બાંગ્લાદેશમાં હિંદુઓના ઘરો પર હુમલો

બાંગ્લાદેશના કોમિલા જિલ્લામાં કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુઓના ઘરોમાં તોડફોડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોમિલા જિલ્લામાં ઇસ્લામથી જોડાયેલી કથિત અપમાનજનક પોસ્ટને લઇને અફવા ફેલાઈ ત્યારબાદ હિંદુઓના ઘર પર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો. ફ્રાન્સમાં રહેનારા એક બાંગ્લાદેશી વ્યક્તિએ કથિત રીતે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈંક્રોંની ‘અમાનવીય વિચારધારા’ની વિરુદ્ધ પગલા ઉઠાવવાને લઇને પ્રશંસા કરી હતી.

રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશી વ્યક્તિએ ફ્રાન્સમાં પેગમ્બર મોહમ્મદના કાર્ટૂન દર્શાવનારા ટીચરની હત્યા બાદ કટ્ટરપંથી ઇસ્લામને લઇને મૈંક્રોંના વલણનું સમર્થન કર્યું હતુ અને ત્યારબાદ હિંદુઓના ઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાની ઘટના બની. રિપોર્ટમાં પૂર્બો ઘૌર કિંડરગાર્ડન સ્કૂલના હેડમાસ્ટરે ફેસબૂક પર એક પોસ્ટ પર કૉમેન્ટમાં મૈક્રોંની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતુ. ફેસબૂક પોસ્ટને લઇને જેવી અફવા ફેલાવી, શનિવારના આ વિસ્તારમાં તણાવ ચરમ પર પહોંચી ગયો.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર