અમદાવાદ : મોતની આગમાં 12 હોમાયા, વડાપ્રધાનની ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું, Video

પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર

શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકો જીવતા હોમાયા હતા. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ સીએમ રૂપાણી સહિત નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

CCTV ફૂટેજ

આ દુર્ઘટનામાં આગના લીધે નહીં, પરંતુ બોઇલર ફાટવાના લીધા મોત થયા હોવાનું જણાવાઇ રહ્યું છે. આગની લપેટ અને ગરમીને લીધે બોઇલર ફાટ્યું હતું. બોઇલર ફાટવાથી દિવાલ પડી અને નીચે ઉભેલા લોકો દટાયા હતા. જે લોકો ઉભા ઉભા આગ જોઈ રહ્યા હતા અને રેસ્ક્યૂની કામગીરી જોતા હતા, ત્યારે જ દિવાલ ખાબકી હતી. જેમાં અનેક લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 4 લોકોના હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયા હતા, જ્યારે 8 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની 24 ગાડી અને ફાયરના 60 કર્મીને ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ પર બહુ ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ કાટમાળ ખસેડવાની કામગીરી ખૂબ લાંબા સમય સુધી ચાલી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે એલ.જી.હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બપોર બાદ એનડીઆરએફની એક ટીમ પણ કાટમાળ ખસેડવાની અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

દુર્ઘટના બાદ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.”

ગૃહ મંત્રી અમિત શાહએ કર્યું ટ્વીટ

અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગના સમાચાર અત્યંત દુ:ખદ છે. સ્થાનિક વહીવટ તંત્ર ઘટના સ્થળે તમામ શક્ય મદદ કરી રહી છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તોની સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર

અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરતા મૃતક પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવા માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારની નિમણૂક કરી છે.

અમદાવાદના મેયર બીજલ પટેલે આગની ઘટનાને સામાન્ય ગણાવી

અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળ્યાં નહોતા. પરંતુ વડાપ્રધાને આ અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું ત્યાર બાદ તેઓ તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં.

તેમણે એલ.જી હોસ્પિટલ પહોંચીને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મેયરે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરું છું. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર છે.

આ ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 10 લોકો સારવાર હેઠળ છે. ઈજા પામેલા તમામ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. બીજલ પટેલ મેયર તરીકે અમદાવાદ શહેરના પ્રથમ નાગરીક કહેવાય છે. તેમણે આ ગંભીર ઘટના જેમાં 12 લોકોનાં મોત થયાં છે. તેને સામાન્ય ઘટના ગણાવી હતી. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઈજા પામેલા લોકોની સારવાર અગત્યની છે એમ કહીને જવાબ આપ્યા વિના હોસ્પિટલમાંથી નીકળી ગયાં હતાં.

પીએમ મોદીની ટ્વીટ બાદ અમદાવાદનું તંત્ર દોડતું થયું હતું

પીએમ મોદીએ ઘટનામાં દુઃખ વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. તે અગાઉ અમદાવાદમાં બેસેલાં શાસક પક્ષ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. મેયર સહિતનાં શાસક પક્ષના એકપણ નેતાએ મૃતકોનાં પરિવારજનોને સાંત્વના આપી ન હતી. પણ જેવી જ પીએમ મોદીની ટ્વીટ આવી કે અમદાવાદનું તંત્ર દોડતું થયું હતું.

 96 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર